સલમાન ખાનના પિતા સલીમ ખાને અભિનેતા તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યા પછી લેખનમાં સ્ટાર કરતાં વધારે કિંમત મેળવવાનો કરેલો નિર્ધાર પૂરો કરી બતાવ્યો હતો. સલીમ આમ તો ક્રિકેટર બનવા માગતા હતા. કોલેજ સુધી ક્રિકેટ રમ્યા પણ એમાં સારી પ્રગતિ કરી શક્યા નહીં એટલે પાયલટ બનવા તાલીમ લેવાનું શરૂ કર્યું. પણ એમને એમ થયું કે પાયલટનું કામ થઇ શકશે નહીં અને એ ધ્યેય છોડી દીધું. દરમ્યાનમાં નિર્માતા તારાચંદ બડજાત્યાના પુત્રના લગ્નમાં ઇન્દોર ખાતે ગયા હતા. એમાં સલીમને જોઇ ‘ગાંવ કી ગોરી’ જેવી ફિલ્મોના નિર્માતાએ અભિનયની ઓફર કરી. સલીમે અગાઉ નાટકોમાં પણ કામ કર્યું ન હોવાથી ખચકાયા. ત્યારે દિલીપકુમારનું ઉદાહરણ આપીને સમજાવ્યા અને મુંબઇ જવા પૈસા આપી દીધા.
મુંબઇ આવીને સલીમનો સંઘર્ષ શરૂ થઇ ગયો. નાની- મોટી ભૂમિકાઓ ભજવવા લાગ્યા. સાત વર્ષ સુધી અભિનેતા તરીકે કામ કર્યા પછી ફરી એવું લાગ્યું કે અભિનયના ક્ષેત્રમાં ભવિષ્ય નથી અને અભિનય છોડી દીધો. નવું કામ લેખનનું પસંદ કર્યું. કેમકે અંગ્રેજી ફિલ્મો બહુ જોતા હતા અને વાંચનનો એવો શોખ હતો કે માહિમની લાઇબ્રેરીના બધા જ પુસ્તકો વાંચી લીધા હતા.
સલીમે એક નોકરી કરવા સાથે પાર્ટ ટાઇમમાં જાણીતા લેખક- નિર્દેશક અબરાર અલ્વીના સહાયક તરીકે મહિને રૂ.૫૦૦ ના પગારથી કામ શરૂ કરી દીધું. એક વખત સલીમે અબરારને કહ્યું કે એક જમાનો એવો પણ આવશે જ્યારે લેખકને સ્ટાર જેટલા જ રૂપિયા મળશે. આવો નિર્ધાર કરવાનું કારણ એ હતું કે એ સમય પર લેખકને થોડા પૈસા તો ઠીક સન્માન પણ મળતું ન હતું. અબરારે કહ્યું કે દિલીપકુમારને અત્યારે બાર લાખ રૂપિયા મળે છે જ્યારે સ્થાપિત લેખકને હજુ પચીસ હજાર મળે છે. આવી વાત બીજાને કરીશ તો ગાંડો સમજશે.
સલીમ ખાને એ દિવસોને યાદ કરતા એક મુલાકાતમાં કહ્યું છે કે જાવેદ અખ્તર સાથે જોડી બનાવી અને પહેલી ફિલ્મ ‘અંદાઝ’ (૧૯૭૧) માટે સાથે લખતા હતા ત્યારે મહિને રૂ.૭૫૦ મળતા હતા. ‘હાથી મેરે સાથી’ અને ‘અધિકાર’ (૧૯૭૧) લખી એના માટે દસ હજાર રૂપિયા મળ્યા. ‘યાદોં કી બારાત’ (૧૯૭૩) માટે પચીસ હજાર અને ‘જંજીર’ (૧૯૭૩) માટે પંચાવન હજાર મળ્યા હતા. પરંતુ જ્યારે સીતા ઔર ગીતા, હાથ કી સફાઇ, દીવાર, શોલે વગેરે સળંગ દસ જેટલી ફિલ્મો હિટ થઇ ગઇ ત્યારે પોતાની કિંમતે લખી શકે એવી સ્થિતિમાં આવી ગયા.
‘દોસ્તાના'(૧૯૮૦) એવી ફિલ્મ બની જે માટે અમિતાભને રૂ.૧૨ લાખ મળ્યા જ્યારે સલીમ-જાવેદને રૂ.૧૨.૫૦ લાખ આપવામાં આવ્યા. એ કરાર કર્યા પછી સલીમે અબરારને ફોન કરીને કહ્યું કે મેં તમને એમ કહ્યું હતું કે એક વખત એવો આવશે જ્યારે લેખક સ્ટાર જેટલા પૈસા લેશે. પણ મેં ખોટું કહ્યું હતું. આજે અમે સ્ટાર કરતાં વધારે પૈસા લીધા છે. એ જાણીને અબરાર ખુશ થયા અને કહ્યું કે તેં પોતાને સાબિત કર્યો એ જાણીને આનંદ થયો. આ સાથે આખી લેખકની જમાતને એક સ્થાન અને સન્માન મળ્યું છે. પહેલાં ફિલ્મોના લેખક તરીકે સ્ક્રીન પર કે પોસ્ટરમાં નામ આવતા ન હતા. સલીમ-જાવેદને કારણે એ સન્માન પણ લેખકોને મળતું થયું.
