એક સમય એવો હતો જ્યારે રાજેશ ખન્ના કરતાં આશા પારેખની લોકપ્રિયતા વધુ હતી. પરંતુ સફળતા ઘણું બધું બદલી નાખે છે. ફ્લોપ રાજેશ ખન્ના આશા પારેખથી મોટા સ્ટાર બની ગયા હતા. નાસીર ઉસ્માને રાજેશ ખન્ના વિશેના પુસ્તકમાં પોતાના પત્રકારમિત્રએ કહેલી આવી કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો છે. નિર્દેશક નાસીર હુસૈનની ફિલ્મ ‘બહારોં કે સપને’ (૧૯૬૭) નું જ્યારે શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આશા પારેખ રાજેશ ખન્ના કરતાં વધુ ચાહકો ધરાવતા હતા અને સ્ટાર અભિનેત્રી હતા. આ ફિલ્મની આઉટડોર શુટિંગ દરમ્યાન એક ખુલ્લા મેદાનમાં આશા અને રાજેશ ખુરશીમાં બેઠા હતા ત્યારે શુટિંગ જોવા આવેલા યુવાનો એમના ઓટોગ્રાફ લેવા નજીક આવ્યા. એ બધાં જ આશાજી તરફ વળી ગયા અને એમના ઓટોગ્રાફ લેવા લાગ્યા. એમાં બે છોકરીઓ હતી. બંને રાજેશ ખન્ના પાસે ગઇ અને એમના પણ ઓટોગ્રાફ લીધા. એમને ઓટોગ્રાફ આપતાં રાજેશને બહુ ખુશી થઇ રહી હતી. ત્યારે ત્યાં ભીડમાં ઊભેલા બે યુવાનો વાત કરી રહ્યા હતા.
એક યુવાન બીજાને બતાવીને કહી રહ્યો હતો કે,’તને ખબર છે? સામે બેઠો છે એ ફિલ્મનો હીરો છે?’ બીજા યુવાને રાજેશ ખન્ના તરફ જોઇને જવાબ આપ્યો હતો કે,’હા, જોને, કેવા કેવા લોકો હીરો બની જાય છે. એની આંખો જોઇ? બિલકુલ નેપાળથી આવેલો ગુરખો લાગે છે.’ તેમની વાત સાંભળીને લોકો હસી પડ્યા હતા. એ વખતમાં આશા પારેખે પણ એક મેગેઝીનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે એમની માતા એમને પૂછતી રહેતી હતી કે તે એવા હીરો સાથે કેમ કામ કરી રહી છે જેના ચહેરો ખીલથી ભરેલો છે. એક સમય પર એવી વાત પણ આવી હતી કે રાજેશ ખન્ના સુંદર દેખાતા ન હોવાથી આશાએ એમની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. ‘બહારોં કે સપને’ પછી એસ.એસ. બાલનની ‘ઔરત’ પણ ફ્લોપ રહી હતી.
ચાર ફિલ્મો ફ્લોપ થયા પછી પણ નિર્માતાઓએ રાજેશ પર વિશ્વાસ વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. એમાં યશ ચોપડાની ‘ઇત્તેફાક’ (૧૯૬૯) શક્તિ સામંતની ‘આરાધના’ (૧૯૬૯) અને રાજ ખોસલાની ‘દો રાસ્તે’ (૧૯૬૯) હતી. એ પછી રાજેશ ખન્નાનો સમય બદલાયો હતો અને એમના ખીલવાળા ચહેરા પર આખું ભારત ફિદા થઇ ગયું હતું. જે બાબતે રાજેશ ખન્નાની મજાક ઉડાવવામાં આવતી હતી એની પાછળથી પ્રશંસા થવા લાગી હતી. રાજેશ ખન્નાની અદા અને અભિનયનો એ જાદૂ જ હતો કે યુવતીઓ એમની પાછળ ગાંડી બની હતી. આશાજીએ વર્ષો પછી એક મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ જ્યારે રાજેશ સાથે ‘આન મિલો સજના’ (૧૯૭૦) અને ‘કટી પતંગ’ (૧૯૭૦) નું શુટિંગ કરતા હતા ત્યારે એમને મળવા સેંકડો છોકરીઓ આવતી હતી. એ કારણે ફિલ્મનું શુટિંગ રદ કરવાની નોબત આવતી હતી.