રાજેશ ખન્નાની વ્યસ્તતાનો લાભ રાજ બબ્બરને પણ મળ્યો હતો. જ્યારે બી.આર. ચોપડાએ રાજેશ ખન્ના અને સ્મિતા પાટીલ સાથે હોલિવૂડની ફિલ્મ ‘ડેથ વિશ’ પર આધારિત ‘આજ કી આવાઝ’ (૧૯૮૪) બનાવવાનું આયોજન કર્યું ત્યારે તે દક્ષિણના નિર્માતાઓની ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી તારીખો ફાળવી શકે એમ ન હતા. ચોપડાને અગાઉ પણ આવું જ થયું હતું. બીજી વખત ચોપડાએ રાજેશના સ્થાને રાજને લીધા અને એ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. ફિલ્મને બોક્સ ઓફિસ પર એ સમયમાં રજૂ થયેલી અનિલ કપૂરની ‘લૈલા’ અને જેકી શ્રોફની ‘અંદર બહાર’ સામે સારી સફળતા મળી હતી.
અસલમાં ‘ડેથ વિશ’ ની વાર્તા પરથી પહેલાં નિર્દેશક અનિલ શર્માએ હિન્દી ફિલ્મ ‘ચિંગારિયાં’ બનાવવાનો નિર્ણય કર્યો હતો. અને એકસાથે તારીખો આપી શકે એવા હીરોની શોધ કરી રહ્યા હતા. પરંતુ જલદી કોઇ હીરો ના મળ્યો એટલે વાર્તામાં ફેરફાર કરીને હીરોઇનની મુખ્ય ભૂમિકા કરી દીધી. એ માટે સ્મિતા પાટીલને સાઇન કરી લીધી. જ્યારે શુટિંગ શરૂ કરવાના હતા ત્યારે અચાનક સ્મિતાએ પારિવારિક કારણોથી ના પાડી દીધી. એમને સ્મિતાના ઇન્કારથી આંચકો લાગ્યો. પણ જ્યારે થોડા દિવસો પછી બી.આર. ચોપડાએ સ્મિતા પાટીલની સાથે ‘આજ કી આવાઝ’ બનાવવાની જાહેરાત કરી ત્યારે વધારે ધક્કો લાગ્યો હતો.
અનિલ શર્માએ પાછળથી એવી જ વાર્તા પરથી અનિતા રાજ સાથે ફિલ્મ ‘ફૈંસલા મેં કરુંગી’ (૧૯૯૫) બનાવી હતી. તેને સફળતા મળી ન હતી. ‘આજ કી આવાઝ’ બની રહી હતી ત્યારે સ્મિતા અને રાજ એકબીજાના પ્રેમમાં હતા. એ કારણે ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી વધારે જામી હતી. સ્મિતાને કારણે ફિલ્મમાં નાના પાટેકરે એક મહત્વની ભૂમિકા નિભાવી હતી. પહેલી વખત જ્યારે સ્મિતાએ બી.આર. ચોપડાને નાના પાટેકરને ફિલ્મમાં લેવાની ભલામણ કરી ત્યારે એક નાની ભૂમિકા સોંપવામાં આવી હતી. આ વાતથી નાના નારાજ થયા હતા.
સ્મિતાએ નિર્દેશક રવિ ચોપડાને વાત કરીને ‘જગમોહન દાસ’ ની મહત્વની ભૂમિકા અપાવી હતી. ફિલ્મમાં એક પ્રોફેસરની સિસ્ટમ અને સમાજ બંને સામેની લડાઇની વાર્તા છે. મહેન્દ્ર કપૂરે ગાયેલા ગીતોમાં ટાઇટલ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું અને હસન કમાલને એ માટે શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ બે વખત સેન્સર બોર્ડમાં અટકી ગઇ હતી. ફિલ્મમાંથી બળાત્કાર અને હિંસાના ઘણા દ્રશ્યો કાપી નાખવામાં આવ્યા હતા.
ફિલ્મને રિવાઇઝ કર્યા પછી ફરી રિવાઇઝીંગ સમિતિ પાસે મોકલવામાં આવી હતી. એ કારણે સેંસર સર્ટિફિકેટ ઉપર પણ રિ-રીવાઇઝડ લખવામાં આવ્યું હતું. હિન્દીમાં ફિલ્મની સફળતા પછી એની તેલુગુમાં ‘ન્યાયમ મીરે ચેપ્પાલી’ અને તમિલમાં નાન સિગપ્પૂ મનિથન’ નામથી રીમેક બનાવવામાં આવી હતી. જ્યારે કન્નડમાં ‘મહાત્મા’ નામથી બની હતી. નિર્દેશક રવિ ચોપડાએ વર્ષો પછી એની સીક્વલ તરીકે રાજ બબ્બર ઉપરાંત ધર્મેન્દ્રને લઇ ‘કલ કી આવાઝ’ (૧૯૯૨) બનાવી હતી એ સફળ રહી ન હતી.