ગીતકાર મહેબૂબે ‘બોમ્બે’ છોડવાનો વિચાર પડતો મૂક્યો હતો

ગીતકાર મહેબૂબને પહેલી ફિલ્મ નિર્દેશક રામગોપાલ વર્માની ‘રંગીલા’ (૧૯૯૫) મળી હતી. પરંતુ એના કારણે જ નિર્દેશક મણિરત્નમની ફિલ્મ ‘બોમ્બે’ (૧૯૯૫) માં ગીતકાર તરીકે સ્થાન મળ્યું હતું. જે ચાર મહિના વહેલી રજૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં એક કારણથી મહેબૂબે ફિલ્મ ‘બોમ્બે’ ને છોડવાનું વિચારી લીધું હતું. મહેબૂબ રામગોપાલ વર્માના પરિચયમાં આવ્યા હતા અને એમની બે નાની ડબ ફિલ્મોના ગીતો લખ્યા હતા. મહેબૂબ ત્યારે વર્માને કોઈ મોટી ફિલ્મ આપવાની વિનંતી કરી રહ્યા હતા.

વર્માએ ‘રંગીલા’ નું આયોજન કર્યું એ સમય પર ‘રોજા’ (૧૯૯૨) ના ડબ હિન્દી ગીતોએ ધૂમ મચાવી હતી. એટલે વર્માએ સંગીતકાર એ. આર. રહેમાનને લીધા ત્યારે મહેબૂબને ગીતો લખવા કહ્યું હતું. રહેમાને જ્યારે પહેલી વખત કોઈ હિન્દી ફિલ્મ ‘રંગીલા’ ના સંગીત માટે હા પાડી ત્યારે પહેલાં પ્રશ્ન કર્યા હતા કે ગીતકાર કોણ છે? અને એમણે પહેલાં કશું લખ્યું છે? વર્માએ એમ કહ્યું હતું કે નવા ગીતકાર મહેબૂબ છે. એમણે અગાઉ ડબ ફિલ્મો માટે ગીતો લખ્યા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો ન હતો.

મહેબૂબને એમ હતું કે રહેમાન પોતાની પહેલી હિન્દી ફિલ્મ માટે કોઈ મોટા ગીતકારની અપેક્ષા રાખતા હશે. રહેમાને એ વાતને બહુ સહજતાથી લીધી હતી અને વર્મા પર ભરોસો રાખી કહ્યું હતું કે નવા ગીતકાર છે તો કશું નવું જ લખશે. ‘રંગીલા’ ના ત્રણ ગીતો તૈયાર થયા હતા એ સમય પર નિર્દેશક મણિરત્નમે એ. આર. રહેમાનના સંગીત સાથે ‘બોમ્બે’ નું આયોજન કર્યું હતું અને ફિલ્મને તમિલ સાથે હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું હતું. રહેમાન મહેબૂબના ત્રણ ગીતોથી પ્રભાવિત હતા. એમણે મહેબૂબને ‘બોમ્બે’ એક ગીત ‘કહના હી ક્યા’ લખવા માટે વાત કરી ત્યારે મહેબૂબે કહ્યું કે તે એક ગીત લખવામાં રસ ધરાવતા નથી. આખી ફિલ્મના ગીતો લખવા મળે તો સારું છે.

રહેમાનને મહેબૂબ પર ભરોસો હતો એટલે હા પાડી દીધી હતી. પરંતુ જ્યારે એ. આર. રહેમાને ‘બોમ્બે’ ના ગીતો લખવા માટે ધૂન આપી ત્યારે મહેબૂબ ગભરાઈ ગયા હતા. કેમકે એમાં ગીતના મુખડાઓની ધૂન બહુ લાંબી હતી. એ સમય પર નાના ચાર- છ શબ્દોના મુખડાનું પ્રચલન હતું. મહેબૂબને થયું કે એ અતિશય લાંબા મુખડા સાથેનું ગીત તે કેવી રીતે લખી શકશે? અને લખ્યા પછી પણ ગીતો ચાલશે કે નહીં એની કોઈને ખબર ન હતી.

ગીતના લાંબા મુખડા લખવાનું કંટાળાજનક બને એમ હોવાથી મહેબૂબે ‘બોમ્બે’ છોડી દેવાનો વિચાર કર્યો હતો. એ પહેલાં મિત્રો અને ભાઈની સલાહ લેવાનું નક્કી કર્યું. બધાંએ એમ કહ્યું કે વાત તો સાચી છે કે આટલા લાંબા મુખડા લખવામાં મજા નથી. સાથે એમણે એક વાત કરી કે ફિલ્મ છોડવી હોય તો છોડી શકે છે પણ આ ફિલ્મની ચર્ચા બહુ થશે. તેનું કારણ એ છે કે ‘રોજા’ પછી મણિરત્નમ રહેમાન સાથે ફરી આવી રહ્યા છે અને ફિલ્મ મુંબઈના તોફાનો પર આધારિત છે. એના ગીતો લખીશ તો કમાલ તો થશે. અને મહેબૂબે ‘બોમ્બે’ છોડવાનો વિચાર પડતો મૂક્યો હતો. ફિલ્મ ‘બોમ્બે’ ના ગીતોના આલબમ પછી ગીતકાર મહેબૂબની સંગીતકાર એ. આર. રહેમાન સાથે જુગલબંદી વધુ મજબૂત બની હતી અને મહેબૂબ મુંબઈમાં જાણીતા ગીતકાર બની ગયા હતા.

(હવે પછીના લેખમાં જાણીશું ગીતકાર મહેબૂબની સંગીતકાર એ.આર. રહેમાન સાથેની ફિલ્મો ‘રંગીલા’ અને ‘બોમ્બે’ ના કેટલાક ગીતોની રસપ્રદ વાતો.)