નિમ્મી: ‘આન’ ની શાન બની

રાજ કપૂરની ‘બરસાત’થી ફિલ્મોમાં આવનાર નિમ્મીએ ભલે એ જમાનાની અભિનેત્રીઓ વૈજયંતિમાલા, સાધના, વહિદા રહેમાન, નરગિસ વગેરે જેટલી સફળતા મેળવી નહીં હોય પણ લોકપ્રિયતા એટલી હતી કે નિર્દેશક મહેબૂબ ખાને ફિલ્મમાં તેની ભૂમિકાની લંબાઇ વધારવાની ફરજ પડી હતી. ૧૯૪૯ માં રજૂ થયેલી નિર્દેશક મહેબૂબ ખાનની રાજ કપૂર, દિલીપકુમાર અને નરગીસની ફિલ્મ ‘અંદાજ’ નું જ્યારે શુટિંગ ચાલતું હતું ત્યારે નિમ્મી તેની દાદીમા સાથે સેટ પર ગઇ હતી. ત્યાં નરગીસના માતા જદ્દનબાઇની બાજુમાં જ તે ઊભી હતી. પોતાનું કામ પતાવીને રાજ કપૂર આવ્યા અને તેમણે જદ્દનબાઇના ચરણ સ્પર્શ કર્યા. એ ત્યાંથી જતા હતા ત્યારે નિમ્મી પર નજર પડી. તેને પૂછ્યું કે,’ઓ છોકરી તારું નામ શું છે?’ પહેલાં તો નિમ્મી શરમાઇ.

ઘણી વાર પછી નિમ્મીએ નામ કહ્યું. ત્યારે તેનું નામ નવાબ બાનો હતું. એ દિવસોમાં રાજ કપૂર ‘બરસાત’ નું આયોજન કરી ચૂક્યા હતા. તેમને પ્રેમનાથ સાથેની જોડી માટે એક એવી છોકરીની જરૂર હતી જે નવી હોય. તેમના મનમાં નિમ્મીનો ચહેરો વસી ગયો હતો. થોડા દિવસ પછી તેમણે કાર મોકલાવી અને નિમ્મીને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવી. શરૂઆતમાં તો નિમ્મી એટલી નર્વસ હતી કે ડરથી રડી પડી. રાજને લાગ્યું કે છોકરી ઇમોશનલ છે. નિમ્મીએ પોતાને આપેલો ફકરો વાંચીને બરાબર અભિનય કરી બતાવ્યો. તેને એ ફિલ્મ માટે પસંદ કરી લેવામાં આવી. અને નવાબ બાનોને નવું ફિલ્મી નામ ‘નિમ્મી’ આપ્યું. નિમ્મી રાજથી ડરતી હતી. તેને સામાન્ય બનાવવા રાજ કપૂરે એક દોરો આપીને એને રાખડી તરીકે હાથમાં બંધાવ્યો. તે રાજની રાખી બહેન બની ગઇ. પછી તેના મનમાંથી રાજનો ડર નીકળી ગયો.

‘બરસાત’ ની હીરોઇન તો નરગિસ હતી પણ નિમ્મીને પહેલી જ ફિલ્મથી ઓળખ મળી ગઇ. ફિલ્મની શરૂઆતમાં જ ‘હવા મેં ઉડતા જાયે’, ‘જીયા બેકરાર હૈ’ અને ‘બરસાત મેં’ જેવા ત્રણ હિટ ગીતો નિમ્મી પર જ હતા. ફિલ્મના અંતમાં નિમ્મીને મૃત્યુ પામતી બતાવવામાં આવી છે. ‘બરસાત’ માં નિમ્મી બીજી હીરોઇન હતી એમ ૧૯૫૨ માં આવેલી ભારતની પહેલી ઇસ્ટમેનકલર ફિલ્મ ‘આન’ માં તે પહેલી વખત ચમકતી નાદિરા સાથે હતી. દિલીપકુમાર સાથેની તેની આ ફિલ્મ વધારે ઉલ્લેખનીય બની. ફિલ્મનું શુટિંગ થયા પછી પહેલી વખત એડિટીંગ કરવામાં આવ્યું ત્યારે નિમ્મીનું ‘મંગલા’ નું પાત્ર વહેલું મૃત્યુ પામતું બતાવાયું હતું.

વિતરકોએ જ્યારે ફિલ્મ જોઇ ત્યારે તેમણે નિમ્મીના પાત્રને વધારવાની માંગ કરી. એટલે ફિલ્મમાં કલ્પના દ્રશ્યો ઉમેરીને તે વધારે સમય સુધી પડદા પર દેખાતી રહે એ માટે તેના પાત્રની લંબાઇ વધારવામાં આવી. આ ફિલ્મનો પ્રિમિયર લંડનમાં કરવામાં આવ્યો. નિમ્મીની લોકપ્રિયતા વિદેશો સુધી એટલી પહોંચી હતી કે તેને હોલિવૂડની એક નહીં ચાર ફિલ્મોની અને તે પણ જાણીતા નિર્દેશકોની દરખાસ્ત મળી. નિર્દેશક મહેબૂબ ખાને તો તેને ત્યાં જ રોકાઇ જવા કહ્યું. નિમ્મીએ કહ્યું કે તેને વિદેશી ફિલ્મોમાં ચુંબન દ્રશ્યો આપવાનું ફાવશે નહીં. એ ત્યાં સુધી કે નિમ્મીએ લંડનમાં હાથ ઉપર પણ કોઇને ચુંબન કરવા દીધું ન હતું.

ફિલ્મના પ્રિમિયરના કાર્યક્રમમાં હોલિવૂડના એરોલ ફ્લિને તેને આવકારવા માટે હાથ પકડીને ચુંબન આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે નિમ્મીએ હાથ પાછો ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે શું તમે જાણતા નથી કે હું એક ભારતીય છોકરી છું? બીજા દિવસે એ કિસ્સો ત્યાં અખબારમાં ‘ધ અન-કિસ્ડ ગર્લ ઓફ ઇન્ડિયા’ ના ટાઇટલ સાથે છપાયો હતો. ફિલ્મનું અંગ્રેજી વર્ઝન ‘સેવેજ પ્રિન્સેસ’ નામથી રજૂ થયું હતું. પણ ફિલ્મને જ્યારે ફ્રેન્ચ ભાષામાં ડબ કરવામાં આવી ત્યારે ‘મંગલા-ધ ગર્લ ઓફ ઇન્ડિયા’ નામ રાખવામાં આવ્યું હતું. એ સમયે વિદેશોમાં નિમ્મી જેટલી લોકપ્રિયતા ભાગ્યે જ કોઇ ભારતીય અભિનેત્રીને મળી હશે.

(રાકેશ ઠક્કર- વાપી)