ફિલ્મ ‘કાલ’ માં અસલ વાઘનો ઉપયોગ થયો હતો!  

અજય દેવગન, જોન અબ્રાહમ અને વિવેક ઓબેરોય સાથે બનેલી ફિલ્મ ‘કાલ’ (2005) ની સ્ક્રિપ્ટ કરણ જોહરે પસંદ કર્યા પછી એને વાંચન માટે પિતા યશ જોહર પાસે મોકલી હતી. એમણે સોહમ શાહને બોલાવ્યા. સોહમ એમની પાસે પહોંચ્યા ત્યારે સ્ક્રિપ્ટ પાછી આપતા કહ્યું કે આ શું લખ્યું છે? તમે પોતાને શું સમજો છો? ગમે એ લખી શકાય છે? તમે યુવાનો મનમાં આવે એ લખી કાઢો છો. ખબર પડે છે કે શું લખ્યું છે? ક્યારેય કોર્બેટ નેશનલ પાર્ક ગયા છો?

યશજીના આક્રમણથી ગભરાયા વગર સોહમે કહ્યું કે હું ઘણી વખત કોર્બેટ પાર્ક ગયો છું. એમણે કહ્યું કે ઘણી વખત જવાથી ફિલ્મ બનાવી શકાતી નથી. એમણે એક પડકાર આપ્યો અને કહ્યું કે હું આ ફિલ્મ માટે અમારા પ્રોડકશનનું નામ આપીશ નહીં. પહેલાં તમારે એકલા જઈને ત્યાંથી શુટિંગ કરવાની પરવાનગી લઈ આવવી પડશે. તો જ હું કરણને ફિલ્મ બનાવવાની પરવાનગી આપીશ. એમણે કોર્બેટ પાર્કની પરવાનગી માટે જરૂરી ફીના રૂપિયા આપી દીધા.

સોહમ કોર્બેટ પાર્ક ગયા અને દસ દિવસ સુધી કોઇની ઓળખાણ કે લાગવગ વગર ઘણા પ્રયત્ન કર્યા. જ્યારે અધિકારીએ સ્ક્રિપ્ટ વાંચી અને લાગ્યું કે એમાં વાઘ માટે એક સંદેશ છે ત્યારે પરવાનગીનો પત્ર આપ્યો. એ લઈને યશ જોહર પાસે ગયા. એમણે સીધું જ પૂછ્યું કે પરવાનગી મળી નહીં ને? મને ખબર હતી કે મળશે નહીં. ત્યારે સોહમે પરવાનગીનો પત્ર આપ્યો અને એ જોઈ એમણે ખુશ થઈ કહ્યું કે હવે તું એવી ફિલ્મ બનાવ જે જોઈને મજા આવી જાય. પછી એમ પણ કહ્યું કે મેં ધાર્યું હોત તો એક ફોન કરીને તને બે દિવસમાં પરવાનગી અપાવી દીધી હોત. પણ તને શીખવા મળે અને ભવિષ્યમાં કામ લાગે એ માટે મેં આમ કર્યું હતું.

સોહમે ફિલ્મ ‘કાલ’ બનાવવાનું શરૂ કર્યું ત્યારે બે નવોદિત યુવા હીરોનું અને ‘કાલી’ ની ભૂમિકા માટે નાના પાટેકર જેવા દમદાર અનુભવી અભિનેતા માટે વિચાર્યું હતું. કરણ જોહરે બધી જ ભૂમિકાઓમાં જાણીતા અને સ્ટાર કલાકારોને લેવા કહ્યું હતું. તેથી જોન અને વિવેક સાથે ‘કાલી પ્રતાપ સિંહ’ ની ભૂમિકામાં અજય દેવગનને લેવામાં આવ્યા હતા. સૌથી વધુ મુશ્કેલી ‘ટાઈગર’ ની પસંદગીમાં આવી હતી. સોહમે નક્કી કર્યું હતું કે VFX નો ઉપયોગ કરવો નથી. કેમકે ત્યારે એનું પરિણામ બહુ સારું આવતું ન હતું. અને પ્રાણીઓ સાથે ભારતમાં શુટિંગ શક્ય ન હોવાથી વાઘ લાવવાનું કામ વધારે મુશ્કેલ હતું.

એક્શન નિર્દેશકે સૂચન કર્યું કે એક ફિલ્મમાં અમે ચાર મોટા કૂતરા પર પેઇન્ટીંગ કરીને તેમને વાઘ તરીકે રજૂ કર્યા હતા એવું કરીએ. પણ સોહમ અસલી વાઘ માટે અમેરિકા ગયા, જ્યાં ‘ગ્લેડિયેટર’ માટે વાઘ મેળવવામાં આવ્યા હતા. ત્યાંથી ત્રણ વાઘ લઈને થાઈલેન્ડના જંગલમાં લઈ જવામાં આવ્યા. જે ભારતના ‘કોર્બેટ નેશનલ પાર્ક’ નો આભાસ ઊભું કરતું હતું. ત્યાં વાઘને તાલીમ આપવામાં આવી અને એ અસલ વાઘ સાથે જ આખી ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યું હતું. એ સમય પર અલગ પ્રકારની ફિલ્મ ‘કાલ’ તૈયાર થયા પછી એના માટે ઉત્સુકતા ઊભી કરવા અને પ્રચાર માટે કરણ જૌહર દ્વારા બે ગીત ‘કાલ ધમાલ’ અને ‘તોબા તોબા’ ઉમેરવામાં આવ્યા હતા. બંને ગીતો લોકપ્રિય થયા હતા અને દર્શકો આકર્ષાયા હતા.