જુગલની હીરોઈન ઉર્મિલા સાથેની જોડી પસંદ ના થઈ!

જુગલ હંસરાજે બાળ કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. એમાં ઉર્મિલા માતોંડકર સાથે નિર્દેશક શેખર કપૂરની ‘માસૂમ’ (1983) કરી હતી અને સફળ રહી હતી. પરંતુ જ્યારે ઊર્મિલાના યુવાન હીરો તરીકે આવ્યો ત્યારે એને ખાસ પસંદ કરવામાં આવ્યો ન હતો. જુગલની બાળ કલાકાર તરીકે છેલ્લી ફિલ્મ ‘હુકૂમત’ (1987) રજૂ થઈ હતી. જ્યારે જુગલ યુવાન થયો ત્યારે બોલિવૂડમાં વાત ફેલાઈ કે ‘માસૂમ’ નો બાળ કલાકાર મોટો થઈ ગયો છે.

18 વર્ષની ઉંમરે સૌથી પહેલાં મનમોહન દેસાઈને ત્યાંથી એને આમંત્રણ મળ્યું હતું. પહેલાં એમ થયું કે કોઈ હીરોના બાળપણની ભૂમિકા માટે યાદ કર્યો હશે પણ એ મોટો થઈ ગયો હતો. છતાં જુગલ એમના આમંત્રણને માન આપીને મળવા જરૂર ગયો. થોડી આમતેમ વાતો કર્યા પછી એમણે સીધું જ કહ્યું કે રાજ કપૂરે બનાવી હતી એવી ‘બોબી’ જેવી ટીનએજ લવસ્ટોરી બનાવવા માંગું છું અને એ ફિલ્મનો હીરો તું છે. ફિલ્મનું નિર્દેશન કેતન દેસાઇ કરશે.

એમણે ઘણા કલાક સુધી એની સ્ક્રિપ્ટ સંભળાવી અને પછી તૈયારી કરવા માટે સરોજ ખાનના ડાન્સ ક્લાસમાં તાલીમ શરૂ કરાવી દીધી. પરંતુ એક-દોઢ વર્ષ થઈ ગયું અને એ ફિલ્મ બની શકી નહીં. એ ફિલ્મ બંધ થયા પછી પહેલાજ નિહાલાનીની ફિલ્મ મળી ગઈ. એમાં જુગલની સામે હીરોઈન તરીકે રાગેશ્વરીને લેવામાં આવી હતી. કમનસીબે એ ફિલ્મ પણ શરૂ થઈ શકી નહીં.

યુવાનીમાં એક પછી એક બે ફિલ્મ શરૂ ના થઈ તેથી થોડી ઉદાસી હતી. ત્યારે અચાનક નિર્માતા સલીમ અખ્તરની ‘આ ગલે લગ જા’ (1994) માટે બોલાવવામાં આવ્યો. વાત એવી હતી કે ફિલ્મ માટે હીરો તરીકે સૈફ અલી ખાન નક્કી થયો હતો અને ઊર્મિલા હીરોઇન હતી. કોઈ કારણથી ફેરફાર થયો હતો. એટલે ફિલ્મ શરૂ થવાના એક સપ્તાહ પહેલાં જ જુગલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સલીમે અગાઉ ‘લોહા’ બનાવી હતી અને એમાં જુગલ હંસરાજે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

હીરોઈન તરીકે ઊર્મિલાને હતી તેથી થોડી ચર્ચા થઈ હતી. કેમકે બંનેએ ‘માસૂમ’ માં ભાઈ-બહેન તરીકે કામ કર્યું હતું. ફિલ્મનો આખો સેટઅપ ગોઠવાઈ ગયો હતો એટલે કોઈએ આ મુદ્દે વધારે વિચાર કર્યો ન હતો. ફિલ્મને એ કારણે જ બરાબર પ્રતિસાદ મળ્યો ન હોવાનું કહેવાય છે. પણ ‘આજ હમેં માલૂમ હુઆ’, ‘હમ ના હોંગે જુદા’ વગેરે ગીતો બહુ લોકપ્રિય રહ્યા હતા.

જોકે, એ પછી પણ જુગલનું ભાગ્ય એવું રહ્યું હતું કે મોટી ફિલ્મો મળવાનો અને એ શરૂ ન થવાનો સિલસિલો આગળ ચાલતો જ રહ્યો હતો. શેખર કપૂર, યશ ચોપરા જેવા ઘણા નિર્દેશકો સાથેની અસંખ્ય ફિલ્મો મેળવી હતી. જેની શરૂઆતનું મુર્હુત ક્યારેય આવ્યું ન હતું.