અભિનયમાં નવી સાયરાનું એવોર્ડસમાં નામાંકન 

સાયરા બાનુને માત્ર સુંદરતાને આધારે જ નહીં પણ અભિનયને કારણે ફિલ્મ ‘જંગલી’ (૧૯૬૧) થી સફળતા મળી હતી એ સાબિત થયું હતું. સાયરા માટે અભિનયમાં જવાનું સરળ હતું. માતા નસીમ બાનુ ‘બ્યુટી ક્વીન’ તરીકે ઓળખાતા અભિનેત્રી હતા. પરંતુ ‘પુકાર’ જેવી ફિલ્મો માટે જાણીતા નસીમ ઇચ્છતા ન હતા કે સાયરા મોટી થઇને આ ક્ષેત્રમાં કામ કરે. સાયરાની ઇચ્છા ભવિષ્યમાં ફિલ્મોમાં કામ કરવાની હતી. ત્યારે ફિલ્મોમાં કામ કરવાની વાતને સમાજમાં સારી સમજવામાં આવતી ન હતી.

 

એ કારણે જ અભિનયમાં રહેલા નસીમ બાનુએ પણ બંને સંતાન સાયરા અને તેના ભાઇ સુલતાનને મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મહોલથી દૂર રાખવા ભણવા માટે લંડન મોકલી દીધા હતા. સ્કૂલમાં ભણતી ૧૬ વર્ષની સાયરા જ્યારે રજાઓમાં ભારત આવી ત્યારે એક મોટી ફિલ્મી પાર્ટીમાં મા સાથે ગઇ હતી. સાયરાની સુંદરતાથી અભિભૂત થઇને ત્યાં હાજર રામાનંદ સાગર, શશધર મુખર્જી, કમાલ અમરોહી, મહેબૂબ ખાન વગેરે નિર્માતા- નિર્દેશકોએ જો એને અભિનયમાં રસ હોય તો હીરોઇન બનવા માટે નસીમ બાનુને વાત કરી. નસીમની સૌથી પહેલાં શશધર મુખર્જી સાથે વાત થઇ અને એમણે રામ મુખર્જીના નિર્દેશનમાં બનતી સુનીલ દત્ત અને જોય મુખર્જીની ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’ માટે બીજી હીરોઇન તરીકે સાયરાને પસંદ કરી લીધી.

સુનીલ સાથે આશા પારેખની જોડી બની ચૂકી હતી. એટલે જોય સાથે સાયરાનું નામ નક્કી કર્યું. પરંતુ એ વાત આગળ વધે એ પહેલાં એમણે શમ્મી કપૂર સાથે સંગીતમય કોમેડી ફિલ્મ ‘જંગલી’ નું આયોજન કર્યું. એમાં એક રાજકુમારીની ભૂમિકા માટે સાયરા વધુ યોગ્ય લાગી એટલે ‘હમ હિન્દુસ્તાની’ ને બદલે ‘જંગલી’ માં મુખ્ય હીરોઇન બનાવી દીધી. સાયરા આ વાતને પોતાનું નસીબ માને છે. ‘જંગલી’ ની જબરદસ્ત સફળતાને કારણે સાયરાની કારકિર્દીની સફળ શરૂઆત થઇ શકી હતી. પરંતુ ‘જંગલી’ માં સાયરાની સાથે પહેલી વખત કામ કરતાં શમ્મી કપૂર તેના અભિનયથી બહુ ખુશ ન હતા.

સાયરાને શરૂઆતમાં એમ કહી દીધું હતું કે અભિનય કરવાનું આવડતું નથી તો કેમ આ ક્ષેત્રમાં આવી ગઇ છે. નિર્દેશક સુબોધ મુખર્જી પણ એક તબક્કે સાયરાના કામથી નિરાશ થયા હતા. તેનું કારણ એ હતું કે સાયરા લંડનથી ભણીને આવી હોવા છતાં શરમાળ હતી. કોઇની સામે આંખ મિલાવીને વાત કરવાની આદત ન હતી. તે આ ક્ષેત્રમાં નવી હતી. ધીમે ધીમે ફિલ્મી માહોલમાં ટેવાતી ગઇ. અભિનયમાં સુધારો કર્યો અને ‘જંગલી’ તેના ‘યાહૂ’ વગેરે ગીતોને કારણે મોટી સફળતા મેળવી ગઇ હતી. એ સાથે આ ફિલ્મના અભિનય માટે સાયરા બાનુને ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નામાંકન મળ્યું હતું. એ પછી સાયરા અભિનેત્રી તરીકે સ્થાપિત થઇ ગઇ હતી.