‘દિવાના’ માં નિર્દેશક પછી હીરો પણ બદલાયો હતો

ફિલ્મ ‘દિવાના’ (1992) માં પહેલાં નિર્દેશક અને હીરો અલગ હતા. ‘દિવાના’ નું નિર્માણ ગુડ્ડુ ધનોઆ અન્ય નિર્માતાઓ સાથે મળીને કરી રહ્યા હતા. એનું નિર્દેશન પહેલાં દક્ષિણના એસ.એ. ચંદ્રશેખર કરવાના હતા. કેમકે એમની ફિલ્મ ‘વસંતા રાગમ’ પરથી એ બની રહી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટ નક્કી થઈ ગઈ હતી. ઋષિ કપૂર અને દિવ્યા ભારતી સાથે હીરો તરીકે અરમાન કોહલી હતો. ગુડ્ડુ એ સમય પર શેખર કપૂરની એક ફિલ્મ સાથે જોડાયેલા હતા. એમાં નદિમ– શ્રવણનું સંગીત હતું. ગુડ્ડુએ પોતાની ફિલ્મમાં પણ એમને સંગીત આપવાનું કહ્યું અને એ તૈયાર થઈ ગયા.

ગુડ્ડુ સંગીત માટે ચંદ્રશેખરને ફોન કરતાં ત્યારે એ કહેતા કે મને હિન્દી આવડતું નથી. તમે ગીત-સંગીતનું કામ સંભાળી લેજો. ફિલ્મના ‘એસી દિવાનગી’ સહિતના ચાર ગીતો બનાવી લેવામાં આવ્યા હતા ત્યારે એક દિવસ નિર્દેશક ચંદ્રશેખરે કહ્યું કે તે દક્ષિણની ચાર-પાંચ ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી હિન્દી ‘દિવાના’ કરી શકશે નહીં. અને હિન્દી રિમેકના પૈસા પણ જોઈતા નથી. ગુડ્ડુ ત્યાંથી નીકળીને એક જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સ્કૂટર પર રાજ કંવર મળી ગયા. રાજ ત્યારે સહાયક નિર્દેશક તરીકે કામ કરતા હતા.

ગુડ્ડુએ એમને ‘દિવાના’ નું નિર્દેશન કરવા કહ્યું અને એ તૈયાર થઈ ગયા. ફિલ્મ શરૂ થાય એ પહેલાં એવું બન્યું કે નિર્માત્રી શબનમ કપૂરની ‘દિવાના’ સિવાયની બીજી ફિલ્મ ‘ઇન્સાફ કી દેવી’ (1992) જેના નિર્દેશક ચંદ્રશેખર હતા. એમાં પણ અરમાન કોહલી હતો.  પરંતુ શબનમને કોઈ કારણથી અરમાન સાથે વાંધો પડ્યો અને એ ‘ઇન્સાફ કી દેવી’ માંથી નીકળી ગયો. તેથી પિતા રાજકુમાર કોહલીએ ગુડ્ડુને ફોન કરીને કહ્યું કે શબનમે અરમાનને કાઢી મૂક્યો હોવાથી અમે તારી ફિલ્મ પણ કરીશું નહીં. કેમકે શબનમનો પતિ તારી ‘દિવાના’ માં ભાગીદાર છે. ગુડ્ડુ ચિંતામાં પડી ગયા હતા. તે શેખર કપૂરની ફિલ્મોના નિર્માણનું કામ સંભાળતા હતા એટલે પોતાની સમસ્યાની વાત કરી.

શેખરે શાહરૂખ ખાનનું નામ સૂચવ્યું. ગુડ્ડુએ પરિચય માંગ્યો ત્યારે એમણે ‘સર્કસ’ અને ‘ફૌજી’ સિરિયલમાં કામ કર્યું હોવાનું કહ્યું. ગુડ્ડુએ શાહરૂખ સાથે મુલાકાત કરી અને ‘દિવાના’ માટે વાત કરી. શાહરૂખે કહ્યું કે હું અત્યારે પાંચ-છ ફિલ્મો કરી રહ્યો હોવાથી ના પાડી દીધી. ગુડ્ડુને સાચું લાગ્યું નહીં એટલે નવાઈથી એ પાંચ ફિલ્મોના નામ પૂછ્યા. શાહરૂખે દિલ આશના હૈ, રાજૂ બન ગયા જેન્ટલમેન, કિંગ અંકલ, કભી હાં કભી ના અને ‘ચમત્કાર’ ના નામ આપ્યા. ગુડ્ડુએ ફિલ્મનો વિષય જાણી લેવા આગ્રહ કર્યો એટલે બીજા દિવસે ઘરે બોલાવ્યા.

પહેલાં ભાગની વાર્તા સાંભળી શાહરૂખે જમવા બેસવાનું કહ્યું. ગુડ્ડુએ જેટલી વાર્તા સંભળાવી એમાં શાહરૂખનું પાત્ર જ ન હતું! જમ્યા પછી બીજો ભાગ સાંભળી શાહરૂખ ફિલ્મ કરવા તૈયાર થઈ ગયો અને રૂ.11000 સાઈનીંગ એમાઉન્ટ લીધી. પણ એક શરત કરી કે જો મારી કોઈ ફિલ્મની તારીખો રદ થશે તો જ હું તારી ફિલ્મ કરીશ. ગુડ્ડુનું નસીબ સારું હતું કે શાહરૂખની તારીખો મળતી રહી અને ફિલ્મ પૂરી થઈ શકી. ભાગ્યનો કેવો ખેલ કહેવાય કે શાહરૂખ જે પાંચ-છ ફિલ્મો કરતો હતો એ બધી પહેલાં ગુડ્ડુ ધનોઆની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘દિવાના’ સૌપ્રથમ રજૂ થઈ. એટલું જ નહીં શાહરૂખની એ પહેલાં શરૂ થયેલી બધી ફિલ્મો રજૂ થયા પછી એના જેટલી સફળ અને લોકપ્રિય રહી ન હતી. ‘દિવાના’ માટે શાહરૂખ ખાનને ફિલ્મફેરનો શ્રેષ્ઠ નવોદિત હીરોનો એવોર્ડ પણ મળ્યો હતો.