શર્મિલાએ રાજેશ ખન્ના સાથે કામ કરવાનું ઓછું કર્યા બાદ સંપૂર્ણ બંધ કરી દીધું હતું એની પાછળ એક ખાસ કારણ હતું. શર્મિલા ટાગોર- રાજેશ ખન્નાની જોડીએ શક્તિ સામંતાના નિર્દેશનમાં પહેલી જ ફિલ્મ ‘આરાધના’ (૧૯૬૯) થી ધૂમ મચાવી દીધી હતી. શર્મિલાને કારકિર્દીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પહેલો અને છેલ્લો ફિલ્મફેર એવોર્ડ અપાવનાર આ પહેલી ફિલ્મ હતી. એ પછી સફર, મોસમ વગેરે માટે નામાંકન જરૂર થયું હતું. ‘આરાધના’ પછી શર્મિલા-રાજેશની જોડી લોકપ્રિય થઇ હતી અને બંનેએ સફર (૧૯૭૦), અમર પ્રેમ(૧૯૭૨) અને દાગ (૧૯૭૩) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
અસલમાં શક્તિ સામંતા શમ્મી કપૂર સાથે એક ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. પરંતુ શમ્મીજીની તારીખો ઉપલબ્ધ થાય એ દરમ્યાન પોતાની નવી શોધ રાજેશ અને શર્મિલાને લઇને એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને ‘આરાધના’ આવી. ‘આરાધના’ ની સફળતા પછી રાજેશ ખન્નાએ પાછું વળીને જોવું પડ્યું ન હતું. બીજા હીરો કરતાં રાજેશ ખન્ના(કાકા) સાથે કામ ઓછું કર્યું એનું કારણ ગૌતમ ચિંતામણિના રાજેશ ખન્ના વિશેના પુસ્તક ‘એક તન્હા સિતારા’ માં શર્મિલાએ પ્રસ્તાવના લખી છે એમાં સ્પષ્ટતાથી અને નિખાલસતાથી જણાવ્યું છે.
શર્મિલાએ કહ્યું છે કે વ્યક્તિગત રીતે કાકાની સેટ પર મોડા આવવાની આદત અંગત જીવનમાં અસર કરતી હતી. તે સવારે ૮ વાગે સેટ પર પહોંચી જતી હતી અને રાત્રે ૮ વાગે પરિવાર સાથે રહેવા માગતી હતી. રાજેશ ખન્ના સાથેની ફિલ્મનું શુટિંગ હોય ત્યારે એ શક્ય બનતું ન હતું. તે બપોરે ૧૨ કલાક પહેલાં સેટ પર આવતા જ ન હતા. અને ક્યારેય સમયસર કામ પૂરું થતું ન હતું. પરિણામે સમગ્ર યુનિટ શર્મિલા પર ઓવરટાઇમ કરવા દબાણ કરતું હતું. આ કાયમનું બની ગયું હતું. શર્મિલાની મજબૂરી એ હતી કે કાકા સાથે તેની ઘણી ફિલ્મો બનતી હતી. શર્મિલા મૂંઝવણ અનુભવતી હતી.
રાજેશ ખન્ના સાથેની જોડી લોકપ્રિય અને સફળ રહી હોવા છતાં આખરે શર્મિલાએ એના ઉપાય તરીકે બીજા અભિનેતાઓ સાથે વધારે ફિલ્મો કરવાનો નિર્ણય કર્યો. ત્યારે કાકાને પણ લાગ્યું કે એક જ અભિનેત્રી સાથે વધારે ફિલ્મો કરવાનું યોગ્ય નથી. જોડી વાસી થવાનો ડર હતો. બંને માટે કારણ જે મનાતું હોય તે પણ સાથે ફિલ્મો કરવાનું ઓછું કરીને બંધ જ કરી દીધું. એ કારણે શર્મિલાએ અંગત જીવનમાં મોટી રાહત અનુભવી હતી. શર્મિલાએ શમ્મી કપૂર, ધર્મેન્દ્ર, શશી કપૂર, સંજીવકુમાર, જોય મુખર્જી વગેરે અભિનેતાઓ સાથે પણ ઘણી ફિલ્મો કરી હતી. તેમના કારણે શુટિંગમાં આવી કોઇ સમસ્યા ઉદભવી હોય એવો ઉલ્લેખ નથી.
રાકેશ ઠક્કર (વાપી)