ભારતીય ફિલ્મોના અત્યંત પ્રતિભાશાળી અભિનેતા, નિર્માતા, નિર્દેશક, સ્ક્રીન રાઇટર, ગાયક અને ગીતકાર કમલ હાસનનો જન્મ ૭ નવેમ્બર, ૧૯૫૪ના રોજ મદ્રાસ રાજ્યના પરમકુડી મુકામે થયો હતો. એમનું મૂળ નામ પાર્થસારથી શ્રીનિવાસન, પણ ઓળખાયા કમલ હાસનથી. મૂળ તમિલ ફિલ્મોના કલાકાર. શ્રેષ્ઠ અભિનેતાના ચાર નેશનલ એવોર્ડ તો ૧૯ ફિલ્મફેર એવોર્ડ્ઝ એમના ખાતામાં છે. પોતાની નિર્માણ કંપની રાજકમલ ઇન્ટરનેશનલ દ્વારા એમણે અનેક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.
તમિલ ફિલ્મમાં બાળકલાકાર તરીકે પડદા પર આવતાં જ એમને રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૧૯૮૩ની ‘મુંદ્રમ પરાઈ’ માં બાળક જેવી સ્મૃતિભ્રંશ નાયિકાની સંભાળ લેતાં સ્કૂલ શિક્ષકની ભૂમિકા માટે એમને પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો. પછીથી એ ફિલ્મ હિન્દીમાં ‘સદમા’ તરીકે આવી. શ્રીદેવી અભિનિત આ ફિલ્મ ખૂબ જ વખણાઇ. ‘નાયાગન’, ‘હે રામ’, ‘વિરુમંડી’ કે ‘વિશ્વરુપમ’નું નિર્માણ કરી ખૂબ સફળતા મેળવી. ‘દશાવતારમ’ (૨૦૦૮)માં હાસને દસ વિવિધ ભૂમિકાઓ કરી હતી. ૧૯૯૦માં પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણ અને ૨૦૧૬માં ‘ઓર્ડર ડેસ આર્ટસ એટ લેટર્સ’ એવોર્ડથી એમનું સમ્માન થયું હતું.
કમલ પહેલાં એવા તમિલ અભિનેતા છે, જેમણે પોતાની ફેન-ક્લબ્સને કલ્યાણ કાર્ય કરનારી સંસ્થાઓમાં ફેરવી નાખી છે. આ માટે એમને એવોર્ડ્ઝ પણ મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડતા કમલે મદ્રાસનું માદામબક્કમ તળાવ સાફ કરવાની જવાબદારી પણ લીધી હતી.
(નરેશ કાપડીઆ-સુરત)