ગુલશનનું નામ આખરે હોલિવૂડની ‘જંગલ બુક’ માં આવ્યું

ગુલશન ગ્રોવર હિન્દી ફિલ્મોમાં નામ કમાઈ રહ્યો હતો ત્યારે એને હોલિવૂડની ફિલ્મ કરવાનો શોખ જાગ્યો હતો. પહેલી ફિલ્મ એને મળી હતી અને પછી છીનવાઈ ગઈ હતી. પરંતુ એ એના જ નસીબમાં હતી. ગુલશને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘હમ પાંચ’ (૧૯૮૦) માં એક હીરો તરીકે જ શરૂઆત કરી હતી. સમય જતાં તે ખલનાયક તરીકે લોકપ્રિય થઈ રહ્યો હતો. તે ફિલ્મોમાં કામ કરવા સાથે સ્ટેજ શૉ કરતો હતો. એક વખત શાહરૂખ અને આમિર ખાનનો એક સ્ટેજ શૉ હતો એમાં ભાગ લેવા ગુલશન અમેરિકા ગયો હતો. ત્યારે એક મિત્રની ભલામણથી ગુલશન હોલિવૂડના નિર્દેશક ડંકનને એમની આગામી ફિલ્મ ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ માટે મળવા એક હોટલમાં ગયો. મળતા પહેલાં વાળ ઓળીને વ્યવસ્થિત થવા એ બાથરૂમમાં ગયો.

ગુલશને વાળ ઓળીને પોતાને ધ્યાનથી અરીસામાં જોયો અને બરાબર દેખાય છે એવો વિશ્વાસ આવ્યો. ત્યાં બાજુમાં જ એક અંગ્રેજ હાથ ધોતા હતા. એમણે પૂછ્યું કે,‘તું ગુલશન ગ્રોવર છે?’ ગુલશનને નવાઈ લાગી. ગુલશને હા પાડી એટલે એમણે સામેથી જ પરિચય આપ્યો કે હું ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ નો નિર્દેશક ડંકન ક્લાર્ક છું અને તું મને જ મળવા આવ્યો છે! મને મારા મિત્રએ કહ્યું હતું કે કોઈ ભારતીય તારી ફિલ્મ માટે મળવા આવે છે. નિર્દેશક ડંકને એક જ મિનિટમાં ફિલ્મ માટે ગુલશનને નક્કી કરી લીધો અને સ્ક્રિપ્ટ આપીને કહ્યું કે ફી અંગે નિર્માતા તારી સાથે વાત કરી લેશે.

ગુલશન ફિલ્મ સ્વીકારીને ભારત આવી ગયો. એક મહિના પછી એનું શુટિંગ શરૂ થવાનું હતું. પછી એને ખબર મળ્યા કે ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ માંથી એને કાઢી મૂકવામાં આવ્યો છે. ગુલશનને ફેક્સ મેસેજ કરીને માફી માગી જાણ કરવામાં આવી હતી કે ફિલ્મના વિતરકે તમારા માટે ના પાડી હોવાથી લઈ શકીએ એમ નથી. ગુલશને કારણ જાણવા ઘણી વખત ફોન કર્યા ત્યારે જાણવા મળ્યું કે એ મોટી અમેરિકન ફિલ્મ હોવાથી વિતરકે એવું કહ્યું હતું કે આ મહત્વની ભૂમિકા માટે કોઈ જાણીતા અમેરિકન કલાકારને લઈને એના ચહેરાને શ્યામ બનાવી ભારતીય તરીકે રજૂ કરો. તમે જાણીતા અભિનેતા ન હોવાથી કાઢવામાં આવ્યા છે.

ગુલશનને હોલિવૂડની પહેલી જ ફિલ્મ ગુમાવવાનું બહુ દુ:ખ થયું હતું. પછી એવું બન્યું કે નિર્દેશકે અમેરિકન અભિનેતાને મેકઅપથી શ્યામ રંગમાં તૈયાર કરી શુટિંગ શરૂ કર્યું. પણ એમને એ ભૂમિકામાં અમેરિકન અભિનેતા બંધબેસતો ના લાગ્યો. નિર્દેશકે નિર્માતાને કહ્યું કે ફિલ્મમાં એ નકલી ભારતીય લાગે છે. મને એ જ ભારતીય અભિનેતા (ગુલશન) જોઈએ છે જેની આંખો પણ મોટી છે. તેથી ફિલ્મ સાથે સંકળાયેલા લોકોની બેઠક યોજાઇ. એમાં નિર્દેશકનો પક્ષ રાખવામાં આવ્યો. છેલ્લે એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો કે અમેરિકન અભિનેતા નકલી ભારતીય લાગતો હોવાથી કોઈ ફિલ્મ જોવાનું પસંદ કરશે નહીં.

આખરે ગુલશનને લેવાનું નક્કી થયું. નિર્દેશકે ફોન કર્યો કે અમે તને પાછો લેવા માંગીએ છીએ અને આજે જ આવી જા. ગુલશને કહ્યું કે તે આજે આવી શકે નહીં. બીજું કે ઓફર લેખિતમાં આપો. કેમકે પહેલી વખત લઈને કાઢી મૂક્યો હતો. ફેક્સ પર ઓફર આવ્યા પછી તે બીજા દિવસે જવાબ આપશે. અને ફેક્સ મેસેજ આવ્યો એટલે ગુલશને અભિપ્રાય અને પરવાનગી માટે શાહરૂખ ખાનને એ બતાવ્યો. કેમકે એ દિવસોમાં તે ‘યસ બોસ’ (૧૯૯૭) માં એની સાથે કામ કરી રહ્યો હતો. ગુલશને કહ્યું કે તે લાંબા સમયથી હોલિવૂડમાં કામ કરવા પ્રયત્ન કરી રહ્યો છે અને આ મુખ્ય ભૂમિકા છે. શાહરૂખે એને હોલિવૂડની ફિલ્મ કરવા પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં નિર્માતા-નિર્દેશક સાથે વાત કરીને શુટિંગમાંથી રજા પણ અપાવી દીધી. આમ ગુલશને બહુ અજીબ રીતે પોતાની હોલિવૂડની પહેલી ફિલ્મ ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ (૧૯૯૭) ની સ્ટારકાસ્ટમાં પોતાનું નામ ઉમેર્યું હતું.