ઇમરાન હાશમીએ બોલિવૂડમાં હીરો બનવા ઉતાવળ કરી ન હતી. ઇમરાને અભિનયની તાલીમ લીધી હોવા છતાં મુખ્ય હીરો તરીકેની પહેલી ફિલ્મ ‘યે જિંદગી કા સફર'(૨૦૦૧) છોડીને બે વર્ષ બાદ વિક્રમ ભટ્ટ નિર્દેશિત ‘ફૂટપાથ'(૨૦૦૩) થી શરૂઆત કરી હતી. અભિનય પ્રવેશના અનુભવોનો ઉલ્લેખ ઇમરાને પોતાના પુસ્તક ‘ધ કિસ ઓફ લાઇફ’ માં કર્યો છે. નિર્દેશક મહેશ ભટ્ટે ઇમરાનનો અભિનેતા બનવાનો ઇરાદો પામીને તેને પહેલાં અભિનયનું પ્રશિક્ષણ અપાવ્યું હતું. સૌથી પહેલાં અનુપમ ખેરની અભિનય સ્કૂલમાં પ્રવેશ લેવાનું સૂચન કર્યું હતું. ઇમરાને જ્યારે અનુપમ સાથે મુલાકાત કરીને પોતે મહેશ ભટ્ટનો ભાણિયો હોવાની ઓળખાણ આપી પ્રવેશ માટે વાત કરી ત્યારે કોઇ કારણસર તેને દાદ આપી ન હતી અને અપમાન કર્યું હતું.
એ પછી મહેશ ભટ્ટે ઇમરાનને થિયેટરના ગુરૂ પૃથ્વીરાજ દુબે પાસે અભિનયની તાલીમ માટે મોકલ્યો. તેમની પાસે એક મહિનાની તાલીમ લીધા બાદ ઇમરાનને રોશન તનેજાની અભિનય શાળામાં મૂકવામાં આવ્યો. ઇમરાનને ત્યાં બે મહિના થયા ત્યારે મહેશ ભટ્ટને ખબર પડી કે નિર્માતા મુકેશ ભટ્ટ તનુજા ચંદ્રાના નિર્દેશનમાં એક ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં અમીષા પટેલ સાથે ગોવિંદાને સાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ ગોવિંદાએ વ્યસ્તતાને કારણે તેમની ફિલ્મ ‘યે જિંદગી કા સફર’ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. મહેશજીએ વિક્રમને કહી દીધું કે આ ફિલ્મ ઇમરાન કરશે. ઇમરાને જ્યારે આ વાત જાણી ત્યારે તે ગભરાઇ ગયો.
વીસ વર્ષનો ઇમરાન હીરો તરીકે કામ કરવા માનસિક રીતે પોતાને તૈયાર સમજતો ન હતો. ઇમરાને પોતાની સમસ્યા બતાવી. તેની હિંમત વધારવા મહેશજીએ અમીષા સાથે તેનો એક ફોટોશૂટ કરાવ્યો. તેનું પરિણામ ખરાબ આવ્યું. ઇમરાન એમાં ગભરાયેલો અને ખોવાયેલો દેખાતો હતો. અમિષાએ પણ મહેશજીને કહી દીધું કે ઇમરાન હજુ હીરો બનવા માટે તૈયાર નથી. એ સમય પર અમીષાની રિતિક રોશન સાથેની ‘કહો ના પ્યાર હૈ’ (૨૦૦૦) સુપરહિટ રહી હોવાથી ઇમરાન તેની વાત સમજી શકતો હતો. તે નહોતી ઇચ્છતી કે કોઇ એવા નવોદિત સાથે કામ કરે જે તેની કારકિર્દીને ડૂબાવી દે.
મહેશ ભટ્ટે તો ઇમરાનને ગંભીર થઇને કહ્યું કે જો તું કામ કરવા માગતો હોઇશ તો તારી સાથે કામ કરવા તૈયાર થાય એવી બીજી હીરોઇનને શોધી લઇશું. પરંતુ ઇમરાનનો આત્મા માન્યો નહીં. તેને થયું કે પોતાને કારણે અમીષા ફિલ્મની બહાર થઇ જાય એ યોગ્ય ન હતું. તેણે કહી દીધું કે તે હજુ હીરો બનવા તૈયાર નથી. ત્યારે મહેશજીએ તેને ગુસ્સામાં કહ્યું હતું કે આ રીતે તો તું ક્યારેય તૈયાર થવાનો નથી. અને ‘યે જિંદગી કા સફર’ માં તેના સ્થાને જિમી શેરગીલને લેવામાં આવ્યો. ઇમરાન શુટિંગ જોવા એ ફિલ્મના સેટ ઉપર પણ જતો રહ્યો.
થોડા સમય પછી મહેશજીએ ‘ફૂટપાથ’ ની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. અને એમાં ઇમરાનને ગેંગસ્ટરની ભૂમિકા આપી. ફિલ્મ ‘ફૂટપાથ’ માં આફતાબ શિવદાસાની, રાહુલ દેવ અને બિપાશા બાસુ હોવા છતાં ઇમરાને બધાને પોતાના અભિનયથી પ્રભાવિત કર્યા અને અભિનયની શરૂઆત કરી. ઇમરાનને હજુ સુધી કોઇ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો નથી. પરંતુ મર્ડર, ગેંગસ્ટર, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ, મર્ડર ૨, ધ ડર્ટી પિક્ચર, જન્નત ૨ અને ‘શાંઘાઇ’ જેવી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ માટે નામાંકન જરૂર થઇ ચૂક્યું છે.
–રાકેશ ઠક્કર (વાપી)