દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ…

જાવેદ અખ્તરે વાર્તા અને પટકથા લેખક તરીકે ઘણું કામ કર્યું હતું. ક્યારેય ગીતકાર બનવાનું વિચાર્યું ન હતું. અચાનક નિર્દેશક યશ ચોપડાના આગ્રહથી એ ગીતકાર બન્યા હતા અને એમના એ પહેલા ગીતની રચનાની વાત પણ બહુ રસપ્રદ રહી છે. જે એમણે વિદેશમાં ‘મૈં કોઈ ઐસા ગીત ગાઉં’ નામના કાર્યક્રમમાં કહી હતી. એક દિવસ યશ ચોપડા એમની પાસે આવ્યા અને કહ્યું કે ફિલ્મ ‘સિલસિલા’ (૧૯૮૧) ના ગીતો એમણે લખી આપવાના છે. એમનું કહેવું હતું કે એમની ફિલ્મોના કાયમી ગીતકાર સાહિર લુધિયાનવીની તબિયત સારી રહેતી નથી. અને એ હવે ગીત લખવામાં રસ ધરાવતા નથી.

જાવેદ અખ્તરે એમની દિવાર, ત્રિશૂલ વગેરેની પટકથા લખી હતી પણ એ ગીત લખવા તૈયાર ન હતા. એ કવિતાઓ લખતા હતા એની જાણ એમના કેટલાક મિત્રોને જ હતી. એમાં એક યશજી હતા. જાવેદે એમ કહીને ના પાડી દીધી કે હું મારી કવિતાઓ છપાવતો પણ નથી. હું કેવી રીતે ગીત લખી શકું? યશજીએ કહ્યું કે ફિલ્મનો હીરો કવિ છે અને હું કોઈ સ્થાપિત ગીતકાર પાસે એના ગીત લખાવવા માગતો નથી. જાવેદ ગીતો લખવા માગતા ન હોવાથી પોતાની સમસ્યાઓ અને કારણો રજૂ કરી દીધા. છતાં યશજીનો સતત આગ્રહ રહ્યો.

જાવેદે ગીત લેખનના કામમાંથી છટકવા કેટલીક શરતો મૂકી દીધી. યશજીએ બધી જ શરતો માની લીધી એટલે કોઈ વિકલ્પ ન હોવાથી બીજા દિવસે એમના ઘરે જઈને જાવેદે ગીતલેખન માટે ચર્ચા શરૂ કરી દીધી. ફિલ્મમાં સંગીતકાર તરીકે શિવ-હરિ જાવેદની જેમ જ નવા હતા. જાવેદ યશજીને ત્યાં ફિલ્મની કથા- પટકથા માટે ઘણી વખત સીટીંગ કરી ચૂક્યા હતા પણ ગીતકાર તરીકે શરૂઆત હતી એટલે થોડા નર્વસ હતા. એમને ચિંતા એ હતી કે ધૂન પર પોતે ગીત લખી શકશે કે નહીં. યશજીએ ગીતની સિચ્યુએશન સંભળાવી. સંગીતકાર શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ સવારે સાડા દસ વાગે એક ધૂન સંભળાવી. જાવેદે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહોં મેં હૈં ગુલ ખિલે હુએ, યે ગિલા હૈ આપ કી નિગાહોં સે, ફૂલ ભી હો દરમિયાન તો ફાસલે હુએ’ ગીત લખી કાઢ્યું.

જાવેદે મીટર પર ગીત લખ્યું હતું. એમને અનુભવ ન હતો કે એમાં શબ્દોને રમાડવાના હોય છે. ‘સિલસિલે’ શબ્દ ફક્ત બોલવાનો ન હતો. એને ધૂન સાથે ચાલે એ રીતે ઉચ્ચારવાનો પણ હતો. પહેલું ગીત હોવાથી આ વાતની ખબર ન હતી. સંગીતકારે કહ્યું કે લખ્યું સારું છે પણ ધૂનમાં જે વળાંક છે એના પર શબ્દો બરાબર આવી રહ્યા નથી. જાવેદને ખબર હતી કે ગીતનું શૂટિંગ હોલેન્ડમાં ફૂલોની વચ્ચે થવાનું હતું. એમણે ધૂનના વળાંક પ્રમાણે ફૂલના ઉલ્લેખ સાથે બીજું નવું મુખડું ‘દિલને તેરા નામ ગુનગુનાયા હૈ, ફૂલ ફૂલ ઐસે મુસ્કુરાયા હૈ’ લખ્યું.

આ બંને અલગ મુખડા સાથેનું ગીત લઈ બધા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા. જ્યાં લતા મંગેશકર અને કિશોકુમાર આ ગીત ગાવા માટે હાજર હતા. એમની વચ્ચે બંને મુખડા વિષે ચર્ચા થઈ. લતાજીને ગીતના શબ્દોની સમજ સારી હતી. એમણે કહ્યું કે ધૂનના વળાંક પ્રમાણે બીજું મુખડું ‘દિલને તેરા નામ ગુનગુનાયા હૈ, ફૂલ ફૂલ ઐસે મુસ્કુરાયા હૈ’ બરાબર છે પણ શબ્દો ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહોં મેં હૈં ગુલ ખિલે હુએ’ વધારે સારા છે અને આ જ શબ્દો વધારે ચાલશે. લતાજીએ કહ્યું હતું એટલે બધાંએ માની લીધું અને એમની વાત સાચી પડી. આમ જાવેદનું પહેલું ગીત ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, ફૂલ ભી હો દરમિયાન તો ફાસલે હુએ’ બન્યું અને ખૂબ લોકપ્રિય રહ્યું.