ક્યારેય નિર્દેશન કરવાનો વિચાર ના કરનાર નિર્માતા- નિર્દેશક બી. આર. ચોપરાએ ફિલ્મી દુનિયામાં એક પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. એમણે ૧૯૩૮ માં ભાગીદારીમાં એક અખબાર પણ શરૂ કર્યું હતું. એને છ મહિનામાં જ લોકપ્રિયતા મળી ગઈ. એટલું જ નહીં સોહરાબ મોદી, મહેબૂબ ખાન વગેરે ફિલ્મી હસ્તીઓ સાથે મિત્રતા થઈ ગઈ હતી. જ્યારે ૧૯૪૭ માં બી.આર. ના પિતાના મિત્રોએ સૂચન કર્યું કે તું પત્રકાર તરીકે કલમ ચલાવે છે તો વાર્તા લખીને ફિલ્મ કેમ બનાવતો નથી? ત્યારે એમણે કહ્યું કે ફિલ્મ બનાવવા માટે પૈસા જોઈએ એ મારી પાસે નથી. અત્યારે જે રોજીરોટી મળી રહી છે એ બહુ સારી છે. પરંતુ બધાના આગ્રહને કારણે પહેલી ફિલ્મ ‘ચાંદની ચોક’ બનાવવાનું આયોજન કર્યું. ત્યારે લાહોરમાં તોફાન ફાટી નીકળતા ભારત આવી ગયા હતા.
‘ચાંદની ચોક’ એક મોંઘી કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મ હતી એટલે ત્યારે બનાવી શક્યા નહીં. એમણે બીજી એક ફિલ્મ બનાવી એ એવી ફ્લોપ રહી કે પત્નીના ઘરેણાં વેચવા પડ્યા અને સડક પર આવી ગયા. હવે ફિલ્મ બનાવી શકે એમ ન હતા એટલે ફરી પત્રકારની નોકરી કરવાનું નક્કી કર્યું. ત્યારે ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ અખબારમાં એમના કાકા દુર્ગાદાસ કામ કરતા હતા. એમને પોતાની સ્થિતિ જણાવીને કહ્યું કે ક્યાંક નોકરી પર ગોઠવી આપો. એમણે સલાહ આપી કે આમ એક ફિલ્મ ફ્લોપ થવાથી હારી ના જવું જોઈએ. હું તને નોકરી પર તો લગાવી દઇશ પણ તારે બીજો પ્રયત્ન કરવો જોઈએ. બી. આર. ને થયું કે પૈસા કે કોઇની મદદ વગર પોતે ફિલ્મ બનાવી શકે એમ નથી.
મુંબઇમાં એક એવું સ્થળ હતું જ્યાં ફિલ્મોમાં સંઘર્ષ કરતા ઘણા લોકો ચા પીવા અને સુખદુ:ખ વહેંચવા ભેગા થતાં હતા. ત્યાં આઈ.એસ, જૌહર સાથે મુલાકાત થઈ. એમણે એક વાર્તા સંભળાવી અને ફિલ્મ બનાવવા કહ્યું. બી. આર. ચોપરાએ ક્યારેક કામ આવશે એમ વિચારી પાંચસો રૂપિયામાં વાર્તા ખરીદી લીધી. દરમ્યાનમાં ગોવર્ધનદાસ અગ્રવાલ મળ્યા. એમને એવી ખબર હતી કે બી. આર. ફિલ્મ નિર્માણ વિશે સારું જ્ઞાન ધરાવે છે. બી. આર. ચોપરાએ કહ્યું કે એક ફિલ્મ બનાવી હતી એ ફ્લોપ થઈ ગઈ. એમણે કહ્યું કે તો શું થઈ ગયું? હું રોકાણ કરીશ તું બીજી બનાવ. આઈ. એસ. જૌહર પાસેથી ખરીદેલી વાર્તા હતી એના પર ફિલ્મ બનાવવા તૈયાર થઈ ગયા અને નિર્દેશક વિશે વિચારવા લાગ્યા ત્યારે અગ્રવાલે શરત કરી કે નિર્દેશન તારે જ કરવાનું છે.
ચોપરાએ કહી દીધું કે નિર્દેશનનો કોઈ અનુભવ નથી. પોતાની ફિલ્મનું નિર્માણ થતું હતું ત્યારે પણ સ્ટુડિયોમાં ખાસ કામ વગર ગયા નથી. બીજી વાત એ હતી કે એમને નિર્દેશનમાં કોઈ રસ જ ન હતો. અગ્રવાલે સ્પષ્ટ કહ્યું કે જો તું નિર્દેશન કરવાનો હોય તો જ પૈસા લગાવીશ. બીજો કોઈ રસ્તો ન હતો. બી. આર. તૈયાર થઈ ગયા અને અશોકકુમાર વગેરે સાથે પહેલી ફિલ્મ ‘અફસાના’ (૧૯૫૧) નું નિર્દેશન કર્યું. એ સફળ પણ થઈ ગઈ. જેમને ફિલ્મોમાં કોઈ ઓળખતું ન હતું એ બી. આર. ચોપરાનું અચાનક નિર્દેશક તરીકે નામ થઈ ગયું. ‘અફસાના’ જ્યારે બનતી હતી ત્યારે લોકો એમ કહેતા હતા કે આવી વાર્તા પરની ફિલ્મ દર્શકો સ્વીકારશે નહીં. એ સફળ થયા પછી બી. આર. ને ખ્યાલ આવ્યો કે જો અગાઉ ના બની હોય એવા વિષય પર સારી રીતે ફિલ્મ બનાવવામાં આવે તો એને દર્શકો પસંદ કરે છે. એ કારણે એમણે પાછળથી નયા દૌર, ધૂલ કા ફૂલ, કાનૂન વગેરે અલગ વિષય પર જ વધુ ફિલ્મો બનાવી હતી.