હિન્દી ફિલ્મોના પીઢ સંગીતકાર ચિત્રગુપ્તનો આજે ૧૦૩મો જન્મ દિન. ૧૬ નવેમ્બર, ૧૯૧૭ના રોજ બિહારના છપરા મુકામે એમનો જન્મ. એમની અનેક સૂરીલી ધૂનો કાળની ગર્તામાં ધૂંધળી થઇ ગઈ છે, પણ જયારે એ કાને પડે છે ત્યારે એમના આ સર્જન માટે માન થાય છે.
ફિલ્મોમાં સંગીતકાર બન્યા એ પહેલાં ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ પટણામાં અધ્યાપક હતા. અર્થશાસ્ત્ર અને પત્રકારત્વમાં અનુસ્નાતક થયેલા ચિત્રગુપ્તજી કદાચ આપણા સૌથી વધુ ભણેલા સંગીતકાર હશે. પ્રોફેસરમાંથી સંગીતકાર બનેલા મહાનુભાવ પણ કદાચ એ એકલા જ હશે.
મુંબઈ આવીને એ સંગીતકાર એસ.એન. ત્રિપાઠીના સહાયક બન્યા. સ્વતંત્ર રીતે સંગીત આપવાનો મોકો ‘તુફાન ક્વિન’ (૧૯૪૬)માં મળ્યો. શમશાદ બેગમથી અનુરાધા પૌંડવાલ સુધીના તમામ ટોચના ગાયકોએ એમના સંગીત નિર્દેશનમાં ગીતો ગાયા છે. એ સમયના ટોચના લગભગ તમામ ગીતકારોના ગીતો એમણે સૂરથી મઢ્યા હતા.
સંગીતકાર હોવા ઉપરાંત ચિત્રગુપ્તજી સારા ગાયક અને ગીતકાર પણ હતા. વાસના, અપલમચપલમ, એક રાઝ, બડા આદમી, ઓપેરા હાઉસ, ઊંચે લોગ, ઝબક, ભાભી જેવી ફિલ્મોની એમની ધૂનો યાદગાર છે. હિન્દી ઉપરાંત ભોજપુરી, ગુજરાતી અને પંજાબી ફિલ્મોના ગીતો પણ એમણે રચ્યા છે.
‘ભાભી’ ફિલ્મમાં ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે…’ જેવું યાદગાર ગીત બનાવનાર આ સંગીતકાર યોગાનુયોગ ઉત્તરાયણના દિવસે જ, ૧૪ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ મૃત્યુ પામ્યા. એમનો સંગીત વારસો આઠ વર્ષ સુધી એમના સહાયક રહેલા પુત્રો આનંદ અને મિલિંદે જાળવ્યો છે.
(નરેશ કાપડીઆ-સુરત)
