રજનીગંધા એટલે કે વિદ્યા સિંહા

આપણી આસપાસ રહેતી યુવતી જેટલી સાદી, સરળ અને પ્રતિભાવાન અભિનેત્રી એટલે વિદ્યા સિંહા. આજે, 15 નવેમ્બરે, એમનો ૭૩મો જન્મદિન છે. ‘રજનીગંધા’ કે ‘છોટી સી બાત’ જેવી ફિલ્મોથી એ અત્યંત જાણીતા અને લોકપ્રિય બન્યા.

પાકિસ્તાનના પંજાબમાં જોધાવલી ખાતે ફિલ્મ નિર્માતા પ્રતાપ રાણાને ત્યાં વિદ્યાનો જન્મ થયો.  ૧૮ વર્ષની ઉંમરે મુંબઈ આવીને મોડેલિંગ અને અભિનય કરવાની શરૂઆત કરી. ‘મિસ બોમ્બે’ બન્યા અને અનેક બ્રાન્ડ માટે જાહેરાતો કરી, જેમાંથી નિર્દેશક બાસુ ચેટરજીની નજરે ચડ્યા. પહેલી ફિલ્મ ‘રાજા કાકા’ (૧૯૭૪) એમના લગ્ન પછી આવી, પણ લોકપ્રિયતા તો બાસુ ચેટરજી નિર્દેશિત લો-બજેટની સમાંતર ફિલ્મ ‘રજનીગંધા’ (૧૯૭૪) થી મળી. પછી તો ‘છોટી સી બાત’ ઉપરાંત મુખ્ય ધારાની મોટા બજેટવાળી ‘પતિ, પત્ની ઔર વોહ’ જેવી ફિલ્મો પણ કરી. એ બાર વર્ષના ગાળામાં વિદ્યા સિંહાએ ૩૦ જેટલી ફિલ્મોમાં હસતી-રમતી ભૂમિકાઓ ભજવી હતી.

એંશીના દાયકાની મધ્યમાં એ પ્રકારની ભૂમિકાઓનું આકર્ષણ ઓછું થઇ ગયું અને ૧૯૮૬થી એમની ફિલ્મો પણ આવવી બંધ થઇ. થોડા વર્ષો વિદ્યા ઓસ્ટ્રેલિયામાં રહ્યાં અને ભારત પરત આવ્યા પછી ફરી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. સલમાન ખાનની ‘બોડી ગાર્ડ’ (૨૦૧૧)માં દેખાયા, તો આ સેકન્ડ ઇનિંગમાં ટીવી શ્રેણી ‘બહુ રાની’, ‘હમ દો હૈ ના’, ‘ભાભી’ અને ‘કાવ્યાંજલિ’, ‘હાર જીત’, ‘કુબૂલ હૈ’ અને હમણાં ‘ઇત્તી સી ખુશી’માં નેહાના દાદીરૂપે રજૂ થયા.

પડોશી તમિલ બ્રાહ્મણ વેંકટેશ્વર ઐયરના પ્રેમમાં પડીને ૧૯૬૮માં લગ્ન કર્યા પછી 1989 માં દીકરી જાન્હવીને દત્તક લીધી. ૨૦૦૯માં વિદ્યા સિંહાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે એમના પતિ શારીરિક અને માનસિક જુલમ કરે છે. એ પછી થોડા જ સમયમાં છૂટાછેડા લીધા. એક લાંબી અદાલતી લડાઈ બાદ વિદ્યા પતિ સામે ‘મેઇન્ટેનન્સ’નો કોર્ટ કેસ પણ જીત્યા.

(નરેશ કાપડીઆ-સુરત)