નિર્દેશક બાસુ ચેટર્જીએ પોતાની પ્રથમ વ્યવસાયિક ફિલ્મ માટે અમોલ પાલેકરને પસંદ કર્યા હતા. પરંતુ નિર્માતાએ ના પાડતાં બીજા યુવાનને લીધો હતો. પાછળથી એ જ નિર્માતાએ બાસુદાને અમોલ સાથે ફિલ્મ બનાવવા કહ્યું હતું. બાસુ ચેટર્જીએ નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યની ‘તીસરી કસમ’ (૧૯૬૬) અને ગોવિંદ સરૈયાની ‘સરસ્વતીચંદ્ર’ (૧૯૬૮) માં સહાયક તરીકે કામ કર્યા પછી રાજેન્દ્ર યાદવની નવલકથા પરથી પહેલી ફિલ્મ ‘સારા આકાશ’ (૧૯૬૯) નો સ્ક્રીનપ્લે લખી જાતે જ નિર્માણ અને નિર્દેશન કરવાનો નિર્ણય કર્યો હતો. એમાં કલાકારો ઉપરાંત તકનીકી કામ માટે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટની વ્યક્તિઓને પસંદ કરી હતી. એમાં અભ્યાસ કરનાર રાકેશ પાંડે સાથે હીરોઇન તરીકે જયા ભાદુરીને પસંદ કરી હતી. જયા ત્યારે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં અભિનયનો અભ્યાસ કરતી હોવાથી આચાર્યએ કોર્ષ પૂરો કર્યા પછી ફિલ્મમાં કામ કરવાની પરવાનગી આપવાનું કહ્યું હતું.
એ કારણે ઋષિકેશ મુખર્જી પણ તેને પહેલાં લઇ શક્યા ન હતા. તેથી મધુને પસંદ કરી હતી. ‘સારા આકાશ’ નું વિતરણ કરનાર ‘રાજશ્રી’ ના તારાચંદ બડજાત્યાએ બાસુ ચેટર્જીને ‘પિયા કા ઘર’ (૧૯૭૨) નું નિર્દેશન સોંપ્યું હતું. વ.પુ. કાલેકર નામના લેખકની મરાઠી વાર્તા પરથી એમણે પટકથા તૈયાર કરી હતી. અગાઉ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં આ જ વાર્તા પરથી પ્રેક્ટિસ તરીકે અડધા કલાકની એક ટૂંકી ફિલ્મ બની ચૂકી હતી. એમાં જયા જ હતી.
બાસુદાએ સંપૂર્ણ ફિલ્મ માટે સ્ક્રીનપ્લે લખ્યો ત્યારે એ તારાચંદ બડજાત્યાને પસંદ આવ્યો અને હીરોઇન તરીકે જયાને નક્કી કરી લીધી હતી. હીરોની પસંદગી અંગે ચર્ચા ચાલતી હતી ત્યારે બાસુદાએ નિર્માતા તારાચંદને એક થિયેટરમાં લઇ જઇ સત્યદેવ દુબેનું એક હિન્દી નાટક બતાવી એમાં અભિનય કરતા અમોલ પાલેકરને બતાવ્યો હતો અને હીરો તરીકે એને લેવાની ઇચ્છા પ્રકટ કરી હતી. અમોલને જોઇ તારાચંદ પ્રભાવિત થયા ન હતા. એમણે કહ્યું હતું કે અમોલનો દેખાવ બહુ સામાન્ય માણસનો છે. તે ફિલ્મના હીરો તરીકે ચાલી શકે નહીં. એને કોઇ જોશે નહીં. એ કારણે બાસુદાએ અનિલ ધવનને હીરો તરીકે લઇ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું હતું.
એ ફિલ્મ માટે બાસુદાને રૂપિયા દસ હજાર મળવાના હતા. જ્યારે ફિલ્મની કેટલીક રીલ તૈયાર થઇ અને તારાચંદે એ જોઇ ત્યારે એમના સારા કામથી એટલા ખુશ થયા કે રૂપિયા ત્રીસ હજાર આપવાનું કહી દીધું. ફિલ્મને અપેક્ષા પ્રમાણે જ સફળતા મળી. એ પછી ‘રજનીગંધા’ (૧૯૭૪) બનાવવાનું નક્કી કર્યું. ત્યારે મરાઠી ફિલ્મો કરતા અમોલ પાલેકરને જ હિન્દી ફિલ્મમાં હીરો તરીકે પહેલી તક આપી હતી. ‘રજનીગંધા’ ની સફળતા પછી તારાચંદ બડજાત્યાને અમોલ પાલેકર એક સારો અભિનેતા હોવાનો ખ્યાલ આવ્યો. એની સફળતા અને લોકપ્રિયતા જોઇને બાસુદાને એની સાથે ‘ચિતચોર’ (૧૯૭૬) બનાવવા કહ્યું હતું. આ ફિલ્મને ઘણી સફળતા મળી હતી. બાસુદાએ અમોલ સાથે જ ‘છોટી સી બાત’ (૧૯૭૬) પણ બનાવી હતી.
