રાજ બબ્બરે ‘અગ્નિકાલ’ પર મહોર મારી     

બે સુપરહિટ ગુજરાતી ફિલ્મો ‘સાજણ તારા સંભારણા’ (૧૯૮૫) અને ‘મોતી વેરાણા ચોકમાં’ (૧૯૮૭) બનાવ્યા પછી નિર્દેશક જોડી અબ્બાસ- મુસ્તાન માટે હિન્દી ફિલ્મ બનાવવાનું સરળ બન્યું ન હતું. ફિલ્મ ‘અગ્નિકાલ’ (૧૯૯૦) બનાવવાનું આયોજન કરીને અભિનેતા શોધવા લાગ્યા હતા. કોઈ અભિનેતા એમની સાથે કામ કરવા તૈયાર થઈ રહ્યા ન હતા. એ પૂછતા હતા કે તમે કામ શું કર્યું છે? ત્યારે અબ્બાસ- મુસ્તાન કહેતા કે સુપરહિટ ગુજરાતી ફિલ્મો બનાવી છે. પણ અભિનેતાઓનું માનવું હતું કે ગુજરાતી નિર્દેશકો હિન્દી ફિલ્મ બનાવી શકે નહીં.

બે વર્ષ સુધી બંને સ્ક્રિપ્ટ લઈને અનેક અભિનેતાઓને મળ્યા. એમણે ‘અગ્નિકાલ’ ઉપરાંત બીજી પણ એક સ્ક્રિપ્ટ લખીને રાખી હતી. એક પસંદ ના આવે તો બીજી સંભળાવતા હતા. પણ કોઈ અભિનેતાએ હામી ભરી નહીં. એ નિરાશ હતા ત્યારે એક્શન નિર્દેશક, જેમણે પાછળથી અક્ષયકુમાર અને શાહરૂખ માટે જ વધુ ફિલ્મો નિર્દેશિત કરી હતી એ અકબર બક્ષી રાજ બબ્બરના પ્રોડકશનની ફિલ્મમાં કામ કરતા હતા.

અબ્બાસ- મુસ્તાને પોતાની ફિલ્મની વાત કરી ત્યારે અકબરે સૂચન કર્યું કે રાજ બબ્બરને કેમ લેતા નથી? અને અકબરે એક ફિલ્મનું શૂટિંગ પત્યા પછી રાત્રે એક વાગે રાજ સાથે એમની મુલાકાત કરાવી. રાજે સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી તરત જ ‘અગ્નિકાલ’ માં કામ કરવા હા પાડી દીધી. એ પછી માધવી, સોનુ વાલિયા વગેરે એમાં આવી ગયા. જીતેન્દ્રએ મહેમાન ભૂમિકા ભજવી. ફિલ્મનું સંગીત પંકજ ભટ્ટે તૈયાર કર્યું હતું. એને ‘વીનસ’ કંપનીમાં વેચવા ગયા ત્યારે ‘પંખીડા ઓ પંખીડા’ ગીત સાંભળીને જૈન બંધુઓએ કહ્યું કે અમે રૂપિયા આપીશું નહીં પણ સંગીત રજૂ કરી દઇશું. સંગીત સાંભળ્યા પછી એમણે ફિલ્મ ‘અગ્નિકાલ’ જોવાની ઈચ્છા વ્યક્ત કરી.

‘વીનસ’ ના બધા જૈન ભાઈઓએ ફિલ્મ જોઈને અબ્બાસ- મુસ્તાનને ફરી બોલાવ્યા. તે ‘અગ્નિકાલ’ થી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે સંગીત કંપની સાથે ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને એની પહેલી ફિલ્મનું નિર્દેશન અબ્બાસ- મુસ્તાનને સોંપ્યું. ‘વીનસ’ દ્વારા અબ્બાસ- મુસ્તાનને ફિલ્મ ‘ખિલાડી’ (૧૯૯૨) માટે એટલી મોટી રકમની સાઇનિંગ એમાઉન્ટ અપાઈ કે જેની એમણે કલ્પના કરી ન હતી. અને ગુજરાતીની જેમ જ અબ્બાસ- મુસ્તાનની પહેલી હિન્દી ફિલ્મ ‘ખિલાડી’ પણ સુપરહિટ રહી હતી. એ પછી અબ્બાસ-મુસ્તાન ‘વીનસ’ ના કાયમી નિર્દેશક જેવા બની ગયા હતા અને એમની બાજીગર, દરાર વગેરે ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.