અભિજીતને તેની ગાયિકીને કારણે હિન્દી ફિલ્મોના કેટલાક ગીતો મળ્યા હતા અને લોકપ્રિય થયા હતા. ‘યે દિલ્લગી’ ના ‘ઓલે ઓલે’ ઉપરાંત અનેક લોકપ્રિય ગીતો પાછળ રસપ્રદ વાત છુપાયેલી છે. અભિજીતને સલમાનની ‘બાગી: એ રિબેલ ફોર લવ’ (૧૯૯૦) ના ગીતોથી ગાયક તરીકે પહેલી સફળતા મળી હતી. અસલમાં અભિજીત ત્યારે સંઘર્ષ કરી રહ્યો હતો અને ખાસ તક મળતી ન હતી. એક દિવસ એના ઘરે સંગીતકાર આનંદ- મિલિન્દને ત્યાંથી ફોન આવ્યો અને મહેબૂબ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે બોલાવ્યો હતો. અભિજીત પહોંચ્યો ત્યારે ગીતકાર સમીર અને નિર્દેશક દીપક શિવદાસાની સહિત બધાં લોકો ગીત પર ચર્ચા કરતા બેઠા હતા.
અભિજીતને ત્યારે સ્પષ્ટ કહેવામાં આવ્યું કે અમિતકુમાર વ્યસ્ત છે એટલે આ ગીતનું રિહર્સલ કરીને તારે ગાવાનું છે. એ પછીથી આવીને ડબ કરશે. ગીતકાર- સંગીતકારે અભિજીતને કહ્યું કે બરાબર ગાજે અમારી પણ ઈજ્જતનો સવાલ છે. અને અભિજીતે ‘હર કસમ સે બડી હૈ કસમ પ્યાર કી’ ગીત પોતાની રીતે સરસ ગાયું. હવે બીજા ગાયકે એનું ડબિંગ કરવાનું મુશ્કેલ બને એમ હતું. બધાંએ બેસીને બેઠક કરી અને નક્કી કર્યું કે હવે અભિજીતના સ્વરમાં જ રહેશે. એટલું જ નહીં બીજું ગીત ‘ચાંદની રાત હૈ, તૂ મેરે પાસ હૈ’ પણ અભિજીત પાસે જ ગવડાવવું. અને એ જ દિવસે એ ગીત રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અમિતકુમારે ‘કૈસા લગતા હૈ’ ગાયું હતું પણ અભિજીતના ગીતોએ વધારે ધૂમ મચાવી હતી. પાછળથી અમિતકુમાર એને મજાકમાં કહેતા હતા કે હું જો એ દિવસે રેકોર્ડિંગમાં પહોંચી ગયો હોત તો તું આજે આ સ્થાન પર ના હોત!
‘યે દિલ્લગી’ (૧૯૯૩) માટે અભિજીતે જ્યાં સુધી ‘ઓલે ઓલે’ ગીત ગાયું ન હતું ત્યાં સુધી એને ફિલ્મમાંથી કાઢી નાખવાનું નક્કી થઈ ગયું હતું. કેમકે સંગીતકાર દિલીપ સેન- સમીર સેન આ ગીતને ચાર-પાંચ જાણીતા ગાયકો પાસે ગવડાવી ચૂક્યા હતા અને યશરાજ ફિલ્મ્સમાં કોઈને પસંદ આવ્યું ન હતું. સેન ભાઈઓએ આખરે અભિજીતને યાદ કર્યો. ત્યારે અભિજીતને એટલી ખબર હતી કે એમણે યશરાજ ફિલ્મ્સની ‘આઈના’ કરી હતી અને ઉદીત કે કુમાર સાનૂ પાસે જ ગીતો ગવડાવતા રહ્યા છે. અભિજીત ત્યાં પહોંચ્યો ત્યારે એક જાણીતા ગાયકે અગાઉ ગાયું હતું એ રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યું.
અભિજીતે એનું મુખડું સાંભળીને કહી દીધું કે આગળ સંભળાવશો નહીં. એની સાથે મારાથી સરખામણી થઈ જશે. એ કારણે દિલીપ સેને જે ડમી ગીત ગાયું હતું એ સંભળાવ્યું. પહેલી વખત અભિજીત પાસે કોઈ પેપી ગીત આવ્યું હતું. અને અભિજીતે એકદમ અલગથી એટલે કે શ્વાસને પણ સાથે રાખીને ‘ઓલે ઓલે’ ગાયું. રેકોર્ડિંગ આર્ટિસ્ટ સૂદ એના આ પ્રયોગથી બહુ પ્રભાવિત થયા હતા. અસલમાં ‘ઓલે ઓલે’ ને જે રીતે ગાવું જોઈતું હતું એ રીતે કોઈ ગાઈ રહ્યું ન હોવાથી એને ફિલ્મમાંથી કાઢી નાખવાનો નિર્ણય થયો હતો. પણ અભિજીતે ગાયા પછી એને ફિલ્મમાં રાખવાનો નિર્ણય લેવાયો હતો.