‘100 ડેઝ’ થી પાર્થો ઘોષના સારા દિવસો આવ્યા

નિર્દેશક પાર્થો ઘોષની માધુરી દીક્ષિત-જેકી શ્રોફ સાથેની ફિલ્મ ‘100 ડેઝ’ (૧૯૯૧) ની સફળતા પછી પાર્થોના જીવનમાં સારા દિવસો આવ્યા હતા. ફિલ્મની વાર્તા રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે. એવી જ રીતે આ ફિલ્મના નિર્માણની વાતો બહુ રસપ્રદ અને રોચક છે. પાર્થોની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ શેખર સુમન અને મુનમુન સેન સાથેની ‘તેરે બીના ક્યા જીના’ (૧૯૮૯) કોઈ પ્રચાર વગર મુશ્કેલીથી રજૂ થઈ હતી. આ ફિલ્મ આવીને તરત જ જતી રહી હતી તેથી કોઈને ખ્યાલ આવ્યો ન હતો. મુનમુન ત્યારે નિર્માતા પ્રાણલાલ મહેતાની એક ફિલ્મ કરી રહી હતી. એણે એમને કહ્યું કે પાર્થોની મારી સાથેની એક ફિલ્મ સારી હતી પણ ચાલી નથી. તે સારા નિર્દેશક છે. એમને કામ આપી શકાય એમ છે. મુનમુને એક ખાસ શૉ રાખીને પ્રાણલાલને ફિલ્મ બતાવી.

ફિલ્મથી પ્રભાવિત થયેલા પ્રાણલાલે પાર્થોને બોલાવ્યા અને એક ફિલ્મનો વિષય આપી સ્ક્રિપ્ટ લખવા કહ્યું. એમને એમ કે પાર્થોને ચાર મહિના લાગશે. પાર્થો પંદર જ દિવસમાં સ્ક્રિપ્ટ તૈયાર કરીને લઈ ગયા. પ્રાણલાલને એમાં મજા ના આવી. પાર્થો છ મહિના સુધી એમણે આપેલા જુદા જુદા વિષય પર સ્ક્રિપ્ટ લખતા રહ્યા પણ એમને કોઈ પસંદ આવી રહી ન હતી. એ બહુ મોટા નિર્માતા હતા. ત્યારે એમની બે ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું હતું. એક આમિર ખાન-ફરહાની ‘ઇસી કા નામ જિંદગી’ ભાસ્કર શેટ્ટીના નિર્દેશનમાં બની રહી હતી અને બીજી ‘100 ડેઝ’ મહેશ ભટ્ટના એક સંબંધી અનિલ ભટ્ટના નિર્દેશનમાં બનવાની હતી.

પાર્થો પ્રાણલાલની મંજુરીની રાહ જોવા સાથે એમની ફિલ્મોનું કામ ચાલતું હતું ત્યાં બેસતા હતા અને દૂરદર્શનની સિરિયલો બનાવી રોજીરોટી મેળવી રહ્યા હતા. પ્રાણલાલ કોઈ સ્ક્રિપ્ટ પાસ કરી રહ્યા ન હતા. છ માસ પછી આમિરની ફિલ્મના નિર્દેશક ભાસ્કર શેટ્ટી એ દિવસે પોતાની કાર ના આવતા રિક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે રોડ અકસ્માતમાં એમનું અચાનક અવસાન થઈ ગયું. પાર્થોને એમ કે આમિરની ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હોવાથી ભાસ્કરની ખાલી પડેલી જગ્યાએ એમને લેવામાં આવશે. પણ પ્રાણલાલે બે દિવસ વિચાર કરીને એ જવાબદારી અનિલ ભટ્ટને આપી દીધી. પછી ફરી ચાર દિવસ વિચાર કરી ‘100 ડેઝ’ કરવા પાર્થોને પૂછ્યું. પાર્થો તો રાહ જ જોઈ રહ્યા હતા. પણ જ્યારે એની સ્ક્રિપ્ટ વાંચી અને પસંદ થયેલા કલાકારો વિશે જાણ્યું ત્યારે પાર્થો ખચકાયા. એમાં જાવેદ જાફરી – શિલ્પા શિરોડકરની જોડી હતી. શિલ્પા પાત્રમાં બંધબેસતી લાગતી ન હતી. પાર્થોને લાગ્યું કે આ મહિલાપ્રધાન ફિલ્મમાં કોઈ સશક્ત અભિનેત્રી હોવી જોઈએ.

પાર્થોએ પ્રાણલાલને કહ્યું કે શિલ્પાને બદલે માધુરી દીક્ષિતને લેવી જોઈએ. પ્રાણલાલને નવાઈ લાગી. એ સમય પર માધુરી ‘તેજાબ’ (૧૯૮૮) ની સફળતાથી સ્ટાર હીરોઈન ગઈ હતી. પણ પ્રાણલાલનું નામ મોટું હતું. એમણે માધુરીના સેક્રેટરી રીક્કુ રાકેશનાથને ફોન કરી બોલાવ્યા અને વાત કરી. રાકેશનાથ પાર્થોને જૂની મિત્રતાને કારણે ઓળખતા હતા. એમણે માધુરીને વાર્તા સંભળાવવા કહ્યું. પાર્થોએ માધુરીને વાર્તા સંભળાવી. માધુરીને પસંદ આવી પણ બે શરત મૂકી. પહેલી એ કે છ મહિના પછીની તારીખો ફાળવશે. પાર્થોને એ વાતનો વાંધો ન હતો પણ બીજી શરત સાંભળીને વિચારમાં પડી ગયા.

(માધુરીની બીજી શરત કઈ હતી? અને ફિલ્મ ‘100 ડેઝ’ નો અંત કેમ બદલવામાં આવ્યો હતો? એની રસપ્રદ વાતો હવે પછી જાણીશું.)