તાડોબા અંધારી ટાઇગર રીઝર્વ એ થોડા વર્ષો પહેલા બહુ જાણીતું નામ ન હતું. પણ છેલ્લા 5-6 વર્ષોથી ખુબ સારુ ટાઇગર સાઇટીંગ (વાઘ દેખાવા) ના કારણે બહોળી પ્રસિદ્ધિ પામ્યું છે. 2019ના ડિસેમ્બરમાં અમે છ સફારી બુક કરી અને ચાર મિત્રો પહોચ્યાં તાડોબા અંધારી ટાઇગર રીઝર્વ –મોહરલી ગેટ. પહેલી પાંચ સફારી કરી જેમાંથી એકમાં પણ ટાઇગર સાઇટીંગ (વાઘ દેખાયો) નહી. છેલ્લા દિવસે સવારની છેલ્લી સફારીમાં અમે ફરવાનું શરુ કર્યુ.
એજ સમયે જંગલમાં રોડ સાઇડ કન્ટ્રોલ્ડ સેફ્ટી ફાયર (જંગલમાં દાવાનળ ના લાગે માટે જંગલના રસ્તાની બે બાજુ સ્થાનિક મજુરો દ્વારા થોડા ફુટ ઘાસને બાળીને ઓલવી નાખે જેથી આગ ત્યાથી જલ્દી આગળ ન વધે) નું કામ ચાલતુ હતુ. અમારા ગાઇડને ટાઇગર રોર સંભળાઇ, જે અમે કોઇ એ સાંભળી નહોતી એટલે અમે આ સ્થાનિક મજુરોને પુછ્યું, ભાઇ આ વિસ્તારમાં વાઘની કોઇ માહિતી, મજુર કહે હમણાં નજીકની ટેકરી પર એક વાઘને રોરીંગ કરતા સાંભળ્યો છે, હવે અમે એ વાત માની ગયા કે અમારા ગાઇડ એ ખરેખર ટાઇગર રોર સાંભળી હતી.
તાડોબાના બધા રસ્તા વન વે એટલે લગભગ પાંછ-છ કિમી ફરી અમે મજુરે કીધેલી જગ્યાએ પહોંચ્યા પણ કોઇ અણસાર નહીં, થોડું રોકાવાનું નક્કી કર્યુ, દસ-પંદર મિનીટ જીપ બંધ કરી બેસી રહ્યા. અચાનક એકી શ્વાસે ગાઇડ બોલ્યો “ટાઇગર”. નજીકની ઝાડી માંથી વાઘ બહાર આવ્યો અને ફરી રોરીંગ કર્યુ, લગભગ બે મીનીટ અમે આગળ ચાલ્યા અને બે જીપ વાઘની પાછળ આવી ગઇ, લગભગ 15 મિનીટ વાઘ રોડ પર ચાલ્યો અમે આગળ અને એ પાછળ, દસ-પંદર “હેડ ઓન” ફોટો મળ્યા અને પછી એ નજીકના વાંસના જંગલમા જતો રહ્યો.
(શ્રીનાથ શાહ)