શહેરમાં પણ સરળતાથી જોવા મળતુ શીકારી પક્ષી “શિકરા”

ચોમાસામાં જંગલમાં અનેક પક્ષીઓ માળા બનાવે અને તેમાં ઈંડા મૂકે. અનેક સરીશ્રૃપ પ્રાણીઓ પણ પોતાના વંશ વધારવા અને શિકારની શોધમાં પોતાના દર છોડીને જંગલની સપાટી કે વૃક્ષ પર ફરતા જોવા મળે. તો અનેક પ્રકારના જીવજંતુ પણ વરસાદના કારણે ખૂબ ફુલેફાલે, પણ ચોમાસામાં આ બધાના કારણે “બર્ડસ ઓફ પ્રે” (બાજ, સમડી) કુળના શિકારી પક્ષીઓ પણ ખોરાકની બહુતાયતના કારણે ખૂબજ સક્રીય હોય છે. ભારતના જંગલોમાં વિવિધ પ્રકારના શિકારી પક્ષીઓ (Birds of prey) જોવા મળે તેમાં અનેક પ્રવાસી પક્ષીઓ પણ હોય છે. આ “શિકરા” તરીકે ઓળખાતું બાજ કુળનું શિકારી પક્ષી એ લગભગ સર્વ સામાન્ય પણે બધાજ જંગલો ખેતરો અને શહેરોમાં પણ જોવા મળે છે.

કદમાં નાનું શિકારી પક્ષી હોવા છતાં ચપળતા થી શિકાર કરતા “શિકરા”ને જોવું એ એક અદભૂત અને યાદગાર અનુભવ હોય છે. થોડા વર્ષો પહેલા ચોમાસામાં વરસાદના ઝાપટા પછી પોતાની પાંખ સુકવતો આ “શિકરા” નો ફોટો ગીર ક્ષેત્રના હરીપુર ગામે લીધેલો.