સિંહ અને ટ્રેકર

 

 

 

 

 

 

 

 

 

ગીરના જંગલમાં સિંહના પગમાર્ક, મળ, ઘાસ પર બેસવાના નિશાન, ઝાડ પર નખ મારવાના નિશાન જેવા વિવિધ પાસાઓ પરથી સિંહને ટ્રેક કરીને શોધવા માટે પગી/શિકારી (નવા જમાનામાં ટ્રેકર) રાખવાની પરંપરા આઝાદી પહેલાથી એટલે કે રાજાશાહી વખતથી અસ્તીત્વમાં છે.

આવા અનેક પગી/ટ્રેકર છેલ્લા વર્ષોમાં ખુબજ પ્રસિદ્ધી પણ પામ્યા છે. આ ટ્રેકર સવારે 4-5 વાગ્યાથી એક દંડો લઈને જંગલમાં જાય અને સિંહના પગેરૂ એવા વિવિધ નિશાન પરથી સિંહના લોકેશન (ભાળ) મેળવે. આ સાથે જ સિંહોના ખોરાક, સ્વાસ્થ્ય તેમજ અન્ય પાસાઓનું ધ્યાન રાખે અને રાત્રે પરત આવે ક્યારેક સિંહ-દીપડા ખુલ્લા કુવામાં પડી જાય તો તેને તેમાંથી કાઢવા અંદર પણ ઉતરે.

પોતાના જીવને જોખમમાં મુકી સિંહની રક્ષા કરતા આવા ટ્રેકર અનેક આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટ્રી ફિલ્મોમાં પણ સ્થાન પામ્યા છે. દરેક સિંહ-સિંહણને નામ આપે અને નામથી ઓળખે પાછી વળી એમની લાક્ષણીક્તા પણ એમને ખબર હોય. કેટલાક ટ્રેકર તો એવા છે કે જેની ત્રીજી પેઢી પણ આજે ટ્રેકર છે અને કદાચ ચોથી પેઢી પણ આ કામ કરશે તો નવાઈ નહીં.

આ ટ્રેકરો આમ તો, વનવિભાગના ચોપડે સામાન્ય રોજમદાર મજુર તરીકે જ છે. એટલે જાનના જોખમે દિવસભર સિંહની કાળજી લેતા આવા ટ્રેકરને કોઈ વિશેષ વળતર મળતુ નથી. અનેક ટ્રેકરો પર સિંહ, દિપડાના નાના મોટા હુમલાના કારણે ઘાયલ થવાના પ્રસંગો પણ બન્યા છે પણ આ પગી/ટ્રેકરનો જુસ્સો એવા જ છે અને આજે પણ તેઓ સિંહની સેવામાં ખડે પગે ઉભા જ હોય છે.

શ્રીનાથ શાહ