ગીર વિસ્તારના લોકો – સિંહોની સુરક્ષા પાછળના સાચા રક્ષક

સિંહ સંવર્ધનની વાત આવે એટલે આપણા મનમાં વન વિભાગ કે સરકાર દ્વારા કરવામાં આવેલા સિંહ સંવર્ધનના કાર્યો ચોક્કસ યાદ આવે. આ તમામ પ્રયાસોની સાથે ગીર અભ્યારણ્ય આસાપાસના વિસ્તારમાં વસવાટ કરતાં સ્થાનિક લોકો — જેમ કે ખેડૂત, પશુપાલક, માલધારી અથવા સિદ્ધી સમાજના લોકો — તેમનો ફાળો પણ અતિ અમુલ્ય છે.

ગીર આસપાસના સ્થાનિકો ક્યારેય શિકાર જેવી હિંસક પ્રવૃતિઓમાં સામેલ થયા નથી, જે આ વિસ્તાર માટે ખૂબ ગૌરવની બાબત છે.
સાથે જ, કોઈ માલધારી કે પશુપાલકના માલ ઢોરનો શિકાર સિંહ કરે છે, તો પણ કયારેય ઝેર આપવાના બનાવો ટાઈગર પાર્કની જેમ બનતા નથી. સિંહના શિકાર તરીકેના તૃણાહારી પ્રાણીઓ કે જંગલી સુવર દ્વારા પાકને થયેલું નુકસાન પણ, અહીંના ખેડૂતો વિશાળ મનથી સહન કરે છે.

સૌથી મોટી વાત એ છે કે ગીર વિસ્તારમાં રહેતા લોકો પોતાનાં પ્રદેશમાં સિંહ રહે છે એ બાબતનો ગર્વ અનુભવે છે.

આ જ ભાવનાને કારણે આજે ગીર નેશનલ પાર્ક અને અભ્યારણ્ય વિસ્તાર બહારના ખેતરો અને કેટલીક વખત ગામડાંઓમાં પણ સિંહ સુરક્ષિત રીતે રહે છે.

ગીર વિસ્તારમાં સિંહ સંવર્ધન માટે સ્થાનિક લોકોના અદ્વિતીય અને અમૂલ્ય યોગદાનને વંદન.