ગ્રેટર ફલેમિંગો (સુરખાબ) એ ગુજરાતમાં પ્રવાસી પક્ષી તરીકે આવતુ અને રાજ્યનું સ્ટેટ બર્ડ (State Bird) છે. આ સીવાય પણ બહુ બધા યાયાવર પક્ષીઓ (migratory birds) ગુજરાતમાં આવે છે. સામાન્ય રીતે યાયાવર પક્ષીની વાત આવે એટલે ગુજરાતના નળ સરોવર, થોળ કે ખીજડીયા જેવા રક્ષિત જળપ્લાવિત વિસ્તારો વિશે તો બધાજ જાણે છે. પણ આવા અનેક જળપ્લાવિત વિસ્તારો ગુજરાતમાં છે જે સામાન્ય લોકોને ઓછા ધ્યાન પર આવેલ છે. સ્થાનિક અને યાયવર પક્ષીઓની બહુ વિધ પ્રજાતિઓ અહીં જોવા મળે છે. આવા જળપ્લાવિત વિસ્તારોને ખુબજ સંવેદનશીલ રીતે સાચવવાની જરૂર છે.
આવાજ કેટલાક ઓછા જાણીતા જળપ્લાવિત વિસ્તારોમાંના પરીએજ તથા વઢવાણા થોડા જાણીતા છે. પણ પોરબંદર શહેર આસપાસના જળપ્લાવિત વિસ્તારો, કોડીનાર તાલુકાનું કાજ, ભાવનગર પાસે કુંભારવાડાનો વિસ્તાર, રાજકોટ જીલ્લાનો આજીડેમ પાસેનો વિસ્તાર, દ્વારકા પાસે ચરખલાનો મીઠાના અગરનો વિસ્તાર, બન્નીના લુણાઢંઢ તથા કચ્છના ભીમાસર અને દેવીસર પાસેના જળપ્લાવિત વિસ્તારો જેવા અનેક નાના મોટા જળપ્લાવિત વિસ્તારો છે જે વિવિધ સ્થાનિક અને યાયાવર (migratory) પક્ષીઓ માટે શ્રેષ્ઠ છે.
આપણે જ્યારે પણ જળપ્લાવિત વિસ્તારોની મુલાકાતે જઈએ ત્યારે અત્યંત સંવેદનશીલ રીતે, પક્ષી કે તેના (Habitat) રહેઠાણને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.
