જંગલ સફારીમાં ભાગ્યની સાથે ધીરજ પણ ખુબ જરુરી….

2015ના નવેમ્બરના અંતિમ સપ્તાહમાં અમે સવારની સફારીમાં ફરી રહ્યા હતા. સફારી શરું થઇ ત્યારથી જ વારંવાર ચિતલના એલાર્મ કોલ આવી રહ્યાં હતા અને અમે વારંવાર જીપ રોકીને  સતત આસપાસ દુરબીનથી જોઇ રહ્યાં હતા, પણ સમજ પડી નહીં કે દિપડો છે કે સિંહ.

જેમ જેમ અમે સફારીમાં આગળ વધ્યા તેમ તેમ ચિતલ એલાર્મ કોલની સાથે લંગુરના કોલ પણ શરું થયા, હવે અમને ખબર હતી કે આસપાસની ઝાડીમાં દિપડો કે સિંહ છે, ગાઇડએ જીપનું એન્જીન બંધ કરી એક ખુલ્લી જગ્યાએ જીપ ઉભી રખાવી, અમે લગભગ 10-15 મીનીટ કેમેરા રેડી કરીને તૈયાર ઉભા રહ્યા પણ કોઇ મુવમેન્ટ થઇ નહીં અને એલાર્મ કોલ પણ બંધ થઇ ગયા હતા. એટલે અમે ગાઇડને કહ્યું કે “હવે આપડે આગળ વધીએ” ચર્ચા ચાલુ હતી ત્યાં અચાનક એક સિંહ એકદમ ઝાડીમાંથી બહાર આવીને અમારી જીપથી 15-17 ફુટના અંતરે ઉભો રહ્યો અને જાણે કે પોતાનો પોરટ્રેઇટ ફોટો પડાવવા ઉભો હોય એમ ઉભો રહ્યો, અમે તરત 7-8 અલગ અલગ પ્રકારે ફોટો લીધા અને એમાંનો એક ફોટો અત્રે પ્રદર્શીત કર્યો છે.

મારું માનવું છે કે જંગલમાં સફારી અને ફોટોગ્રાફી કરવા જતા હોય ત્યારે સૌથી પહેલા ભાગ્ય અને બીજુ ધીરજ એ ખુબ જરુરી છે નહીં તો સફારીમાં સારું વાઇલ્ડ લાઇફ સાઇટીંગ કે ફોટોગ્રાફી ન થાય.

(શ્રીનાથ શાહ)