બ્લેકબક નેશનલ પાર્ક- વેળાવદર ખૂબ નાનો પાર્ક, પણ પક્ષીઓની વિવિધતા માટે વિશ્ર્વભરના બર્ડ વોચર્સ અને બર્ડ ફોટોગ્રાફર્સ અહીં ઘણા આવે. અહીં આવો તો જમીન પર તમને ચેસ્ટનટ બેલીડ સેન્ડગ્રાઉસ, જેને ગુજરાતીમાં દેશી બટાવડો તથા બીજા નામોમાં ઇન્ડીયન સેન્ડગ્રાઉસ, કોમન ઇન્ડીયન સેન્ડગ્રાઉસ તથા સ્મોલ પીન ટેઇલડ સેન્ડગ્રાઉસ પણ કહે છે. આ પક્ષી ખૂબ જ મોટી સંખ્યામાં આફ્રીકામાં પણ મળે છે. આમ તો એ ગુજરાતમાં સ્થાનિક (રેસીડન્ટ) પક્ષી છે, પણ તેના જમીનની માટી સાથે ના કેમોફ્લેજના કારણે સફારીમાં તેને સરળતાથી શોધી શકાતું નથી.
બેએક વર્ષ પહેલાં માર્ચના અંતિમ સપ્તાહમાં અમે અમારી SUV ગાડીમાં બ્લેકબક નેશનલ પાર્કમાં સફારી માટે ફરી રહ્યા હતા અને વુલ્ફની શોધ કરી રહ્યા હતા ત્યારે એક પાણીના ખાબોચીયા પાસે અમે થોડી વાર ઉભા રહ્યા. રાહ તો અમે વુલ્ફ માટે જોતા હતા, પણ થોડીવારમાં આ પાણીના ખાડા પર કેટલાક ચેસ્ટનટ બેલીડ સેન્ડગ્રાઉસ આવ્યા. પાણી પીધું અને ડોક નીચેના ભાગને પાણીમાં પલાળીને પછી નજીકના ખુલ્લા મેદાનમાં ગયા.
અમે પણ એ સ્થળ નજીક રોડ પર એકદમ શાંતિથી ગાડી બંધ કરી બેસી રહ્યા. બાયનોક્યુલરથી જોયું તો થોડી વારમા 2-3 બચ્ચા(ચીકસ) દેખાયા અને એ ચેસ્ટનટ બેલીડ સેન્ડગ્રાઉસના પેટ પાસેના ભાગમાંથી પાણી પીવા લાગ્યા. આ એક અદભુત દ્રશ્ય હતું કે કોઇ પક્ષી આ રીતે પણ પોતાના બચ્ચાંને પાણી પીવડાવે. અમે એટલા દૂર હતા કે 100-400 નો લેન્સ હોવા છતાં અમે આ પાણી પીવરાવતો સારો ફોટો લઇ શકીએ, પણ પાણીના ખાબોચીયા પાસે પાડેલ ફોટો અમને મળ્યો, જે અત્રે પ્રદર્શિત કર્યો છે.
(શ્રીનાથ શાહ)