આ જંગલ કેટ તો જાણે સિંહ ઉભો હોય એમ…

ગુજરાતીમાં તો ઘણી જગ્યાએ બીલાડીને વાઘની માસી કહીને સંબોધે, પણ જંગલ કેટ એ સિંહના બચ્ચા જેવી જ લાગે. આમ તો બહુ શરમાળ અને માણસને જૂએ તો ડરીને છૂપાઇ જાય. ડીસેમ્બર-2018માં અમે બ્લેકબક નેશનલ પાર્ક-વેળાવદરમાં સફારી પર ગયા હતા. બ્લેકબક નેશનલ પાર્ક-વેળાવદરમાં આમ બે ભાગ એક વેટલેન્ડ સાઇડ અને બીજી  ગ્રાસ લેન્ડ સાઇડ. અમે ગ્રાસલેન્ડ સાઇડમાં ફરતા હતા તો અમારા ગાઇડે ગાડી રોકાવીને દૂર ઘાસમાં ઉભેલી જંગલ કેટ બતાવી. વધુ નજીકથી ફોટો લેવા માટે ધીમે-ધીમે અમે જંગલના રસ્તા પર જંગલ કેટ તરફ આગળ આગળ વધતા ગયા અને ફોટોગ્રાફ્સ ખેંચતા ગયા. અમારા અચરજ વચ્ચે આ જંગલ કેટ તો જાણે સિંહ ઉભો હોય એમ ઉભી રહીને પોઝ આપતી રહી. થોડી વાર પોઝ આપ્યા પછી એણે ઘાસમાં એવી રીતે ચાલતી પકડી કે જાણે અમારી કોઇ હાજરી જ નથી.

જંગલ કેટ ભોજનમાં જંગલી ઉંદર, પક્ષીઓ અને તેના ઇંડા, ગ્રાસ હોપર(ખડમાકડી) અને લોક્સટ(તીડ) તથા અન્ય જીવ જંતુ ખાય. એવા પણ પ્રસંગો નોંધાયા છે જેમાં જંગલ કેટ સાપ મારીને ખાધો હોય અને કેટલીક જગ્યાએ તો રોજીંદા ફીશીંગ કરીને પાણીમાંથી માછલી મારીને ખાતી હોય.

(શ્રીનાથ શાહ)