બરડાના જંગલોમાં વર્ષો પછી સિંહના પરત ફરવાના સમાચાર, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં સિંહ પહોંચવાના સમાચાર થોડા સમયથી ચર્ચામાં છે. આના પરથી વિચાર આવે કે એશિયાઈ સિંહ ખરેખર પોતે વર્ષો પહેલા ગુમાવેલ સામ્રાજ્ય પરત મેળવી તો નથી રહ્યા ને?
છેલ્લા કેટલાક વર્ષો થી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સિંહ સંરક્ષણને આપવામાં આવતું મહત્વ અને સ્થાનિક ગ્રામજનોને આર્થિક નુકશાન છતાં સિંહ સંરક્ષણમાં સહયોગને કારણે એશિયાઈ સિંહની વસ્તી ઘણી વધી છે. જેના કારણે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીની સાથે સિંહ આસપાસના વિસ્તારોમાં પણ ગ્રામજનોના સહયોગ થી સારી રીતે જીવી રહ્યા છે.
સિંહના નવા પરિવારો (પ્રાઈડ) બનતા અભ્યારણ્ય આસપાસનો વિસ્તાર છોડી, આગળ વધી રહ્યા છે. નજીકના અનુકુળ જંગલ વિસ્તારો લીલીયા-કાંકચ, જેસર, અને રાણીગાળા જેવા વિસ્તાર બાદ હવે બરડા અભ્યારણ્ય અને કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર સુધી પહોંચ્યા છે. લગભગ 20,000 વર્ગ કિમીના વિસ્તારમાં વિહરી રહ્યા છે.