નવી દિલ્હીઃ બોલીવુડ દિગ્દર્શક અયાન મુખર્જીની આગામી નવી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું મોશન પોસ્ટર મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મની કલાકાર જોડી – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ ઉપસ્થિત હતાં. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વખતથી આ બંને કલાકાર લગ્નના બંધનમાં બંધાશે એવી વાતો ચાલી રહી છે. બ્રહ્માસ્ત્ર પત્રકાર પરિષદ વખતે રણબીર કપૂરના ચાહકોએ તેના લગ્ન વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એમાંના એક ચાહકનો સંદેશ ખુદ રણબીરે જ પત્રકારો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો. એ ચાહકે રણબીરને પૂછ્યું હતું કે, ‘તું આલિયા સાથે કે કોઈક અન્ય સાથે ક્યારે લગ્ન કરીશ?’
રણબીરે એના જવાબમાં કહ્યું, ‘ઠીક છે, આપણે જોયુંને, છેલ્લા એક વર્ષમાં કેટલા બધા લોકો પરણી ગયા. મને લાગે છે કે આપણે એનાથી જ ખુશ થવું જોઈએ. હમારી કબ હોગી?’ જવાબમાં આલિયાએ કહ્યું, ‘તું મને કેમ પૂછે છે?’ ત્યારે રણબીરે અયાન સામે આંગળી ચીંધી હતી અને કહ્યું, ‘હું તો એમને પૂછું છું, હમારી કબ હોગી?’ ત્યારે અયાન મુખરજીએ કહ્યું, ‘આજને માટે એક જ તારીખ બસ છે. ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ તારીખ… ચાલો રાહ જોઈએ.’