મહેસાણા: ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના પિતામહ તરીકે પ્રસિદ્ધ ડોક્ટર શિયાલી રામામૃત રંગનાથન પ્રસિદ્ધ છે. તેમણે ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના યુગની શરૂઆત કરી હતી. તેમની જન્મ જયંતી લાઇબ્રેરી દિવસ તરીકે ઉજવાય છે. ગણપતિ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ફાર્મસી ફેકલ્ટીની શ્રી એસ.કે પટેલ કોલેજ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તેમજ ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણી નિમિત્તે ફેક્લ્ટી ઓફ સાયન્સની લાઇબ્રેરીમાં બે દિવસ માટે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર શિયાલી રામામૃત રંગનાથનના ગ્રંથાલય ક્ષેત્રના મહાન પ્રદાન માટે એમને શ્રદ્ધાંજલિ રૂપે આ પ્રદર્શન યોજાયું હતું. પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું ઉદ્ઘાટન ગ્રંથાલય વિશેષજ્ઞ ગિરીશભાઈ કાપડિયા, પ્રો. ડો. કેયુર ભટ્ટ, પ્રો. ડો. સંજીવ આચાર્ય, પ્રો.ડો. પરેશ પટેલ અને પ્રો. ડો. રાજેશ ભોંસલે દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગિરીશભાઈએ જણાવ્યું, ‘પુસ્તકોની વિષયવાર ગોઠવણી તથા દરેક વાચકને તેનું પુસ્તક મળી રહે તેમજ દરેક પુસ્તકને તેનો વાચક મળી રહે તેવી વ્યવસ્થા દરેક ગ્રંથાલયે કરવાની હોય છે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને જ્ઞાન વધે એ માટે લાઇબ્રેરિયને પ્રયત્નો કરવાના હોય છે.’