જુનાગઢ: રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડા હવે ભાજપમાં પણ વિદ્રોહના મૂડમાં હોય તેવું ઘણા સમયથી લાગી રહ્યું છે. ખાસ કરીને લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવિયાને લઈને તેમની નારાજગી વખતો વખત સામે આવી છે. આ વખતે તેમણે સીધો પ્રધાનમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે. આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે. પરંતુ જુનાગઢ આમાં અપવાદ છે.