ગુજરાત ચૂંટણી પહેલાં સટ્ટાબજારમાં ભાજપનું બજાર ગરમ

અમદાવાદ- વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલી સીટ મળશે તેનું રાજસ્થાનમાં સટ્ટાબજારીયા અનુમાન લગાવી રહ્યાં છે. રાજસ્થાનના ફલૌંદી અને બીકાનેરના સટ્ટોડીયાઓના અનુમાન મુજબ આ વખતે પણ સત્તામાં ભાજપ આવશે પણ ગત ચૂંટણી કરતાં બેઠકો ઘટશે.આ સટ્ટોડીયાઓના અનુમાન જોકે યુપી ચૂંટણીમાં ખોટાં પડ્યાં હતાં કે ભાજપને 192થી 200 બેઠકો મળશે. પરિણામોમાં ભાજપને 325 બેઠકો મળી હતી. જેને લઇને આ વખતના સટ્ટામાં લોકો ફક્ત હજાર રુપિયાનો સટ્ટો બોલી રહ્યાં છે.યુપી ચૂંટણીમાં કરોડો રુપિયાની બોલી લગાવનારા રાતે પાણીએ રોયાં હતાં.

કોંગ્રેસ માટે રાજસ્થાની સટ્ટોડીયાઓએ 70-72 બેઠકો ધારી છે. ભાજપ માચે 50 પૈસા અને કોંગ્રેસ માટે 2 રુપિયાના દરે સટ્ટો બોલવામાં આવી રહ્યો છે. તેઓનું અનુમાન છે કે પીએમ મોદીની ગુજરાતમાં સભાઓને પગલે લોકોનું વલણ ભાજપ તરફી થશે.

પીએમ મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા નહોતા આવ્યાં તે પહેલાં એટલે કે 26 નવેમ્બરે સટ્ટાબજારમાં ભાજપ 119થી 125 બેઠક પર જીત મેળવશે અને કોંગ્રેસ 55-66 બેઠક જીતશે, તેના ભાવ લાગ્યાં હતાં.
પણ પીએમ પ્રચાર માટે આવ્યા પછી સટ્ટાબજારના આંકડા ફરી ગયાં હતાં. 27 નવેમ્બરના રોજ ભાજપ 125થી 135 બેઠક જીતશે અને કોંગ્રેસ 45-55 બેઠક પર જીતશે, તે પછીને દિવસ 28 નવેમ્બરના રોજ સટ્ટાબજારમાં ભાજપ 135-140 બેઠક જીતશે અને કોંગ્રેસ 42-45 બેઠક પર જીત મેળવશે, તેવો કયાસ કાઢવામાં આવ્યો છે, અને તેના પર બેટિંગ ચાલી રહી છે.