પ્રથમ તબક્કાની ચૂંટણીમાં માત્ર 9 મહિલાઓને મળી ટિકિટ

અમદાવાદ– 8 માર્ચે વુમન્સ ડે આવે ત્યારે તમામ રાજકીય પક્ષો અને સમાજના આગેવાનો મહિલાઓના વખાણ કરતાં થાકતા નથી. બેટી બચાવો… બેટી પઢાઓ…, મહિલા સશક્તિકરણની વાતો થાય, પણ રાજકારણમાં હકીકતમાં મહિલાઓને પ્રાધાન્ય અપાતું નથી. રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટની ફાળવણી કરતી નથી. આનું ઉદાહરણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકોનું મતદાન 9 ડિસેમ્બરે થનાર છે, જેમાં ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં માત્ર 9 મહિલાઓને ટિકિટની ફાળવણી કરાઈ છે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા કુલ 175 ઉમેદવારોના નામ જાહેર થયા છે, જેમાં ભાજપે 6 મહિલાને ટિકિટ આપી છે, અને કોંગ્રેસે 3 મહિલાને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા અપાયેલ મહિલાઓને ટિકિટઃ(1) ભૂજમાં નીમાબહેન આચાર્ય, (2) ગાંધીધામમાં માલતીબહેન મહેશ્વરી, (3) ગોંડલમાં ગીતાબા જાડેજા, (4) ભાવનગર પૂર્વ વિભાવરીબહેન દવે, (5) લિંબાયતમાં સંગીતા પાટીલ અને (6) ચોર્યાસી બેઠક પર ઝંખનાબહેન પટેલ. જ્યારે કોંગ્રેસ દ્વારા અપાયેલ ટિકિટઃ (1) રાપરમાં સંતોક અરેઠિયા, (2) ભાવનગર પૂર્વમાં નીતાબહેન રાઠોડ અને (3) નવસારીમાં ભાવનાબહેન પટેલ.

તદઉપરાંત આ યાદીમાં વર્તમાન ધારાસભ્યોમાં ભાવનાબહેન મકવાણા, વર્ષાબહેન દોશી, વસુબહેન ત્રિવેદી અને ભાનુબહેન બાબરિયાની ટિકિટ કપાઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2012માં ભાજપે 20 મહિલાઓને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે 14 મહિલાઓને ટિકિટ આપી હતી.