મહિલાઓને 182માંથી માત્ર 22 ટિકીટ, મહિલા સંગઠનોમાં નારાજગી

ગાંધીનગર- ગુજરાતમાં આ વખતે રાજકીય મુખ્ય પક્ષ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા ભાગીદારીની થતી વાતોમાં પીછેહઠ જોવા મળી છે. અત્યાર સુધીમાં બંને રાજકીય પક્ષો કહેતાં રહ્યાં હતાં કે મહિલાઓને રાજકીયક્ષેત્રમાં વધુને વધુ સ્થાન આપવામાં આવશે.પરંતુ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ છે ત્યારે વિધાનસભાની 182 બેઠકોમાંથી માત્ર 22 મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવી છે. જેમાં 11 બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. તો કોંગ્રેસ પક્ષે 10 મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.
ગુજરાતમાં મહિલા સંગઠનોમાં આ ટિકિટ ફાળવણીથી મોટી નારાજગી ઉભી થઇ છે. અને બંને પક્ષો ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે મહિલાઓને 33% અને 50% સુધી લાભો આપવામાં આવશે તો પછી બંને પક્ષો દ્વારા આવો અન્યાય કેમ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય કક્ષાએ 33% મહિલા અનામતની વાતો કરતા રાજકીય પક્ષોએ આ બાબતે જરાય વિચાર કર્યો નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
2012ની વિધાનસભાની ચૂંટણીમાં જો એક નજર કરીએ તો ભાજપ પક્ષમાં 19 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું હતું, તો કોંગ્રેસે 11 મહિલાઓને સ્થાન આપ્યું હતું, જેની સરખામણીએ આ વખતે ભાજપે 11 અને કોંગ્રેસે 10ને ટિકીટ ફાળવવામાં આવી છે.
સત્તાધારી પક્ષ ભાજપે આ વખતની ચૂંટણીમાં ભાનુમતીબહેન બાખરીયા, વર્ષાબહેન દોશી, વસુબહેન ત્રિવેદી, નિર્મલાબહેન વાઘવાણી જેવા મહિલા પ્રતિનિધિઓને ટિકીટ આપી નથી.  હવે એ જોવાનું રહ્યું કે મતદાનના દિવસોમાં આ નારાજગી પ્રદર્શિત થાય છે કે નહીં તે 18 ડિસેમ્બરની સવારે શીતલ ઠંડીમાં જોવા મળશે.