નિતીનભાઈ પટેલની મહેસાણા બેઠક પર કટોકટ લડાઈ

ગાંધીનગર– ગુજરાતના રાજકારણમાં રાજકોટની બેઠક ઉપર જેવી નજર રાજકીય પંડિતોની છે, તેવી જ એક અગત્યની બેઠક મહેસાણા વિધાનસભાની બેઠક ઉપર છે. આ બેઠક ઉપર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ પોતે ભાજપ પક્ષ તરફથી ચૂંટણી જંગમાં છે. તેઓ 1990થી આજ સુધી સતત ચૂંટાતા આવ્યાં છે. માત્ર એક વખત તેઓએ કડી મતવિસ્તારમાં હારનો સામનો કરવો પડ્યો હતો.આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીવાભાઈ પટેલ જાહેર થયાં છે. તેઓ પણ પક્ષના ખૂબ વરિષ્ઠ સભ્ય છે.
 આ બેઠક પર પાટીદાર મતો ખૂબ જ નિર્ણાયક ભૂમિકામાં છે.  છેલ્લાં એક વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં મૂળ સ્થાન ઉત્તર ગુજરાતને ગણવામાં આવે તો ખોટું નથી. આ વિસ્તારમાં પાટીદાર સમાજ નો દબદબો વર્ષોથી રહ્યો છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલની છાપ છે કે તેઓ બોલવામાં તોફાની છે. તાજેતરમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ માટે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું તેનાથી પાટીદાર સમાજના આ વિસ્તારમાં મોટી નારાજગી જોવા મળી છે  જો પ્રજામાં રહી સારાં કાર્યો કર્યાં હોય તો આવા શબ્દો ન બોલવા જોઈએ તેવું પાટીદાર સમાજમાં ચર્ચાઈ રહ્યું છે.
મહેસાણા વિધાનસભા મતવિસ્તાર ઔદ્યોગિક રીતે ખૂબ ધમધમતો વિસ્તાર છે. આ વિસ્તારમાં રોજનું લાખો લીટર દૂધ અને દૂધની બનાવટવાળી અવનવી વસ્તુઓ બનાવતી દૂધસાગર ડેરી છે. અને આજુબાજુ ઓ.એન.જી.સી. અને જી.આઈ.ડી.સી. આવેલી છે.
2012ની વિધાનસભા ચૂંટણીમાં જીત્યાં બાદ કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતાં. આનંદીબહેન પટેલને મુખ્યપ્રધાન પદેથી હટાવાયાં ત્યારે પહેલાં નિતીન પટેલનું નામ સીએમ તરીકે ફરતું થયું હતું.પરંતુ તેમના સ્થાને વિજય રૂપાણીને મુકવામાં આવ્યાં. પરંતુ પક્ષને  પાટીદાર સમાજ નારાજ થાય તો આવનાર ચૂંટણીમાં મોટો માર પડે એટલે નિતીન પટેલને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ફરજ પડી હતી. રાજકોટ બેઠક પછી મહેસાણા બેઠક પણ રાજકીય રીતે ચર્ચામાં રહેશે હવે જોવાનું રહ્યું કે પ્રજા કોને જીતાડે છે.