ચૂંટણી ચોપાટમાં પાટીદાર અને ઠાકોર સેના વચ્ચે કોંગ્રેસની સેન્ડવિચ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પોતાનાથી શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. આના માટે કોંગ્રેસે પાટીદારો, ઓબીસી અને દલિતોને આકર્ષવા માટે પોતાની પૂરી તકાત લગાવી દીધી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાં બેસીને કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

તો દલિત નેતા જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધી પણ પાટીદાર આંદોલના મહત્વના ચહેરા હાર્દિક પટેલનો પોતાના ભાષણોમાં અનેકવાર ઉલ્લેખ કરી ચૂક્યા છે.કોંગ્રેસ નેતાઓની હાર્દિક પટેલ સાથે ઘણીવાર ગુપ્ત મુલાકાતો પણ થઈ હોવાની ચર્ચા છે. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક સવાલ એવો પણ થાય છે કે શું કોંગ્રેસની આ યોજના સફળ થશે?

અનામતને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે એક રીપોર્ટ તૈયાર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોનીયા ગાંધી ગમે ત્યારે અનામતને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જો આમ થાય તો અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાની પ્રતિક્રિયા જોવાની રહેશે કારણ કે ઠાકોર સેના પહેલેથી જ પટેલ સમાજને અનામત આપવાનો વિરોધ કરતી આવી છે.

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને વચન આપ્યું છે કે કેટલીક મહત્વની સીટો પર તેમના સમર્થકોને ટિકીટ આપવામાં આવશે. આના કારણે ઠાકોર સમાજ કોંગ્રેસની તરફેણમાં છે. હાર્દિક પટેલ પણ કહી ચૂક્યા છે કે જો પાટીદાર આંદોલનના નેતાઓને કોંગ્રેસ ટિકીટ આપશે તો તેઓ કોંગ્રેસને સમર્થન આપશે. અને એટલા માટે જ ઉત્તર ગુજરાતમાં વર્તમાન સ્થિતી અનુસાર રાજકીય સમીકરણોનો અંદાજ લગાવવો મુશ્કેલ લાગી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર અને પટેલ સમાજનો ખૂબ પ્રભાવ છે, પરંતુ તેઓ એકબીજાને વોટ આપવા નથી માંગતા. આવા સંજોગોને જોતા કોંગ્રેસ માટે ઈધર કુઆ ઈધર ખાઈ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.