ભાજપમાં જીતની ખુશી સાથે દિગ્ગજોની હારનો ગમ પણ ખરો…

અમદાવાદ– ગુજરાતના ચૂંટણી પરિણામોમાં શાસક ભાજપને જીત મેળવતાં નેવાંના પાણી મોભે ચડ્યાં છે. સતત 22 વર્ષથી શાસનના કારણે સત્તાવિરોધી લહેર તેમ જ પાટીદારોની નારાજગીનો ચમત્કાર હંમેશા સારી બહુમતીથી જીતતા ભાજપ માટે મોટો સબક બની રહ્યો છે. જમાલપુર-ખાડિયા બેઠક અશોક ભટ્ટનું ભારે પ્રભુત્વ હતું. વર્ષોથી આ બેઠક ભાજપનો ગઢ જ ગણાય, તે બેઠક પર તેમના દીકરા ભૂષણ ભટ્ટ હારી ગયાં છે, તેમની સામેના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા જીતી ગયાં છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કેટલાય દિગ્ગજ નેતાઓએ હારનું મોં જોવું પડ્યું છે. જેમાં સૌથી મોટો આંચકો સતત છ ટર્મથી ચૂંટાતા રહેલા જૂનાગઢના ઉમેદવાર મહેન્દ્ર મશરુની હાર છે. કારણ કે મશરુની લોકપ્રિયતા તેમના સામાજિક કાર્યો અને સતત પ્રજાના કામો કરનાર ધારાસભ્યની રહી છે. ત્યારે તેમની હાર પક્ષને આશ્ચર્યમાં મૂકી દીધો છે.ભાજપના મોટાંમાથાં એવા શંકર ચૌધરીનો પરાજય પણ આ શ્રેણીમાં આવી ગયો છે. રાજ્યના આરોગ્યપ્રધાન શંકર ચૌધરી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગૂડબૂકમાં રહ્યાં હતાં. બનાસકાંઠા પૂર સમયે રાહત-બચાવ કામગીરીમાં પણ તેઓ મોખરે રહ્યાં હતાં. ત્યારે તેમની હાર થવાના કારણોમાં બનાસકાંઠા ડેરી વહીવટમાં તેમના પર લાગેલ ભ્રષ્ટાચારનો આક્ષેપ અને પૂરસહાયની રકમ ન મળી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

ભાજપના કૃષિપ્રધાન ચીમન સાપરીયાને પણ નિરાશા હાથ લાગી છે. ચીમન સાપરીયા ભાજપ સરકારમાં વજનદાર ભૂમિકામાં હતાં. તેવી જ રીતે સામાજિક ન્યાયપ્રધાન આત્મારામ પરમારને પણ જનતાએ ઘેર બેસાડી દીધાં છે.

સિદ્ધપુરમાં જયનારાયણ વ્યાસને ટિકીટ આપી તેમને જીતવાનો ચાન્સ અપાયો હતો પરંતુ લોકોએ તેમને પસંદ કર્યાં નથી અને સારા એવા માર્જિનથી તેઓ ચૂંટણી હારી ગયાં છે.

આ ઉપરાંત રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓમાંથી રાઘવજી પટેલ, માનસિંહ ચૌહાણ અને તેજશ્રીબહેન પટેલને પોતાના કોંગ્રેસ પ્રતિસ્પર્ધી દ્વારા હારનો સામનો કરવો પડ્યો છે. બેચરાજીમાં રજની પટેલની હારના સમાચાર પણ છે. દસાડા બેઠક પરથી લડતાં વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી નિભાવનાર રમણલાલ વોરાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. ધારી બેઠક પર દિલીપ સંઘાણીને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

બેઠક બદલાવીને બોટાદમાંથી ચૂંટણી લડવા મોકલાવાયેલા સૌરભ પટેલ ખૂબ ઓછી સરસાઈથી જીત્યાં છે. બીજું ઊંઝા બેઠક પર નારણભાઈ પટેલ વર્ષોથી લડતા અને ભારે બહુમતીથી જીતતાં હતાં, નારણભાઈ પટેલ ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન અને ઉમીયા ટ્રસ્ટના પણ મુખ્ય વહીવટકર્તા ટ્રસ્ટી હતા. પણ આ વખતે અપસેટ સર્જોયો છે. નારણ પટેલ હારી ગયા છે, ત્યાં તેમને પાટીદાર મુદ્દો નડ્યો છે. અમદાવાદની દરિયાપુર બેઠક ભાજપના સીનીયર નેતા ભરત બારોટ પણ હાર્યા છે, તેમની સામે ગ્યાસુદ્દીન શેખ જીતી ગયાં છે.

ભીલોડા બેઠક પર ભાજપ તરફથી લડનાર પોલિસ ઓફિસર પી સી બરંડા પણ ચૂંટણી હારી ગયાં છે, તેમણે ચૂંટણી લડવા માટે સરકારી નોકરી છોડી દીધી હતી.

આમ, ભાજપના મોટામોટા નેતાઓને ઘેર બેસવાનો વારો આવતાં ઓવરઓલ જીતની ખુશીની વચ્ચે પણ પક્ષના અગ્રણીઓમાં અને હારનારા નેતાઓના કાર્યકરોની મોટી સંખ્યાને અંદરખાને અફસોસની લાગણી પણ જોવા મળી રહી હતી.

(અહેવાલ-પારુલ રાવલ)