ગુજરાત ચૂંટણી: કોંગ્રેસના દિગ્ગજોનો જાદુ ફરી એકવાર ઓસર્યો

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયાં છે. અપેક્ષા મુજબ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં ફરી એકવાર સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. જોકે ગત વિધાનસભા ચૂંટણીના(2012) પરિણામોની અપેક્ષાએ ભાજપનું પરિણામ ઘણું નબળું રહ્યું છે, તો સામે પક્ષે કોંગ્રેસનું પ્રદર્શન અને મતની ટકાવારી ગત વિધાનસભાની ચૂંટણી કરતાં ઘણા જ સકારાત્મક રહ્યાં છે. પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમનું અપેક્ષા મુજબનું પ્રદર્શન દેખાડી શક્યાં નહીં અને પાર્ટીને ત્રણ મહત્વની બેઠક ગુમાવવાનો વારો આવ્યો.

કોંગ્રેસ ભલે ગત ચૂંટણી કરતા સારો દેખાવ કરી રહી હોય પણ કોંગ્રેસના દિગ્ગજો પૈકી શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને અર્જૂન મોઢવાડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાનો પોરબંદર બેઠક પરથી પરાજય થયો છે. તેમને ભાજપના બાબુ બોખિરીયાએ 1855 મતોની સરસાઈથી પરાજય આપ્યો છે. પૂર્વ સીએમ અને ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ તેમની ડભોઈ બેઠક જાળવી શક્યા નથી. તેમનો 2839 મતોથી પરાજય થયો છે. ઉપરાંત શક્તિસિંહ ગોહિલનો પણ માંડવી બેઠક પરથી પરાજય થયો છે. તેમને ભાજપના ઉમેદવાર જાડેજા વીરેન્દ્રસિંહે આશરે 10 હજાર મતોથી પરાજય આપ્યો છે.

રસાકસી ભર્યા આ ચૂંટણી જંગમાં જનતાએ પોતાના મતની તાકાત બતાવી છે. જ્યાં સુધી અર્જૂન મોઢવાડિયાનો સવાલ છે ત્યાં સુધી તેમને મતદાનના દિવસે જ પોતાનો પરાજય થશે તેમ લાગી રહ્યું હતું. કારણકે, પોરબંદર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બાબુ બોખિરીયાની તરફેણમાં મતદાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું હતું. અને પરિણામ પણ એ પ્રમાણે જ સામે આવ્યું છે.

જ્યારે શક્તિસિંહ ગોહિલને હરાવવામાં અમિત શાહની રણનીતિ કામ કરી ગઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. શક્તિસિંહને છેલ્લી ઘડીએ તેમની બેઠક બદલવાનું ગણિત પણ નડ્યું હોય તેમ રાજકીય પંડિતોનું માનવું છે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા તુષાર ચૌધરી પણ તેમની બેઠક નથી જાળવી શક્યા. તેમને ભાજપના ઉમેદવાર મોહન ઢાડિયાએ 6433 મતોથી પરાજય આપ્યો છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસના અનેક દિગ્ગજોને પરાજયનો સામનો કરવો પડ્યો છે. જેમાં રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુનો પણ સમાવેશ થાય છે. ગત ચૂંટણી કરતાં કોંગ્રેસનું પ્રદર્શન ચોક્કસ સકારાત્મક રહ્યું છે પરંતુ સ્થિતિ કોંગ્રેસને ખૂંચી રહી હોય તેમ જણાય છે. જોકે ગુજરાતની જનતાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, પ્રજા માટે  કામ કરે તેવા જ ઉમેદવારને જનતા પસંદ કરશે અન્યોને જાકારો આપશે.

(અહેવાલ- મંગલ પંડ્યા)