પ્રચારસામગ્રી… રોજગારીનું એક અનોખું માધ્યમ

૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઈ ટેક પ્રચાર જોવા મળ્યો છે.. વ્હૉટ્સઍપ, ફેસબુક, ટીવીની જાહેરખબરો દ્વારા સતત મતદારો પર છવાઈ જવાના પ્રયત્નો થયા. જુદા જુદા ફોન નંબરોના ગ્રુપમાં બલ્ક મેસેજ દ્વારા નાની નાની વિડિયો ક્લિપ્સ દ્વારા પણ દરેક પક્ષે પોતાની વાત રજૂ કરી.

સૌથી મહત્વની વાત એ છે કે હજુય પ્રચાર માટે પરંપરાગત સાધનો સક્રિય છે, જેનો નજારો પક્ષનાં કાર્યાલયો બહાર જોવા મળે છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યાલય પણ વધુ સક્રિય જોવા મળ્યું, સાથે કાર્યાલયની બહાર ચૂંટણીપ્રચાર માટેની સામગ્રીનો એક ખૂમચો જોવા મળ્યો.

કાર્યકર્તા અને નેતાઓની આવન-જાવન વચ્ચે આ પ્રચારસામગ્રીનું એક ટેબલ સૌનું ધ્યાન ખેંચતું…

ટોપી, ટી-શર્ટ, સાટિનના ખેસ, ખાદીના ખેસ, મોબાઈલ પર લગાડવાનાં સ્ટિકર, ધાતુ-એક્રેલિકના બિલ્લા, નાના-મોટા ધ્વજ, હાથ પર પહેરવાના બેલ્ટ-પટ્ટા જેવી બાવીસ કરતાં પણ વધુ પ્રચારસામગ્રી વેચતા એક વૃદ્ધ હનીફ ચાચા આ ખૂમચા પર જોવા મળ્યા…

આ નેટ-ચૅટના યુગમાં પ્રચારસામગ્રીનો વકરો કેવોક થાય છે?

એવું પૂછ્યું તો ત્યારે હનીફ ચાચા ‘ચિત્રલેખા’ને કહે કે આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતા-કાર્યકરોમાં કંઈક જુદો જ ઉત્સાહ જોવા મળ્યો છે. ડિજિટલ પ્રચાર સાથે પોતાના પક્ષના પ્રચાર માટે વસ્ત્રો પર ખેસ, બિલ્લા, ટોપીઓ, મોબાઈલ પર સ્ટિકર અને ગાડીઓ પર ધ્વજ તો પ્રત્યક્ષ રીતે લોકોનું ધ્યાન ખેંચવા મદદ કરે એટલે આ પ્રચારસામગ્રીનો આ વખતે પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. અંદાજે ચારએક હજારનો સામાન તો દરરોજ વેચાઈ જાય છે.

આ ચૂંટણીનાં પરિણામ પછી કોંગ્રેસ આવે કે ભાજપ, પણ એક વાત ચોક્કસ છે કે ડિજિટલ માધ્યમથી પ્રચાર કે પરંપરાગત સામગ્રીનું વેચાણ, એ મોટા પ્રમાણમાં રોજગારી અવશ્ય પૂરી પાડે છે.

(અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)