ભાજપના ગઢ સૂરતમાં કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

સૂરત-ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો મંગળવારનો અંતિમ દિવસ સૂરત માટે રોચક બની રહ્યો હતો. અંતિમ દિવસે ઉમેદવારીપત્ર ભરવા જતાં ઉમેદવાર અને તેમના સમર્થકોમાં ઉત્સાહના ઘોડાપૂર ચૂંટણી જીતી ગયાં હોય તેવા ઉમંગભર્યાં હતાં.

વાત કરીએ સૂરતના વરાછા વિધાનસભા બેઠક માટે ફોર્મ ભરવા ગયાં તેની… તો એ ભાજપના ઉમેદવાર કાનાણીની રેલીનો જવાબ આપતાં હોય તેવાં દ્રશ્યો દેખાયાં હતાં. કોંગ્રેસ ધીરુ ગજેરાને પહેલાં જાહેર કરેલા ઉમેદવારને રદ કરી ફરી ટિકીટ આપી છે. ગજેરાના રોડ શૉ દ્વારા પાટીદારોનું આ વિસ્તાર પરનું વર્ચસ્વ જણાવવાનો પણ તેમાં ઇરાદો હતો.

ગજેરાની રેલી ઢોલનગારાં સાથે નીકળી હતી. ઘીરુગજેરા જીપમાં સવાર થઇને પાટીદારોનું અભિવાદન સ્વીકારતાં હતાં અને તેમની આગળપાછળ હજારોની સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો બાઇક લઇને અને ચાલતાં જોડાયાં હતાં.

કોંગ્રેસે પહેલાં જાહેર કરેલાં ઉમેદવાર પ્રફુલ તોગડીયા વીએચપીના પ્રવીણ તોગડીયાના પિતરાઇ ભાઇ છે.પણ પાસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયે ભારે હલ્લો બોલાવાતાં કોંગ્રેસ દબાણમાં આવી ગઇ હતી અને રાતોરાત ટિકીટ બદલી નાંખવી પડી છે.

ધીરુ ગજેરાનું રાજકીય મૂળ જોઇએ તો તેઓ મૂળ તો ભાજપ તરફથી ત્રણવાર ધારાસભ્ય બની ચૂક્યાં છે. પરંતુ મોદી યુગમાં તેમને જચ્યું નહીં અને 2002માં પાર્ટી બદલી હતી. વરાછા બેઠક જીતવી પાટીદારોના ટેકા વિના સંભવ ન હોવાથી હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ બેઠક જીતવા બરાબરીને જંગ બની રહેશે.