બે નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ભાજપની યોજના

ગાંધીનગરવિધાનસભાની 182 બેઠકોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે, સત્તાધારી પક્ષ ભાજપ 150 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે મહેનત કરી પરંતુ 99 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. હાલમાં મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીને ચાલુ રાખવા પડે તેમ છે અને નીતિનભાઈ પટેલને નાયબ મુખ્યપ્રધાન તરીકે ચાલુ રાખવામાં આવે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ આ વખતે સંગઠનને વધુ મજબૂત કરવા માટે બે ડેપ્યુટી સીએમ બને તેવી યોજના પર વિચાર ચાલી રહ્યો છે.આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 60 બેઠકોથી વધી 80 બેઠકો સુધી પહોંચવામાં સફળતા મળી છે. ગુજરાતની પ્રજાએ બન્ને પક્ષમાં બેલેન્સ કરી ચૂકાદો આપી છે. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોય તેવા ધારાસભ્યોને પ્રજાએ હાર આપી છે. માત્ર સી.કે.રાઉલજી એક જીત્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ નવા યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલ પ્રચારથી કોંગ્રેસને ફાયદો થયો છે.ભાજપ દ્વારા શપથવિધિની તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. આગામી બે દિવસમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળનાર છે. આ બેઠકમાં નવા નેતાની વરણી કરવામાં આવશે. ત્યારબાદ નવા પ્રધાનમંડળના નામોની જાહેરાત કરવામાં આવશે. 25 ડિસેમ્બરના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈનો  જન્મ દિવસ છે. તે દિવસે શપથવિધિ થાય તેવી શકયતાઓ છે. અને તે પ્રમાણે તૈયારીઓ શરૂ કરાઈ છે. આ વખતે બે નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેવી ચર્ચા હાથ ધરવામાં આવી છે.
નવું પ્રધાનમંડળ અને તમામ ચૂંટાયેલા ધારાસભ્યો વિધાનસભાના નવા સંકુલમાં બેસશે. આ વિધાનસભાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં 182 બેઠકોની વ્યવસ્થા હતી, તેમાં વધારો કરી 220 બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. એની પાછળ 120 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.