સૂરતના આ ઉમેદવારની રેલી ભાજપ માટે બની આકર્ષણનું કેન્દ્ર

સૂરત-રાજકીય ચોપાટમાં કયારે બાજી બદલાય તેનું ખુલ્લું ગણિત હોતું નથી. આ વાતની પ્રતિતી સૂરતમાં થઇ ગઇ છે. ચૂંટણીની તારીખ નજીક આવતાં ઉમેદવારી પત્રો ભરાઇ રહ્યાં છે. જેમાં સૂરતમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારના દ્રશ્યો કંઇક વિશેષ ઇંગિત કરી રહ્યાં હતાં.કુમાર કાનાણીની ઉમેદવારીપત્ર ભરવા માટેની રેલી જ્યાંથી નીકળી તે સ્થળ એ છે જ્યાં પાટીદારો એકસમયે બીજેપી નેતાઓને પગ પણ મૂકવા દેતાં ન હતાં. કાનાણી સાથે તેમની સાથે આવેલાં કાર્યકરો પાટીદાર પ્રભુત્વવાળા સરથાણા અને વરાછા વિસ્તારમાંથી પસાર થયાં હતાં. આ વિસ્તારમાંથી જ અમિત શાહ અને વિજય રુપાણી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર થયો હતો જેને પગલે તેઓએ અહીંથી નીકળી જવું પડ્યું હતું.આ એ વિસ્તાર છે જ્યાં ભાજપ સામે આ વિસ્તારમાં ન આવવા માટેના બેનરો લગાવવામાં આવ્યાં હતાં. અહીં આવનાર ભાજપ કાર્યકર્તા-નેતાને ખુલ્લી ધમકી અપાતી હતી કે અહીં આવશો તો બચીને નીકળવાની તેની પોતાની જવાબદારી રહેશે. આ સંજોગોમાં વિશાળ રેલી સાથેની કાનાણીની રેલીની તસવીરો વાઇરલ બની ગઇ હતી અને તેમના સમર્થકોનો દાવો છે કે કાનાણી જ જીતશે.