ભાજપના ઉમેદવારોની પસંદગી બાદ નારાજ લોકોને મનાવવાનું શરૂ

ગાંધીનગર– આગામી વિધાનસભાની યોજાનાર ચૂંટણીમાં શુક્રવારે ભાજપ દ્વારા 89 બેઠકોમાંથી 70 બેઠકોના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી. આ જાહેરાત થતાની સાથે જ 30 કરતા વધારે બેઠક ઉપર નાના મોટા વિરોધના વંટોળ શરૂ થઇ ગયા છે. પક્ષમાં નારાજ કાર્યકરોનો વિરોધ વંટોળ મુખ્યત્વે કોંગ્રેસ પક્ષમાંથી આવતાં ઉમેદવારોને તાત્કાલિક ટિકિટ આપવાની સીસ્ટમ અને ચાર-પાંચ ટર્મથી આવતાં લોકોને ફરીથી રીપીટ કરવા સામે છે. પણ હાલ તો ભાજપ દ્વારા જે 70 નામ જાહેર થયા તેમાં જ વિરોધ થયો છે, અને નારાજ લોકોને મનાવવા અને વધુ ડેમેજ કન્ટ્રોલને બચાવવા ભાજપનું મોવડીમંડળ હાલ તો મેદાનમાં છે.ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ છેલ્લા ઘણાય દિવસથી સતત  ભાજપ કાર્યાલય ખાતે તેમજ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ઉમેદવારોની પસંદગી પ્રકિયા ચાલી રહી છે. હજુ 19 ઉમેદવારોની યાદી બાકી છે, આ ઉમેદવારોની યાદી ગમેત્યાર જાહેર થશે.
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજકીય ઉત્તેજનાના માહોલ વચ્ચે ચૂંટણી જંગ વધુ ને વધુ કસમક્સ ભર્યો બની રહેશે તેમ સ્પષ્ટ  દેખાઈ રહ્યું છે. જ્ઞાતિવાદ અને આંદોલનનો મુદ્દો પણ ચૂંટણી જંગમાં અગત્યનો બનતા મતદારોના મિજાજને કળીને વિશેષરૂપે જ્ઞાતિવાદના સમીકરણોને સેટ કરી ટિકિટ આપવાની વિચારધારા રાજકીય મુખ્ય પક્ષોએ અપનાવી છે. ગુજરાત ભાજપમાં ઉમેદવારોની જાહેરાત બાદ અંદરોઅંદર ઉભી થએલી  વિખવાદની પરિસ્થિતિને હલ કરવા પક્ષના મોવડીઓ દ્રારા સતત કાર્યકરો સાથે સંપર્ક (ડેમેજ કંટ્રોલ) કરી સમજાવી ચૂંટણીમાં ઉમેદવારને જીતાડવાની કામગીરીમાં લાગી જવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
ભાજપ પક્ષમાં મોવડીઓનું પણ રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં બેઠકો તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આવા સંજોગોમાં ભાજપમાં ટિકિટ ફાળવણીના અંતે બાકી ઉમેદવારોની જાહેરાત બાદ પણ અસંતોષ ઉભો થાય તેવી શક્યતાઓ છે. પક્ષમાં પેનલ બનાવી જે નામો રજૂ કરાયા છે, તે સિવાયના નામોની પસંદગી પણ થાય તેમ દેખાઈ રહ્યું છે.
પક્ષમાં અપેક્ષિત ઉમેદવારોને ટિકિટ આપવામાં ન આવે તેવા સંજોગોમાં પક્ષમાં બળવાની  સ્થિતિ ઉપસ્થતિ થાય છે. આ બાબતની પક્ષ દ્રારા ચૉકક્સ તકેદારી રાખી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. આ 70 ઉમેદવારોની પસંદગીની જાહેરાત બાદ જ્યાંજ્યાં પક્ષમાં નારાજગી છે તેના કયા કારણો છે તે ધ્યાને લઇ હવે પછીના ઉમેદવારોની પસંદગીમાં તકેદારી રાખવામાં આવશે. ભાજપના કાર્યકરોમાં આ વખતે એક વિષેશ લાગણી એવી છે કે સ્થાનિક ઉમેદવારને જો પસંદ કરવામાં આવશે તો સાથે રહી કામ કરશે. જો બહારના ઉમેદવારોને ઉતારવામાં આવશે તો કાર્યકરો કામ કરશે નહિ. આમ આવી પરિસ્થિતિમાં હવે એ જોવાનું રહ્યું કે પક્ષ આગામી પસંદગી કેવી રીતે કરે છે.