નરેન્દ્ર મોદીના સત્તાના કાર્યકાળના પચીસ વર્ષઃ ‘આપણું ગુજરાત-આગવું ગુજરાત’ થી ‘વિકસિત ભારત’ સુધી…

7 ઓક્ટોબર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના સત્તાના કાર્યકાળના પચીસ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ભારતીય રાજકારણમાં આ એક વિરલ ઘટના છે, જ્યારે કોઇ વ્યક્તિ સતત આટલો લાંબો સમય સત્તામાં રહી હોય. આ પચીસ વર્ષમાં નરેન્દ્ર મોદી રાજકારણી તરીકે નહીં, પણ એક એડમિનિસ્ટ્રેટર તરીકે કેવા રહ્યા?

7 ઓક્ટોબર, 2001ના રોજ ગાંધીનગરમાં ટાઉનહોલ પાછળના ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના ચૌદમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી સમારોહમાં એકત્ર થયેલા લોકોને સંબોધતા એમણે સૂત્ર આપેલુઃ આપણું ગુજરાત, આગવું ગુજરાત. એ પછી 12 વર્ષ અને લગભગ આઠ મહિનાના એમના મુખ્યમંત્રી તરીકેના કાળમાં ગુજરાતમાં જે કાંઇ બન્યું એ ઇતિહાસ છે.

એ પછી 26 મે, 2014ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એમણે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીઘા એ વાતને આગામી 7 ઓક્ટોબરે 12 વર્ષ અને ચાર મહિના થશે. વડાપ્રધાન તરીકે હવે એમણે આપેલું સૂત્ર છેઃ વિકસિત ભારત.

7 ઓક્ટોબર, 2001થી 7 ઓક્ટોબર, 2026. નરેન્દ્ર મોદીના સત્તાકાળના પચીસ વર્ષ એ ભારતીય રાજકારણની એક અનન્ય ઘટના છે. ભારતના કે વિશ્વના રાજકારણમાં, કોઇ એક રાજકારણી સતત પચીસ વર્ષ સુધી સત્તાસ્થાને ટકી રહે એવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે. આપણું ગુજરાત, આગવું ગુજરાતના નારાથી શરૂ થયેલી એમની સત્તાકાળની યાત્રા વિકસિત ભારતના નારા સુધી આપી પહોંચી છે.

નરેન્દ્ર મોદી આટલો લાંબો સમય સુધી સત્તામાં કઇ રીતે રહી શક્યા, પહેલાં ગુજરાતમાં અને પછી દેશભરમાં વ્યક્તિગત રીતે આટલો લાંબો સમય લોકપ્રિયતા કેવી રીતે ટકાવી શક્યા કે કઇ રીતે એ ચૂંટણીઓ સતત જીતતા રહ્યા એ વિશે, એમના જાહેરજીવન વિશે અને એમના રાજકારણ વિશે અઢળક લખાયું છે એટલે આજે એની વાત નથી કરવી. આજે વાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરવી છે, એમના આ બન્ને કાર્યકાળની કરવી છે એટલે સત્તામાં રહીને નરેન્દ્ર મોદીએ શું કર્યું, મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે એમની વહીવટી ક્ષમતા કેવી રીતે વિકસી એ જોવાનું વધારે યોગ્ય રહેશે.

નરેન્દ્ર મોદીની સત્તાની શૈલી હંમેશા નવા પ્રયોગો અને અખતરાઓથી ભરપૂર રહી છે. મોટાભાગે સત્તામાં બેઠલા લોકો વહીવટી ધારાધોરણ (પ્રિસિડન્ટ) સાથે બહુ છેડછાડ કરતા નથી. મોદીએ એને વળગી રહેવાના બદલે પોતાનો ચીલો જૂદો ચાતર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીપદે એમણે અનેક એવા કાર્યક્રમો આપ્યા, જે અગાઉ કોઇ મુખ્યમંત્રીએ વિચાર્યા નહોતા. ઉદાહરણ તરીકે, 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ, 1 લી મે ના રોજ ઉજવાતા ગુજરાત દિન કે 15 ઓગસ્ટના રોજ ઉજવાતા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી એમણે પાટનગર ગાંધીનગરમાં જ કરવાના બદલે અલગ અલગ જિલ્લાઓમાં કરવાનું શરૂ કર્યું. મે, 2014માં વડાપ્રધાન બન્યા એ પછી સપ્ટેમ્બરમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નવી દિલ્હીમાં આવકારવાના બદલે અમદાવાદમાં આવકાર્યા. જાપાનીઝ વડાને બનારસમાં ગંગા નદીના કિનારે આરતીમાં જોડ્યા. દિલ્હીમાં વિદેશી વડાની મુલાકાત સામાન્ય રીતે ડ્રાય હોય, પણ મોદી નાના— મોટા સરકારી કાર્યક્રમોને ઇવેન્ટમાં ફેરવી નાખવાની કળા તો ગુજરાતમાં જ સાધી ચૂક્યા હતા. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કોરા ભાષણોથી કરવાના બદલે જિલ્લે-જિલ્લે રંગારંગ-રોશનીથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરવાની પ્રથા એમણે જ શરૂ કરાવી હતી. રાજ્યકક્ષાએ શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ અને કેન્દ્રકક્ષાએ સ્વચ્છતા મિશન અને બેટી બચાવો જેવા સરકારી કાર્યક્રમો-મિશનોમાં પણ પક્ષના કાર્યકર્તાઓ જોડાય, એ રીતે મતદારો સાથેનો એમનો સંપર્ક વધારે જીવંત બને અને ભાજપ સરકારની કામગિરી પક્ષના માધ્યમથી સતત લોકો સુધી પહોંચતી રહે એવી કાર્યશૈલી એમણે અપનાવી. અફકોર્સ, રાજકીય રીતે ચૂંટણી વખતે એનો એમને ફાયદો ય મળ્યો.

પ્રજાના કલ્યાણ અને વિકાસની યોજનાઓ તો દરેક સરકારો ઘડતી આવી છે અને અમલમાં મૂકતી આવી છે એટલે નરેન્દ્ર મોદીએ પણ સરકારમાં રહીને જે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે એમાં કોઇ નવી વાત નથી, પણ અમુક યોજનાઓના અમલીકરણમાં નરેન્દ્ર મોદીએ અનેક નવા વહીવટી પ્રયોગો પણ કર્યા છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણી, ગરીબ કલ્યાણ મેળા જેવી અનેક યોજનાઓમાં અમલીકરણનું માળખું જ એમણે બદલી નાખ્યું. સામાન્ય રીતે મુખ્યમંત્રી, મંત્રીઓ કે સરકારના અધિકારીઓને જાહેર કાર્યક્રમોમાં સ્વાગત- સમ્માન વખતે શાલ, મૂર્તિઓ, મેમેન્ટોની જે ભેટસોગાદો મળે એ નિયમ પ્રમાણે એમણે રાજ્ય સરકારના તોશાખાનામાં જમા કરાવવાની હોય છે, પણ મોટાભાગે કોઇ જમા કરાવતું નથી અને મંત્રી-અધિકારીબાબુની ગાડી ઘરે આવે એટલે એ કિંમતી ભેટો ઘરે જ જમા થતી હોય છે. પરંતુ નરેન્દ્ર મોદીએ તોશાખાનામાં આ ભેટો જમા કરાવવાનો આગ્રહ રાખ્યો એટલું જ નહીં, તોશાખાનામાં આ ચીજો ધૂળ ખાતી રહે એના બદલે એનું ઓક્શન (હરાજી) કરાવીને એમાંથી થતી આવક કન્યા કેળવણીમાં વાપરવાનો નવો જ પ્રયોગ શરૂ કર્યો.

એવી જ રીતે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે લાભાર્થીઓ જે તે સરકારી કચેરીના ધક્કા ખાતા હતા એ ફરિયાદોના ઉકેલ માટે એમણે ગરીબ કલ્યાણ મેળાઓ યોજવાનું શરૂ કર્યું. તાલુકા-જિલ્લા કક્ષાએ આ મેળાઓ યોજાય, ખુદ મુખ્યમંત્રી એમાં હાજર રહે અને સ્થળ પર જ એમના હસ્તે સમાજ કલ્યાણની આવાસ, ગણવેશ, દિવ્યાંગોને ટ્રાઇસિકલ, મહિલા-વૃધ્ધોને સહાય જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અપાય. આ મેળાઓના કારણે જિલ્લા વહીવટી તંત્ર સામેથી લાભાર્થીઓને ગોતતું થયું. ઉત્તર ગુજરાતમાં માણસા ખાતે યોજાએલા આવા જ એક મેળામાં નરેન્દ્રભાઇએ કહેલું કે, વહીવટી દ્રષ્ટિએ આખા દેશમાં હાથ ધરાયેલો આ નવો જ પ્રયોગ છે, જેમાં લાભાર્થી તંત્ર પાસે નહીં, તંત્ર સામે ચાલીને લાભાર્થી પાસે જાય છે. આ પ્રયોગનું એકેડેમિક કક્ષાએ યોગ્ય સંશોધન અને મૂલ્યાંકન થવું જોઇએ.

મુખ્યમંત્રી તરીકે આવા બધા પ્રયોગોમાં મળેલી સફળતા અને અનુભવ એમને વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં પણ કામ લાગ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મેન્ડટ અને કાર્યશૈલીમાં ફરક હોય છે. કેન્દ્ર સરકાર મોટાભાગે ફંડિગ આપે છે, જ્યારે એનો અમલ કરવાનું કામ રાજ્ય સરકાર પાસે હોય છે એટલે વડાપ્રધાન તરીકે એ મુખ્યમંત્રી તરીકે જે રીતે કામ કરતા એ રીતે ન કરી શકે, પણ આમ છતાં સરકારી કાર્યક્રમોને એક ઇવેન્ટમાં ફેરવીને લોકો સાથે સીધો જ સંવાદ કરવાની કાર્યશૈલી એમણે વડાપ્રધાન તરીકે પણ જાળવી રાખી છે અને શક્ય એટલા નવા પ્રયોગો કર્યા છે. ઉદાહરણ તરીકે, 1 જૂલાઇ, 2017થી દેશવ્યાપી જીએસટી લાગુ પડ્યો એને ક્રાંતિકારી આર્થિક સુધારા તરીકે રજૂ કરવા 30 જૂનની મધ્યરાત્રિએ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું. મધરાતે બરાબર બારના ટકોરે આ બિલ પાસ કરાવીને આ સુધારાને સંસદીય ઇતિહાસમાં યાદગાર બનાવ્યો. વિદેશ નીતિના ક્ષેત્રે એક સમયે ફક્ત વિદ્વાનો અને રાજદ્વારીઓ પૂરતી જ મર્યાદિત રહેતી વિદેશી વડાઓ સાથેની મુલાકાતોને એમણે ભવ્ય બનાવી. વિદેશની મુલાકાતો વખતે સ્થાનિક ભારતીયો (એનઆરઆઇ) દ્વારા સ્વાગત અને એમની સાથે સંવાદ એ એમની નવી પહેલ છે. ઘરઆંગણે સ્વચ્છતા મિશન, બેટી બચાવો-બેટી પઢાવો જેવા સામાજિક મિશનમાં સેલેબ્રિટીઓ અને સમાજના જાણીતા લોકોને જોડીને એના અમલીકરણમાં નવી તરેહ વિકસાવી. આ સમયગાળામાં દેશમાં મોટાભાગના રાજ્યોમાં ભાજપની કે ભાજપ ભાગીદાર હોય એવી સરકારો રહી એટલે ગ્રાઉન્ડ પર એનું અમલીકરણ પણ એમના માટે સરળ બન્યું. સરકાર કોઇને નોકરી આપે ત્યારે નોકરીની નિમણૂંકનો પત્ર સાદી ટપાલથી (હવે ઇ-મેઇલથી) ઘરે આવે એવી બધાને આદત હતી. નરેન્દ્ર મોદીએ રોજગારીના પત્રો આપવાના પણ સમારંભો યોજીને લોકો તો ઠીક, વહીવટી તંત્રને પણ નવા આશ્ચર્યો આપ્યા છે!

નરેન્દ્ર મોદી સાથે નજીકથી કામ કરનાર લોકો જાણે છે કે એ બહુ ઓર્ગેનાઇઝ્ડ છે અને ટેકનોસાવી છે. દરેક બાબત વિચારપૂર્વક, ઝીણવટથી આયોજન કરીને અમલમાં મૂકે છે. આ આદતનો ફાયદો એમને વહીવટમાં પણ મળ્યો-ફળ્યો છે. યોજનાઓના અમલીકરણમાં રાજ્ય સરકારો, અનેક વિભાગો, એજન્સીઓ સામેલ હોય એટલે મુખ્યમંત્રી હતા ત્યારે જે રીતે સીધી નજર રાખી શકતા એ રીતે વડાપ્રધાન તરીકે યોજનાના અમલીકરણ પર સીધી નજર રાખવાનું શક્ય નથી, પણ મોટી મહત્વની રાષ્ટ્રીય યોજનાઓ પર નજર રાખવા એમણે વડાપ્રધાન તરીકે પ્રગતિ પ્લેટફોર્મ અપનાવ્યું છે. આ પ્લેટફોર્મ એક અર્થમાં ડિજિટલ ડેશબોર્ડ છે. મહત્વની યોજનાઓના તમામે તમામ વિગત એના પર અપડેટ થતી રહે છે. નરેન્દ્ર મોદી નિયમિત રીતે પ્રગતિ પ્લેટફોર્મ દ્વારા, સંબંધિત મંત્રીઓ, રાજ્યના મુખ્ય સચિવો અને સંબંધિત અધિકારીઓ-એજન્સી સાથે ઓનલાઇન મિટીંગના માધ્યમથી આ યોજના ક્યાં સુધી પહોંચી, કેટલું કામ પૂર્ણ થયું કે કેટલું બાકી છે એનો રિયલ ટાઇમ ડેટા સાથે રિવ્યૂ કરે છે.

સત્તામાં રહીને વિકસાવેલી નવીનતમ કાર્યશૈલી, નવા પ્રયોગો અમલમાં મૂકવાની હિંમત અને આયોજનની ક્ષમતાની સાથે સાથે નરેન્દ્ર મોદીએ પચીસ વર્ષના સત્તાકાળમાં એડમિનિસ્ટ્રેટર તરીકે એક નોખી ભાત ઉપસાવી છે. ખાસ કરીને નક્કી કરેલા ટાસ્ક નિયત સમય મર્યાદામાં પૂરા કરવા-કરાવવા. ઉદાહરણ તરીકે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્ય એની સ્થાપનાના પચાસ વર્ષની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે નરેન્દ્રભાઇએ 1 મે, 2010ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું ભૂમિપૂજન કરેલું. એમના મનમાં સ્પષ્ટ હતું કે 2011ના જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આ મહાત્મા મંદિરમાં જ યોજવી. એમના સાથી મંત્રીઓ-ઉદ્યોગ વિભાગના અધિકારીઓને પણ શંકા હતી. ફક્ત આઠ મહિના અને અગિયાર દિવસના સમયગાળામાં આટલું વિશાળ સંકુલ બાંધવું કોઇપણ કન્સ્ટ્રક્શન કંપની માટે પડકાર હતો, પણ એમણે આ ટાસ્ક પૂરો કરાવ્યો અને 12 જાન્યુઆરી, 2011ના રોજ વટથી એમણે મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ યોજી.

કડક ટાસ્કમાસ્ટર તરીકે અધિકારીઓને સતત દોડતા રાખવાની એમની આદતના કારણે એ વહીવટીતંત્ર પાસે ધાર્યું કામ, ધાર્યા સમયમાં કરાવી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો એક કિસ્સો જાણી લોઃ રાજ્યના મુખ્ય સચિવ રહી ચૂકેલા એક અધિકારી એકવાર મોડી રાત, લગભગ મધ્યરાત્રિ સુધી એમની સાથે મુખ્યમંત્રીના બંગલોમાં મિટીંગમાં હતા. સતત પ્રેઝન્ટેશનથી થાકેલા મુખ્યમંત્રી મિટીંગ પતાવીને ઘરે જવા નીકળ્યા ત્યારે નરેન્દ્રભાઇએ એમને પ્રેઝન્ટેશનમાં સૂચવેલા ફેરફારો સાથે સવારે સાડા નવે સચિવાલયમાં હાજર રહેવાનું ફરમાન કર્યું. એ અધિકારીને અરધીરાત્રે વગર ઉનાળે પરસેવો છૂટી ગયેલો!

સત્તામાં બેઠેલી વ્યક્તિ માટે નિર્ણય લેવાની ક્ષમતા હોવાની સાથે સાથે પોતાના નિર્ણયમાં વિશ્વાસ રાખવાની ક્ષમતા હોવી પણ જરૂરી છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આ ક્ષમતા પણ વિકસાવી છે. એમના સત્તાના કાર્યકાળમાં હાથ ધરાયેલા અનેક મહત્વકાંક્ષી પ્રકલ્પો જેવા કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, નવી દિલ્હીમાં ભારત મંડપમ, મહત્વના રાષ્ટ્રીય માર્ગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની યોજનાઓની જાહેરાત થઇ ત્યારે વિપક્ષ તો છોડો, એમના જ પક્ષના લોકો અને સરકારના મંત્રીઓને ખાનગીમાં એ હવાઇતુક્કા જેવી લાગતી. એમને લાગવાનું કારણ પણ હતું કેમ કે નરેન્દ્ર મોદીની દરેક યોજનાની જાહેરાત યોજના જેટલી જ ગ્રાન્ડ હોય, ભવ્ય રીતે કરાય એટલે સામેવાળાને લાગે કે આવું તે કાંઇ થોડું શક્ય છે! પરંતુ નરેન્દ્ર મોદી એને સાંભળ્યું ન સાંભળ્યું કરીને નક્કી કરેલા માર્ગે આગળ વધે છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં એમણે જ્યારે ગિફ્ટ સિટીની જાહેરાત કરી ત્યારે ફિન-ટેકના નિષ્ણાતો પણ મોં આડે રૂમાલ રાખીને હસતા હતા કે મુંબઇ-દિલ્હી-ચેન્નઇ-હૈદરાબાદ છોડીને કંપનીઓ ગાંધીનગર શું કામ આવે? આજે એ જ ગિફ્ટ સિટીમાં વિશ્વની ટોચની સોફ્ટવેર અને ફાઇનાન્સ કંપનીઓ એમની હાજરી ધરાવે છે. કચ્છના રણોત્સવ અંગે અધિકારીઓ ખાનગીમાં મોં વકાસતા હતા કે ત્યાં રણમાં કોણ ફરવા આવશે? આજે ડીસેમ્બર-જાન્યુઆરીમાં રણોત્સવમાં બુકીંગ હાઉસફૂલ થાય છે. વડાપ્રધાન તરીકે એમણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરી ત્યારે લોકો શંકા કરતા હતા કે, દેશની પ્રજા હજુ પૂરતી સાક્ષર નથી ત્યાં ડિજિટલ કેમનું સફળ થશે? આજે યુપીઆઇ અને રૂ-પે કાર્ડના કારણે આર્થિક ક્ષેત્રે થતા વ્યવહારોમાં ક્રાંતિ સર્જાઇ છે.

અલબત્ત, આ યોજનાઓના વાસ્તવિક અમલ અને સફળતાના આંક વિશે મતમતાંતર હોઇ શકે અને હોય જ. દરેક યોજના સોએ સો ટકા સફળ થઇ છે એવું પણ ન કહી શકાય, પણ અહીં વાત યોજનાના મૂલ્યાંકનની નથી, એના અમલીકરણની પધ્ધતિની છે. એમાં અમલમાં મૂકાયેલી કાર્યશેલીની છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ અપનાવેલી વહીવટી શૈલીની છે.

એમના સત્તાના આ પચીસ વર્ષના કાર્યકાળમાં સફળતા-નિષ્ફળતાના લેખાંજોખા અનેક લોકો કરતા આવ્યા છે અને કરતાં રહેશે. એનું મૂલ્યાંકન થવું જ જોઇએ, પણ એ હકીકત છે કે આ પા દાયકામાં નરેન્દ્ર મોદી સત્તાની સાથે સાથે ભારતીય રાજકારણના કેન્દ્રમાં પોતાની જાતને ધરીસ્થાને ગોઠવી ચૂક્યા છે. રાજકારણમાં જેમ ચૂંટણી વખતે મતોનું ધ્રુવીકરણ થાય એમ એમના પચીસ વર્ષના શાસનકાળમાં એમને મૂલવનારા વર્ગનું ય સ્પષ્ટ ધ્રુવીકરણ થયું છેઃ કાં તો તમે એમના વહીવટના વખાણ કરો છો, કાં તો તમે એમની ટીકા કરો છો. એમના એક પાસાંના વખાણ અને બીજા પાસાંની ટીકા એવું શક્ય નથી!

કદાચ આ જ બાબત નરેન્દ્ર મોદીને એમના પુરોગામીઓ કે સમકાલીનોથી એમને અલગ પાડે છે. કદાચ આ જ બાબત છે, જેના કારણે મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેનો નરેન્દ્ર મોદીનો આ પચીસ વર્ષનો કાર્યકાળ ભારતીય રાજકારણના ઇતિહાસમાં કાયમ ચર્ચાના કેન્દ્રમાં રાખે છે.

-કેતન ત્રિવેદી (ગાંધીનગર)