ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દર વખતે નોર્મલી ચર્ચા એવી થતી હોય છે કે આ વખતે ભાજપની બેઠક વધશે કે ઘટશે? મોદી અને અમિત શાહ છેલ્લી ઘડીએ કેવા દાવ મારશે? કોંગ્રેસનો ગજ વાગશે કે નહીં? આ વખતે જો કોંગ્રેસ કાંઇ નહીં કરી શકે તો પતી ગયું! કોંગ્રેસ જ પાણીમાં બેસી જાય છે! વગેરે વગેરે…
પણ આ વખતની ચૂંટણીમાં સૌથી વધારે જો કોઇ ચર્ચા થતી હોય તો એ છે આમ આદમી પાર્ટીની ત્રીજા પરિબળની. આમ આદમી પાર્ટી કાંઇ ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી નથી લડતી. અગાઉ પણ એના ઉમેદવારો વિધાનસભા-લોકસભામાં લડ્યા છે. એ વાત જૂદી છે કે એમની ના તો કોઇએ નોંધ લીધેલી કે ના તો ચૂંટણીના ગણિતમાં એમના ઉભા રહેવાનું કોઇ વજૂદ હતું. આ વખતે પણ, છેક હમણાં સુધી આપની હાજરીને કોઇ ગંભીરતાથી લેતું નહોતું. આપ બહુ બહુ તો સત્તા વિરોધી મત મેળવીને કોંગ્રેસના જ મત તોડશે એમ માનીને ભાજપના નેતાઓ મૂછમાં હસતા હતા, પણ જે રીતે છેલ્લા બે મહિનામાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહિલાઓને, આદિવાસીઓને, વેપારીઓને, શિક્ષકોને ગેરેંટી આપવાની શરૂ કરી, જે રીતે ગુજરાતમાં પણ શિક્ષણ-પાણી-વીજળી ફ્રી આપવાની વાત કરી અને એને સોશિયલ મિડીયામાં જે રિસપોન્સ મળ્યો એ પછી આપ અચાનક જ ચૂંટણીના મેદાનમાં કેન્દ્રસ્થાને આવી ચૂકી છે. જે ભાજપના નેતાઓ આપને જવાબ આપવાની ય તસદી લેતા નહોતા એ ભાજપનું આઇટી સેલ અચાનક કોંગ્રેસના બદલે આપને ટાર્ગેટ કરવા લાગ્યું અને ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો સોશિયલ મિડીયામાં ફેરવવા માંડ્યું. વિધાનસભાની ચૂંટણી જો સોશિયલ મિડીયામાં લડાતી હોય તો લડત ભાજપ અને આપ વચ્ચે જ છે એવું લાગે!
તો, આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો સવાલ એ જ છેઃ આપ કા ક્યા હોગા?
ગુજરાતના રાજકારણમાં ત્રીજો પક્ષ કે ત્રીજું રાજકીય પરિબળ ક્યારેય ફાવ્યું નથી એવું હંમેશા કહેવાતું આવ્યું છે, પણ આપની હાજરીએ આ વખતે રાજકીય સમીક્ષકોને આ મુદ્દે વિચારતા કરી દીધા છે. એમ તો, અગાઉ પણ 1998માં શંકરસિંહ વાઘેલાનો રાજપા અને 2012માં કેશુભાઇ પટેલની પરિવર્તન પાર્ટી મેદાનમાં હતા, પરંતુ આ બન્ને પરિબળ ભાજપના જ અંગ હતા અને પક્ષના આંતરિક બળવાનું પરિણામ હતા. એ દ્રષ્ટિએ, ગુજરાતમાં સાચા અર્થમાં ત્રિપાંખીયો જંગ છેલ્લે 1990માં ભાજપ-કોંગ્રેસ અને ચીમનભાઇ પટેલના જનતાદળ વચ્ચે યોજાએલો. એ પછી ચૂંટણી ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ લડાતી આવી છે.
હવે 2022માં આપની હાજરીના કારણે ચૂંટણી જંગ ફરીથી ત્રિપાંખીયો બનવા જઇ રહ્યો છે ત્યારે કેવાક રચાઇ શકે નવા રાજકીય સમીકરણો? શું છે એના રાજકીય સૂચિતાર્થો?
એકઃ આપ ખેલ બગાડશે, પણ કોનો?
કોઇપણ ચૂંટણીમાં ત્રીજું પરિબળ (કે અપક્ષ ઉમેદવારો) કાયમ જીતવા માટે નથી લડતા. એમનું કામ કાં તો કોઇને જીતાડવાનું અને કાં તો કોઇને હરાવવાનું હોય છે. અંગ્રેજીમાં આપણે જેને ‘સ્પોઇલિંગ ફેક્ટર’ કહીએ એ.એનું કામ જ હોય હાર-જીતના સમીકરણો ડહોળી નાખવાનું. ગુજરાતમાં આમ આદમી કેટલી બેઠક જીતે એ પછીની વાત છે, પણ એ ‘સ્પોઇલિંગ ફેક્ટર’ સાબિત થશે એ નક્કી છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં 35 બેઠક એવી હતી, જ્યાં ભાજપ કે કોંગ્રેસના ઉમેદવાર પાંચ હજાર કરતાં ઓછા મતની સરસાઇથી જીત્યા હતા. 63 બેઠક એવી હતી, જ્યાં જીતનું માર્જિન દસ હજાર મત કરતાં ઓછું હતું. આમ આદમી પાર્ટીનો ઉમેદવાર સ્થાનિક સંપર્કો ધરાવતો હોય, થોડોક પોતાની કમ્યુનિટીનો ટેકો મળે તો એના મતથી ભાજપ-કોંગ્રેસના સમીકરણો બગડે. ગઇ ચૂંટણીમાં નોટા (None of the above) ને કુલ મતના 1.71 ટકા એટલે કે 513030 મત મળેલા. જેમ નોટાએ ઘણા ઉમેદવારની હાર-જીતની તકદીર બદલેલી એમ આ વખતે આપ પણ કોઇકના ખેલ બગાડી શકે છે. ધોળકા (ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની બેઠક, જેની મતગણતરીનો કેસ હજુ સુપ્રીમમાં છે), કપરાડા, ડાંગ, માણસા, ગોધરા જેવી અમુક બેઠકમાં જીતનું માર્જિન તો એક હજાર મતથી ય ઓછું હતું. આવી બેઠકોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગંભીરતાથી લડે તો ભાજપની બેઠક કોંગ્રેસના ફાળે અને કોંગ્રેસની બેઠક ભાજપના ફાળે જાય એવું ય બને. કાં તો બેની લડાઇમાં ત્રીજો ફાવે એમ આપનો ઉમેદવાર પણ ‘સરપ્રાઇઝ વીનર’ બનીને બહાર આવી શકે.
અફકોર્સ, આપને મળનારા મત મોટાભાગના સત્તાવિરોધી હોવાના એટલે એ કોંગ્રેસના મત વધારે તોડશે, પણ પક્ષે ફ્રી શિક્ષણ-પાણી-વીજળી દ્વારા ગરીબ અને લોઅર મિડલ ક્લાસને ટાર્ગેટ કર્યો છે એટલે એ સેમી-અર્બન વિસ્તારમાં ભાજપના મત તોડીને અમુક શહેરી બેઠકો પર ભાજપના સમીકરણો પણ બગાડી શકે છે.
બેઃ આપ કા બસ યહી સપના…
આમ આદમી પાર્ટી જીતનો દાવો કરે એ સ્વાભાવિક છે, પણ એનું નેતૃત્વ ગ્રાઉન્ડ રિયાલિટીથી વાકેફ ન હોય એવું માનવાને ય કારણ નથી. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય કક્ષાએ લક્ષ્ય છે ભાજપનો વિકલ્પ બનવાનું. કોંગ્રેસની હાલત જોતાં દેશમાં વિપક્ષના નામે લગભગ શૂન્યાવકાશ છે અને કેજરીવાલ પૂરવા માગે છે. પંજાબની જીત પછી પાર્ટીમાં જોશ પણ છે, પણ આમ આદમી પાર્ટીને હજુ રાષ્ટ્રીય પક્ષ તરીકેનો સત્તાવાર દરજ્જો મળવાનો બાકી છે. આ માટે એમણે વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતના છ ટકા મત મેળવવા પડે. આપ અત્યારે જે જોર લગાવી રહ્યો છે એમાં પહેલું લક્ષ્ય છ ટકા મત મેળવવાનું છે.
ગુજરાતમાં સરકાર બનાવવા માટે 48 થી 50 ટકા મત મેળવવા પડે. ભાજપની સંગઠન શક્તિ અને એના રૂટ્સ જોતાં આપ માટે હજુ એ બહુ અઘરું છે. આપની સ્થાપના થઇ ત્યારથી જ મનીષ સિસોદિયા એકવાત કાર્યકરોને કહેતા આવ્યા છેઃ પહેલીવાર હારવા માટે લડવાનું, બીજીવાર કોઇને હરાવવા માટે લડવાનું અને ત્રીજીવાર જીતવા માટે લડવાનું. આ ચૂંટણી આપ જીતવા કરતાં કોઇને હરાવવા માટે લડતી હોવાનું પૂરવાર થવાની શક્યતા વધારે છે.
ત્રણઃ શું ભાજપ જ ઇચ્છે છે કે આપ મેદાનમાં બની રહે?
ભાજપનું અંતિમ લક્ષ્ય છે કોંગ્રેસનો સફાયો કરી ગુજરાતમાં દાયકાઓ સુધી રાજ કરવાનું, પણ 1995 થી લઇને 2017 સુધીની વિધાનસભાની ચૂંટણીઓના મતદાનના આંકડા કહે છે કે ભાજપના અનેક પ્રયત્ન છતાં કોંગ્રેસ દર ચૂંટણીમાં સરેરાશ 35 ટકાથી વધારે મત અને લગભગ ત્રીજા ભાગની બેઠક મેળવતી આવી છે. માધવસિંહનો 149 બેઠકનો રેકોર્ડ જવા દો, કેશુભાઇનો 127 બેઠકનો રેકોર્ડ હજુ તૂટ્યો નથી. એનો મતલબ એમ કે, ગુજરાતમાં હજુપણ કોંગ્રેસનો એક કમિટેડ મતદાર વર્ગ છે. ભાજપે આ વર્ગના મત તોડવા હોય તો એમાં આમ આદમી પાર્ટી મદદ કરી શકે.
તમે જૂઓ. શરૂઆતમાં ભાજપે આમ આદમી પાર્ટીના કેમ્પેઇન તરફ ધ્યાન ન આપ્યું. નરેન્દ્ર મોદી જાહેરસભાઓમાં સામાન્ય રીતે કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાય કોઇ નાના નેતાઓના નામ બોલીને એમને ભાવ નથી આપતા તો આપનું નામ તો શું કામ બોલે? પણ એમણે રેવડી કલ્ચરનો જે વારંવાર ઉલ્લેખ કર્યો છે એ આપ સામેનું જ નિશાન છે. સીબીઆઇ આ જ સમયે મનીષ સિસોદીયા સહિત આપના નેતાઓને સાણસામાં લઇને મતદારો સમક્ષ હીરો બનવાની તક આપી રહી છે એ અકારણ નથી.
રાજકારણમાં એક વત્તા એક એટલે કાયમ બે જ થાય એ જરૂરી નથી. ભાજપ જે રીતે ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો બહાર લાવીને આપ પર આક્રમણ કરી રહ્યો છે એનાથી ધીમે ધીમે ચિત્ર એવું જ બની રહ્યું છે કે ચૂંટણી જંગ ભાજપ અને આપ વચ્ચે છે. આમ કરીને ભાજપ સરવાળે કોંગ્રેસને જ વધારે હાંસિયામાં ધકેલી રહી છે. વર્તમાન સંજોગોમાં દ્વિપાંખીયા જંગ કરતા ત્રિપાંખીયો જંગ કદાચ ભાજપને વધારે અનુકૂળ બની શકે છે.
નો ડાઉટ, ચૂંટણી જંગ જો સોશિયલ મિડીયામાં છે તો આમ આદમી પાર્ટીએ જંગમાં પોતાની હાજરીથી કોંગ્રેસને હાંસિયામાં ધકેલી છે, પણ ચૂંટણી લડાય છે તો ગ્રાઉન્ડ પર કાર્યકરોના બળથી. એ ગ્રાઉન્ડ પર આપ શું કરી શકે છે એ જોવાનું છે. ત્રીજા પરિબળના કારણે આ વખતે ગુજરાતનો ચૂંટણી જંગ રસપ્રદ તો બન્યો છે એની ના નહીં!
ચાલો ત્યારે, સૌ વાચકોને નવા વર્ષની શુભેચ્છાઓ…
(લેખક ચિત્રલેખા.કોમ ના એડિટર છે.)