– તો, થઇ જાવ તૈયાર. લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો તહેવાર ગણાય છે અને ગુજરાતમાં એ તહેવારની ઉજવણીની ઘડીઓ ગણાઇ ચૂકી છે. ડીસેમ્બર , 2017માં પાટીદાર અનામત આંદોલનના ઓછાયા વચ્ચે ભાજપ માંડ માંડ 99 બેઠક જીત્યો એ પછી 2022 સુધીમાં ગુજરાતના રાજકારણમાં ઘણું બદલાયું. મુખ્યમંત્રી ય બદલાયા. વિજય રૂપાણી ગયા ને ભૂપેન્દ્રભાઇ આવ્યા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાંફી ગયેલા ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી તમામે તમામ 26 બેઠક જીતીને મોદીનો ડંકો વગાડી દીધો છે. 2017માં કોંગ્રેસની ટીકીટ પર ચૂંટાઇને ધારાસભ્ય બન્યા એમાંના કેટલાક આજે ભાજપના ધારાસભ્ય-મંત્રી છે. પાટીદાર આંદોલનના આગેવાનો આંદોલનકારી મટીને રાજકારણી બની ગયા છે અને એક સમયે નરેન્દ્ર મોદી-અમિત શાહ સામે બેફામ વાણી-વિલાસ કરનાર હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાઇ ચૂક્યો છે. ઇન શોર્ટ, આ પાંચ વર્ષના ગાળામાં સાબરમતીના રાજકીય પાણીએ ઘણા પ્રવાહો બદલ્યા છે.
અને, હવે ફરીથી જંગ જામી રહ્યો છે. ભાજપ એનો એ જ છે, કોંગ્રેસ પણ એની એ જ છે. ચહેરાઓ પણ મોટાભાગે એના એ જ છે અને એમ છતાંય 2022 નો ચૂંટણી જંગ ગુજરાતની અગાઉની વિધાનસભા ચૂંટણીઓ કરતાં આ વખતે ઘણો અલગ છે. આમ તો, દર વખતે ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠક મળશે, કોંગ્રેસ કાંઇ કરી શકશે કે નહીં, મોદી છેલ્લી ઘડીએ કેવો દાવ મારશે એવી બધી ચર્ચાઓ થતી હોય છે, પણ આ વખતે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે રાજકીય તખતો બદલાયેલો લાગે છે. મંગળવાર, 1 લી નવેમ્બરે આ લખાઇ રહ્યું છે ત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવું થવું થઇ રહી છે. શક્ય છે કે, તમે આ અંક વાંચતા હશો ત્યારે ચૂંટણી પંચ એની જાહેરાત કરી ચૂક્યું હશે.
આ વખતની ચૂંટણીમાં પણ ભાજપનો હાથ ઉપર હોવાનું સૌ માને છે, પણ એમ છતાં સૌથી વધારે જો કોઇ ચર્ચા થતી હોય તો એ છે આમ આદમી પાર્ટીના રૂપમાં ત્રીજા રાજકીય પરિબળની. એવું નથી કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડી રહી છે. અગાઉ પણ આપના ઉમેદવારો વિધાનસભા-લોકસભામાં લડી ચૂક્યા છે અને હારી ચૂક્યા છે.
અત્યાર સુધી એમની હાજરીની ના તો કોઇએ નોંધ લીધેલી કે ના તો ચૂંટણીના ગણિતમાં એમના ઉભા રહેવાનું કોઇ વજૂદ હતું. આ વખતે પણ છેક હમણાં સુધી આપની હાજરીને કોઇ ગંભીરતાથી લેતું નહોતું. આપ બહુ બહુ તો સત્તા વિરોધી મત મેળવીને કોંગ્રેસના જ મત તોડશે એમ માનીને ભાજપના નેતાઓ મૂછમાં હસતા હતા, પણ જે રીતે અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહિલાઓને, આદિવાસીઓને, વેપારીઓને, શિક્ષકોને ગેરેંટી કાર્ડ આપવાની શરૂ કરી, જે રીતે ગુજરાતમાં પણ શિક્ષણ-પાણી-વીજળી ફ્રી આપવાની વાત કરી અને એને સોશિયલ મિડીયામાં જે રિસપોન્સ મળ્યો એ પછી આપ અચાનક જ ચૂંટણીના મેદાનમાં કેન્દ્રસ્થાને આવી ચૂકી છે. જે ભાજપના નેતાઓ આપને જવાબ આપવાની ય તસદી લેતા નહોતા એ જ ભાજપનું આઇટી સેલ અચાનક કોંગ્રેસના બદલે આપને ટાર્ગેટ કરવા લાગ્યું અને ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો સોશિયલ મિડીયામાં ફેરવવા માંડ્યું. વિધાનસભાની ચૂંટણી જો સોશિયલ મિડીયામાં લડાતી હોય તો લડત ભાજપ અને આપ વચ્ચે જ છે એવું લાગે!
એ અર્થમાં આ વખતની ચૂંટણીમાં ત્રીજા રાજકીય પરિબળ તરીકે આપની હાજરીએ ચૂંટણીને એકતરફી અને નિરસ બનતા અટકાવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં સાચા અર્થમાં ત્રિપાંખીયો જંગ છેલ્લે 1990માં ભાજપ-કોંગ્રેસ અને ચીમનભાઇ પટેલના જનતાદળ વચ્ચે જામેલો. એ પછી ચૂંટણી મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ લડાતી આવી છે. હા, 1998માં શંકરસિંહ વાઘેલાનો રાજપા અને 2012માં કેશુભાઇ પટેલની પરિવર્તન પાર્ટી મેદાનમાં હતા, પરંતુ આ બન્ને પરિબળ ભાજપમાંથી છૂટા પડેલા ફાંટા હતા. પક્ષના આંતરિક બળવાનું પરિણામ હતા.
સવાલ એ છે કે કેજરીવાલ એન્ડ કંપનીની હાજરીથી હાર-જીતની બાજી પલટાશે? યાદ રહે, કોઇપણ ચૂંટણીમાં ત્રીજું પરિબળ (કે અપક્ષ ઉમેદવારો) કાયમ જીતવા માટે નથી લડતા. એમનું કામ કાં તો કોઇને જીતાડવાનું અને કાં તો કોઇને હરાવવાનું હોય છે. અંગ્રેજીમાં આપણે જેને સ્પોઇલિંગ ફેક્ટર કહીએ એ. એનું કામ જ હોય હાર-જીતના સમીકરણો ડહોળવાનું. મોટાભાગના લોકો માને છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સ્પોઇલિંગ ફેક્ટર સાબિત થઇ શકે છે.
ઉદાહરણ તરીકે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં 35 બેઠક એવી હતી, જ્યાં ભાજપ કે કોંગ્રેસના ઉમેદવાર પાંચ હજાર કરતાં ઓછા મતની સરસાઇથી જીત્યા હતા. 63 બેઠક એવી હતી, જ્યાં જીતનું માર્જિન દસ હજાર મત કરતાં ઓછું હતું. હવે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર મજબૂત સ્થાનિક સંપર્કો ધરાવતો હોય, થોડોક પોતાની કમ્યુનિટીનો ટેકો મળે અને ભાજપથી નારાજ મતદારોનો એક વર્ગ એમના તરફ ઢળે તો એવી બેઠકો પર ભાજપ-કોંગ્રેસના સમીકરણો બગડે. ગઇ ચૂંટણીમાં નોટા (None of the above) ને કુલ મતના 1.71 ટકા એટલે કે 513030 મત મળેલા. જેમ નોટાએ ઘણા ઉમેદવારની હાર-જીતની તકદીર બદલેલી એમ આ વખતે આપ પણ કોઇકના ખેલ બગાડી શકે છે. ધોળકા (ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની બેઠક, જેની મતગણતરીનો કેસ હજુ સુપ્રીમમાં છે), કપરાડા, ડાંગ, માણસા, ગોધરા જેવી અમુક બેઠકમાં જીતનું માર્જિન તો એક હજાર મતથી ય ઓછું હતું. આવી બેઠકોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગંભીરતાથી લડે તો ભાજપની બેઠક કોંગ્રેસના ફાળે અને કોંગ્રેસની બેઠક ભાજપના ફાળે જાય એવું ય બને. કાં તો બેની લડાઇમાં ત્રીજો ફાવે એમ આપનો ઉમેદવાર પણ સરપ્રાઇઝ વીનર બનીને બહાર આવી શકે! આમ આદમી પાર્ટીએ ગુજરાતની લગભગ તમામ વિધાનસભા ચૂંટણીમાં રોજગારની ગેરેંટી આપતા કાર્ડ વિતરણ કર્યા છે. ક્રેડિટ-ડેબિટ કાર્ડ જેવા જ આ કાર્ડ મતદારોના ફોનનંબર નોંધીને આપવામાં આવે છે. પક્ષના પ્રવક્તા નીતિન બારોટના દાવા પ્રમાણે, પક્ષે વિધાનસભા દીઠ ઓછામાં ઓછા ચાલીસેક હજાર કાર્ડ વિતરિત કર્યા છે.
અલબત્ત, આમ આદમી પાર્ટી પાસે ઇસુદાન ગઢવી જેવા એકાદ-બે ચહેરા સિવાય કોઇ જાણીતા ચહેરાઓ નથી. ભાજપની માફક કમિટેડ મતદારોને બૂથ સુધી લાવી શકે, ધાર્યું મતદાન કરાવી શકે એવી મજબૂત કેડર કે નેટવર્ક નથી એટલે ફ્કત સોશિયલ મિડીયામાં હાજરી માત્રથી એ ચૂંટણી જીતી જશે એમ માનવું વધારે પડતું છે. વળી, આપને મળનારા મોટાભાગના મત સત્તાવિરોધી એટલે કે ભાજપવિરોધી હોવાના એટલે એ કોંગ્રેસના મત વધારે તોડશે, પણ પક્ષે ફ્રી શિક્ષણ-પાણી-વીજળી દ્વારા ગરીબ અને લોઅર મિડલ ક્લાસને ટાર્ગેટ કર્યો છે એટલે એ સેમી-અર્બન વિસ્તારમાં ભાજપના મત તોડીને અમુક શહેરી બેઠકો પર ભાજપના સમીકરણો પણ બગાડી શકે છે.
ચિત્રલેખા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા નીતિન બારોટ આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહે છે કે, ‘ભાજપના શાસનથી કંટાળેલી ગુજરાતની પ્રજા આ વખતે અરવિંદ કેજરીવાલ પર ભરોસો મૂકીને એક મોકો આપને આપશે. અમે કેજરીવાલની લોકપ્રિયતા, દિલ્હીમાં અમારી સરકારે કરેલી કામગિરી અને બદલાવની રાજનિતિના મુદ્દાઓ લઇને લડી રહ્યા છીએ.’
જો કે, દરેક પક્ષ પોતાની જીતનો દાવો કરે એ સ્વાભાવિક છે, પણ એનું નેતૃત્વ ગ્રાઉન્ડ રિયાલિટીથી વાકેફ ન હોય એવું માનવાને ય કારણ નથી. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય કક્ષાએ લાંબા ગાળાનું લક્ષ્ય છે ભાજપનો વિકલ્પ બનવાનું. કોંગ્રેસની વર્તમાન હાલત જોતાં દેશમાં વિપક્ષના નામે લગભગ શૂન્યાવકાશ છે અને કેજરીવાલ એ શૂન્યાવકાશ પૂરવા માગે છે. પંજાબની જીત પછી પાર્ટીમાં જોશ પણ છે, પણ આમ આદમી પાર્ટીને હજુ રાષ્ટ્રીય પક્ષ તરીકેનો સત્તાવાર દરજ્જો મળવાનો બાકી છે. આ માટે એમણે વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતના છ ટકા મત મેળવવા પડે. આપ અત્યારે ગુજરાતમાં જે જોર લગાવી રહ્યો છે એમાં એનું મુખ્ય લક્ષ્ય કોઇપણ હિસાબે છ ટકા મત મેળવીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવાનું છે.
આ તરફ, ભાજપ ચૂંટણી માટે તમામ રીતે સજજ છે. આમ પણ, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સરકારી કાર્યક્રમો સાથે સંગઠનને જોડીને એમણે ભાજપના સંગઠનને એક યા બીજા કાર્યક્રમો દ્વારા સતત સક્રિય રાખવાની શરૂઆત કરેલી. છેલ્લા બે મહિનામાં ખુદ નરેન્દ્ર મોદી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જાતજાતના લોકાર્પણો-શિલાન્યાસો કરી ચૂક્યા છે. છેલ્લે છેલ્લે, રાજ્ય કરકારે સમાન નાગરિક ધારો (કોમન સિવિલ કોડ) ગુજરાતમાં લાગુ કરવા માટે કમિટી બનાવવાની જાહેરાત કરી એ પત્તું પણ રમી નાખ્યું છે. કોમન સિવિલ કોડ એ ભાજપનું રામજન્મભૂમિ અને 370 મી કલમ જેવું જ જૂનું હથિયાર છે. ડ્રીમ છે. આ જાહેરાત પછી માતૃસંસ્થા સંઘના કાર્યકરોય પૂરજોશમાં ભાજપ માટે કામે લાગી શકે છે. ગુજરાત સંઘની રાજકીય પ્રયોગશાળા ગણાય છે, ભાજપનો ગઢ મનાય છે. 27 વર્ષથી સરકાર હોવા ઉપરાંત સહકારી સંસ્થાઓ, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં ભાજપના આગેવાનો બેઠલા છે. વેપારી સંગઠનો પર પક્ષની પકડ અને ધાક છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે બુથ સમિતિ અને પેજ સમિતિ જેવા પ્રયોગો કરીને સંગઠનને ચૂંટણી માટે તૈયાર કરી રાખ્યું છે.
અલબત્ત, આ બધું હોવા છતાં ભાજપનો સૌથી મોટો દારોમદાર અને હુકમનું પત્તું તો ફક્ત અને ફક્ત નરેન્દ્ર મોદી જ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીઓની ફોજ હાજર હોવા છતાં મોરબીની પુલ હોનારત પછી જે રીતે નરેન્દ્રભાઇએ ગાંધીનગરના રાજભવનમાં બેઠક યોજીને દોરીસંચાર પોતાના હાથમાં લઇ લીધો, મોરબીની મુલાકાત નક્કી થઇ એ જોતાં પણ સાબિત થાય છે કે, મોદી પોતે કોઇ ચાન્સ લેવા માગતા નથી.
ગયા મહિને ભાજપે યોજેલી ગૌરવ યાત્રામાં પક્ષના પ્રદેશ મંત્રી રહી ચૂકેલા અગ્રણી અમિત ઠાકરે જાહેરસભાઓમાં એક સૂત્ર વહેતું મૂકેલુઃ ‘ગુજરાતને ન જોઇએ કોંગ્રેસની ખામ અને આપની વામ (ડાબેરી વિચારધારા), ગુજરાતને જોઇએ અયોધ્યામાં રામ, ભાજપ સરકારના કામ અને મોદીજીના હાથમાં કમાન!’ આ સૂત્ર જે રીતે વહેતું થયું એ બતાવે છે કે, વિરોધ પક્ષ છોડો, ભાજપ પાસેય આજે મોદીનો કોઇ વિકલ્પ નથી!
અમિતભાઇ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે, ‘ભાજપ એના સુશાસન અને વિકાસના કામો લઇને પ્રજા સમક્ષ જઇ રહ્યો છે. દેખીતી રીતે જ, નરેન્દ્ર મોદી અમારો ચહેરો છે. નરેન્દ્રભાઇના નામ અને કામથી ગુજરાતની પ્રજા ખુશ છે અને એમને પ્રેમ કરે છે એટલે એમના આશીર્વાદ ય અમારી સાથે જ રહેવાના છે.’
રહી વાત કોંગ્રેસની તો, સોશિયલ મિડીયામાં ભાજપ-આમ આદમી વચ્ચેના જંગમાં પહેલી નજરે તો કોંગ્રેસ ક્યાંય ચૂંટણી ચિત્રમાં જ ન હોય એવું દેખાય, પણ વાસ્તવિકતા એ નથી. પ્રદેશના નેતાઓ વચ્ચે એ જ જૂથવાદ, કરિશ્માઇ નેતૃત્વનો અભાવ, કાર્યકર્તાઓમાં જુસ્સાનો અભાવ અને નબળું સંગઠન જેવા કારણસર કોંગ્રેસની હાલત ગુજરાતમાં દિનપ્રતિદિન કથળી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસ સાવ પતી ગઇ છે એવું વારંવાર કહેવાય છે. આમ છતાં આંકડાઓ બતાવે છે કે પક્ષની સ્થિતિ ધારવામાં આવે છે એટલી ખરાબ નથી. 1995થી લઇને આજસુધીની વિધાનસભાની તમામ ચૂંટણીઓમાં, નરેન્દ્ર મોદીનો સૂરજ ગુજરાતમાં તપતો હોવા છતાંય, કોંગ્રેસ દરેક ચૂંટણીમાં સરેરાશ 35 થી 37 ટકા મત મેળવતી આવી છે. દરેક ચૂંટણીમાં લગભગ ત્રીજા ભાગની એટલે કે સરેરાશ 55 થી 60 બેઠક મેળવતી આવી છે એટલે ગુજરાતમાં આજેપણ પક્ષની કમિટેડ વોટબેંક છે એનો ઇન્કાર ન થઇ શકે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં છે અને સોનિયા ગાંધી તબિયતના કારણે બહુ સમય આપી શકે એમ નથી એટલે પક્ષે 2017ના અનુભવને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સેનાપતિ બનાવીને મેદાનમાં ઉતારી દીધા છે. 2017માં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની ત્રિપુટીને સાથે રાખીને અશોક ગેહલોતે કોંગ્રેસને 77 બેઠક સાથે સત્તાની લગોલગ લાવી દીધેલી. ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનમાં કોણ શું કરી શકે છે, એની ખૂબીઓ અને ખામીઓ શું છે એની ગેહલોતને હવે પાક્કી ખબર છે અને એ પોતે પણ રાજકારણના જૂના જાદુગર છે.
વળી, કોંગ્રેસે આ વખતે પોતાની વ્યૂહરચના ધરમૂળથી બદલી છે. મુખ્ય પ્રવાહના મિડીયામાં કે સોશિયલ મિડીયામાં પોતાનો અવાજ રજૂ કરવામાં એક મર્યાદા છે એ સમજી ચૂકેલી નેતાગિરીએ પરંપરાગત ખાટલા બેઠકો દ્વારા ગામડાઓમાં, મહોલ્લાઓમાં જઇને લોકો સમક્ષ પોતાની વાત મૂકવાનો રસ્તો અખત્યાર કર્યો છે. હમણાં આણંદની એક સભામાં નરેન્દ્ર મોદીએ પણ જ વાત કરીને ભાજપના કાર્યકર્તાઓને ચેતવેલા કે, કોંગ્રેસને હળવાશથી લેવાની ભૂલ ન કરતા! છેલ્લા એકાદ વર્ષથી કોંગ્રેસના આગેવાનો ક્યાંય પ્રચારનો ઢોલ પીટ્યા વિના આવી બેઠકોથી લોકસંપર્ક કરી રહ્યા છે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા પ્રદેશ અગ્રણી પરેશ ધાનાણી ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે, ‘સત્તા અને આર્થિક તાકાતના જોરે ભાજપ માધ્યમોને ડરાવીને કોંગ્રેસનો અવાજ લોકો સુધી પહોંચતા અટકાવે છે. સોશિયલ મિડીયા પર ય સત્તાના જોરે લગામ ખેંચીને વિપક્ષને ડરાવે છે. આ સંજોગોમાં લોકો સુધી પહોંચવા પરંપરાગત રીતે ખાટલા બેઠકો જ યોજવી પડે. અમે લોકો પાસે જઇને વાતો કરીએ છીએ અને એમના પ્રશ્નો સાંભળીએ છીએ એનાથી ખબર પડે છે કે ભાજપના શાસનથી લોકો કેટલા ત્રાસી ગયા છે. વિકાસના નામે તમાશા થઇ રહ્યા છે.’
ભાજપ ગુજરાતના સુશાસનના મોડેલના ઢોલ પીટે છે એની સામે કોંગ્રેસ ગેહલોત સરકારના રાજસ્થાન મોડેલને રજૂ કરી રહી છે. તો આમ આદમી પાર્ટી કેજરીવાલના દિલ્હી મોડેલને આગળ ધરી રહી છે.
ઇન શોર્ટ, વિધાનસભાના આ ત્રિપાંખીયા જંગમાં મતદારો પાસે ગુજરાત મોડેલ, રાજસ્થાન મોડેલ અને દિલ્હી મોડેલ જેવા ત્રણ વિકલ્પો છે. બોલ, ના, ઇવીએમનું બટન હવે મતદારોના હાથમાં છે.
(કેતન ત્રિવેદી, ગાંધીનગર)