અમદાવાદ: ‘ધ ફોનિક્સ ઇફેક્ટ: સ્ટોરીઝ ઓફ સર્વાઈવલ, હોપ એન્ડ હીલિંગ’ વિષય પર અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન (AMA) ખાતે ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લક્ષ્મી ફાઉન્ડેશનના કો ફાઉન્ડર ડૉ. નવપ્રીત કૌર હાજર રહ્યા હતા. તેમણે એસિડ એટેક સર્વાઈવલ અને એટેક બાદના તેમના જીવન સંઘર્ષ અંગે માહિતી આપી. AMA ખાતે 15મા ડૉ. લલિતા ઐયર મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. નવપ્રીત કૌરએ એસિડ એટેક પીડિતોના લાઇવ કેસ સ્ટડી વિશે વિગતવાર માહિતી આપી હતી. જેમાં તેમની સાથે એસિડ એટેક સર્વાઈવલ મૂળ ઝારખંડના પ્રિન્સ સાહુએ ભાગ લીધો હતો અને પોતાની સાથે બનેલી દુર્ઘટના વિશે વાત કરી હતી.એસિડ એટેક થયો તે પહેલાં પ્રિન્સ સુરતમાં ફ્રિલાન્સ મોડલિંગનું કામ કરતો હતો. તેઓ મિત્રોની કપડાંની દુકાન માટે પણ મોડલિંગ કરતા હતા. તેમાંના એક મિત્રને લાગ્યું કે તેમની પત્ની સાથે પ્રિન્સને સંબંધો છે અને શંકાને આધારે તેમણે પ્રિન્સના ચહેરા પર એસિડ ફેંક્યો હતો. તેઓ લાંબા સમય સુધી ICUમાં હતા. લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા મદદ મળ્યા બાદ પ્રિન્સનું જીવન ફરી નોર્મલ થઈ રહ્યું છે.
ડૉ. નવપ્રીત કૌરે કહ્યું કે દર વર્ષે લગભગ એસિડ એટેકના 250-300 કેસ નોંધાય છે. જેમાં સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હીથી સામે આવે છે. જો કે આ વર્ષે સૌથી વધુ કેસ બેંગલુરૂથી સામે આવ્યા છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો છેલ્લાં પાંચ મહિનામાં 15 એસિડ એટેક સર્વાઇવલના કેસ અમારી પાસે આવ્યા છે. લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એસિડ એટેક પીડિતને કાનૂની સહાયની સાથે ફિજીકલ અને સાયક્લોજીસ્ટ ટ્રીટમેન્ટમાં મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ જીવનમાં ફરી એક નોર્મલ લાઈફ જીવી શકે તે માટે તેમને આર્થિક રીતે પગભર થવામાં પણ મદદ કરે છે. એસિડ એટેક માટેની સૌથી સારી ટ્રીટમેન્ટ દિલ્હી એઈમ્સમાં ઉપલબ્ધ હોવાથી દિલ્હીમાં શેલ્ટર હોમ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ એસિડ એટેક પીડિત વિના મૂલ્યે રહી શકે છે. વધુમાં તેમણે કહ્યું, એસિડ એટેકના કિસ્સાઓ શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધારે બનતા હોય છે. આ દુર્ઘટનાનો ભોગ 13 વર્ષથી લઈને 35 વર્ષની વયજૂથના લોકો બનતા હોય છે. એસિડ એટેકના કિસ્સામાં 2 ટકા કેસમાં લોકોના મોત પણ થયા છે. એસિડ એટેકનો ભોગ 70 ટકા મહિલાઓ બને છે, જ્યારે 30 ટકા કેસ પુરૂષોના પણ હોય છે.