નુતન વર્ષની નવી ઉજવણી

સામાન્ય દિવસોમાં રોજ સવારે જુગલને જબરજસ્તીથી ઉઠાડવો પડતો. તેનાં નામની બુમો સવારને ધમધમાવી દેતી, ત્યારે ભાઈ સાહેબ પરાણે આંખ ચોળતા રૂમમાંથી બહાર આવતા. છ વર્ષના જુગલમાં આઠ વર્ષના બાળક જેટલી કુતુહલતા અને તરવરાટ હતો

સવારે ઉઠવાની બાબતે ખાસ્સો આળસુ, પરંતુ દિવાળીના દિવસોની મહિના પહેલા ગણતરી કરતો. આ નવા દિવસોમાં સહુથી પહેલો જાગી જતો. નવા કપડા અને નવી વસ્તુઓ ખાવા મળતી સાથે રોજ ઘરમાં કોઈને કોઈ નવા રમકડાં લઇ આવતા. ગઈ કાલે રાતની તારામંડળ અને ફૂલઝડીની ચમક હજુય તેની આંખોમાં ચમકતી હતી.

આજે તો નવા વર્ષનો પહેલો દિવસ હતો, મા એ રાત્રે બધુજ સમજાવ્યું હતું. જુગલ સવારથી મંદિર જવા તૈયાર થઈને બેઠો હતો. દસ વાગતાં મા સાથે નજીકના મંદિરમાં પહોચી ગયો.

બહાર ભિખારીઓ હારબંધ ગોઠવાઈ ગયા હતા. જતા આવતા દયા દાનમાં તેમની સામેની થાળીમાં રૂપિયાનો સિક્કો કે પ્રસાદી જેવું આપતા જતા. જુગલ જ્યારે પણ મંદિર આવતો તેને આ પ્રશ્ન કાયમ સતાવતો. રોજ કોઈને કોઈ અહીં બેસી જતા આવતા સામે હાથ લાંબો કરી ભીખ માંગે છે. એમાય આજે તો એ સંખ્યામાં ઘણો વધારો હતો.

“મા આ બધા બહાર કેમ બેઠા છે. પૈસા કેમ માગે છે?” જુગલે પગથીયાની ચારેબાજુ નજર નાખતા પૂછ્યું.

“બેટા એમનાથી અંદરના જવાય. તેમની પાસે ખાવાનું નથી માટે માંગે છે.” મા એ સમજાવતા કહ્યું.

“એમનું ઘર ક્યા છે? આપણી જેમ તેઓ ખાવાનું કેમ નથી બનાવતા?”

“જુગલ તેમને ઘર નથી માટે જ અહીં બેસી ખાવાનું માંગે છે. ચાલ જલદી અંદર આરતીનો સમય થયો.” મા એ વાતને ટૂંકાવી નાંખવાના ઈરાદાથી કહ્યું.

મા ની આંગળી પકડી છેક ગર્ભદ્વાર સુધી જુગલ પહોચી ગયો. મંદિરમાં અંદર ભગવાનની મૂર્તિ સામે ભરાએલા ૩૦૦થી વધારે જાતની વાનગીઓના અન્નકૂટને તેની ગોઠવણીને આંખો પહોળી કરી કરીને જોતો રહ્યો.

“મા ભગવાન આટલું બધું ખાય? એકલા ખાય? આટલી બધી વસ્તુઓના નામ યાદ રહે એમને?” કોણ જાણે કેટલાય પ્રશ્નો એક સાથે પૂછવા લાગ્યો.

“બેટા ભગવાન તો ભાવના ભૂખ્યા હોય એ આ બધું ખાતા નથી. પ્રભુને ધરાવી આપણે જ પ્રસાદી રૂપે ખાઈ જવાનું.’ મા જાણતી હતી કે તેને વાત નહિ સમજાય ત્યાં સુધી એ પીછો નહિ છોડે.

“આપણી પાસે તો ઘરે બહુ ખાવાનું છે, ચાલ આ બધો પ્રસાદ ભેગો કરી બહાર બેઠેલાને આપી દઈએ. ભગવાન તો નથી ખાવાના તો ચાલને આ લાડવા બહાર પેલા બા દાદાને આપી આવીએ.” મા કઈ કહે કે વિચારે એ થાળીને બે હાથમાં ઉચકી બહાર ચાલવા માંડ્યો.

“ઓ છોકરા આખી થાળી લઇ ક્યાં ચાલ્યો. એક લાડવો લે બાકીનું પાછું મૂકી દે” પુજારીએ બુમ પાડી.

“પુજારી દાદા ભગવાન આમાંથી કશુંજ નથી ખાતા મને ખબર છે. બહાર બેઠા છે એમની પાસે ઘર કે ખાવાનું નથી. એટલે હું બહાર બધાને આપી આવું.”

નાના છોકરાની વાતે પુજારી દાદાની આંખો આશ્ચર્ય અને પછી ખુશીથી પહોળી કરી નાખી. “દીકરા આરતી થઇ જવાદે પછી આપણે સાથે મળી એ બધાને લાડવા આપી આવીશું. નવા દિવસની નવી શરૂવાત ભગવાને પણ ખુબ ગમશે.”

– રેખા પટેલ (વિનોદિની)